ખેડૂત પરિવારમાં જન્મેલી એક દીકરી પોતાના દાદાની ઇચ્છાને પૂર્ણ કરવા આવી રીતે બની IPS ઓફિસર

દિલ્હીઃ આ વાત છે દિલ્હીની DSP મોનિકા ભારદ્વાજની. ખેડૂત પરિવારમાં જન્મેલી એક દીકરી પોતાના દાદાની ઇચ્છા પૂર્ણ કરવાને પોતાના જીવનનું ધ્યેય બનાવી લીધું હતું. બાળપણમાં દાદા પોતાની પૌત્રીને સચ્ચાઇ અને ઇમાનદારીની શીખ આપતા હતા. તેઓ કહેતા હતા કે દેશ અને સમાજની સેવા કરવી એ જ સાચો ધર્મ છે. દાદાની વાતને પૌત્રીએ હંમેશા દિલમાં રાખી અને દેશની સેવાનું નક્કી કરી લીધું. પરંતુ યુવતી હોવાને કારણે તેના પર લગ્ન કરી ઘર વસાવી લેવાનું પણ પ્રેશર હતું. તે હાઉસ વાઇફ બની બાળકનું ભરણ પોષણ કરી જીવન બરબાદ કરવા નહોતી ઇચ્છતી. તે ઇચ્છતી હતી કે કંઇક મોટું કરે જેનાથી નામ રોશન થાય. ગામથી કોલેજ જવા માટે તે બસના ધક્કા ખાતી હતી. દાદી પૌત્રીની રાહમાં ગામના બસ સ્ટેશન પર રાહ જોતી હતી.

મોનિકા હરિયાણાના એવા વિસ્તારમાંથી આવે છે, જ્યાં દિકરીઓને જન્મની સાથે જ દૂધપીતી કરવાનો રિવાજ જાણીતો છે. મોનિકા હરિયાણાના એક ગામ સાંપલાની રહેવાસી છે. તેના પિતા દેવીદત્ત દિલ્હી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવે છે. પાંચ ભાઇ બહેનોમાં સૌથી મોટી મોનિકા લગ્ન બાદ સાધારણ મહિલાઓ જેમ હાઉસ વાઇફનું જીવન નહોતી ઇચ્છતી. તેની ઇચ્છા હતી કે તે કંઇ અલગ કરે. હરિયાણાના ગામડાની આ યુવતીએ નાની ઉંમરમાં જ આઇપીએસ ઓફિસર બનવાનું સપનું જોઇ લીધું હતું.

મોનિકાએ પ્રાથમિક શિક્ષણ ગામમાં રહીને પૂર્ણ કર્યું હતું. 10 ધોરણ સુધી સાંપલા અને 12મું ધોરણ રોહતકમાં પાસ કર્યું. બાદમાં બીએસસી કરવા દિલ્હીની કરોડીમલ કોલેજમાં એડમિશન લીધું પરંતુ ગામથી અહીં સુધીની સફર દરમિયાન અનેક મુશ્કેલીઓ આવી. દરરોજ અપડાઉન થતું પરંતુ બસ મળવી ખુબ જ મુશ્કેલ હતી. ડીટીસી હોય કે હરિયાણા રોડવેઝની બસ, લાંબા સમય સુધી રાહ જોયા બાદ કોઇ વાહન મળતું નહોતું. ઘણી વખત તો ગામડામાં બસ સ્ટેશન ના હોવાને કારણે બસને હાથ બતાવ્યા બાદ પણ બસ ઊભી રહેતી નહોતી.

એક કલાકના સફરને ઓછામાં ઓછા અઢી કલાકનો સમય લાગતો. ક્યારેક તો તેનાથી પણ વધુ સમય લાગતો. પરત ફરતી વખતે જો મોડું થઇ જાય તો ગામના બસ સ્ટેશન પર દાદી રાહ જોતી હતી. તેમ છતા ક્યારેક કોલેજના ક્લાસ મિસ ના કર્યાં. મોનિકાએ પ્રાઇવેટ નોકરી પણ કરી અને પૈસા પણ કમાયા પરંતુ સિવિલ સર્વન્ટ બની તે સમાજની સેવા કરવા માગતી હતી.

આ લક્ષ્યની સાથે મોનિકાએ દિવસ-રાત મહેનત કરી પોતાને યુપીએસસી પરીક્ષા માટે તૈયાર કરી. વર્ષ 2009માં તેને સફળતા મળી અને મોનિકા આઇપીએસ ઓફિસર બની ગઇ. મોનિકા વેસ્ટ અને સાઉથવેસ્ટ ડિસ્ટ્રિક્ટમાં એડિશનલ DCPની ભૂમિકા નીભાવી ચૂકી છે. PCRની યુનિટમાં પણ કામ કરી ચૂકી છે.  મોનિકા પોતાના ગામની પ્રથમ યુવતી છે, જે આટલા મોટા હોદ્દા સુધી પહોંચી છે. મોનિકાના સંઘર્ષની કહાનીથી પ્રેરિત થઇ ગામમાં અન્ય યુવતીઓ પણ સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છે.

ઇચ્છાશક્તિ અને લગનની મદદથી મોનિકાએ દરેક મુશ્કેલીઓનો સામનો કર્યો. મોનિકામાંથી પ્રેરણા લઇને ગામની અન્ય યુવતીઓ આઇએએસ તથા આઇપીએસની તૈયારી કરી રહી છે. ગામની યુવતીઓ માટે મોનિકા એક પ્રેરણા બની ચૂકી છે. પરંતુ આ સફર આટલી સરળ નહોતી. જ્યારે મોનિકાએ આઇપીએસની પરીક્ષા પાસ કરી તો ગામના લોકોને વિશ્વાસ ના આવ્યો કે તેના ગામની યુવતી મોનિકા હવે કોઇ સાધારણ યુવતી નહીં પરંતુ મોટી ઓફિસર બની ગઇ છે. ગામ લોકોની સાથે ભારદ્વાજ પરિવાર પણ પોતાની લાડલીની સફળતાથી ખુશ હતો.

મોનિકાની બે નાની બહેનો પણ સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છે. મોનિકાનું કહેવું છે કે કોઇપણ બાળક માટે દેશ અને સમાજ માટે કામ કરવું તેમનું કર્તવ્ય છે. જે તમને મળ્યું છે તે પરત કરો. લોકોની સેવા કરો અને જીવનનું એક જ લક્ષ્ય રાખો.

Leave a Reply

You cannot copy content of this page