તળાવમા નહાવા પડેલા બે ભાઈઓના તડપી તડપીને મોત, પરિવાર પર તૂટી પડ્યો દુ:ખનો પહાડ
આદિપુરથી અંજાર જતા રોડ પર શનિ મંદિર પાસે આવેલા તળાવમાં નહાવા માટે ગયેલા 12 વર્ષીય અને 13 વર્ષીય કિશોર ડૂબી જતાં મોત નિપજ્યું હોવાની ઘટનાથી રવિવારના દિવસે પરપ્રાંતીય પરિવાર માટે કરૂણાંતિકા સર્જાઇ હતી. આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, આદિપુરના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા 12 વર્ષીય અભય સુરજ ચૌહાણ અને 13 વર્ષીય નિર્જલ રિંકુસિંગ ચૌહાણ બપોરે રમતા રમતા દોઢ વાગ્યે શનિ મંદિર પાછળ આવેલા તળાવમાં નહાવા પડ્યા હતા. પરંતુ બન્ને જણા તળાવમાં ગરકાવ થયા હતા.
આ બાબતે ફાયર ફાઇટર ટીમને જાણ કરાતાં ડીસીઓ રવીરાજ ગઢવી, ફાયરમેન હીરજી રબારી અને જગાભાઇ રબારી ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ડૂબી ગયેલા બન્ને કીશોરને શોધવાની કવાયત આદરી હતી. જેમાં અભયનો મૃતદેહ તો તરત જ મળી ગયો હતો પરંતુ નીર્જલનો મૃતદેહ સાંજે સાડા છ વાગ્યે મળ્યો હતો. જીઆઇડીસી વિસ્તારમાં રહેતા મુળ ઉતરપ્રદેશના બન્ને પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. હાલ આદિપુર પોલીસે ઘટનાની નો઼ધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીધામ આસપાસ જેટલા પ્રમાણમાં શિણાય ડેમ, અંતરજાળ તળાવ જેવા કુદરતી જળાશયો સાથે માટી ચોરી, ખનીજ ચોરીના કારણે થયેલા મોટા ખાડાઓના કારણે ત્યાં એકત્ર થતા પાણીમાં પણ નાના બાળકોના નહાવા પડ્યા બાદ ડુબી જવાની દુખદ ઘટનાઓ સામે આવતી રહે છે.
આ પ્રકારની ઘટનાઓ અગાઉ શિણાય, અંતરજાળ સાથે રાજવી ફાટક પાસે, કંડલા નજીક, અને અંજાર રોડ પર પણ બની ચુકી છે. ત્યારે જન જાગૃતિ સાથે જ્યાં ત્યાં ખોદી નખાતા ખાડાઓ અને તે અંગે આવી દુર્ઘટનાઓ બાદ પણ સધાતું સંપુર્ણ મૌન પ્રશ્નો જન્માવતા રહ્યા છે. આ કરુણાતીંકાઓને રોકવા પ્રશાસન દ્વારા કોઇ જાગૃતિ કે ચેકિંગ અભિયાન પણ હાથ ધર્યુ હોવાનું અત્યાર સુધી સામે આવવા પામ્યું નથી.