દુઃખદ ઘટનાઃ ભંડારાની જિલ્લા હોસ્પિટલમાં આગથી 10 નવજાતનાં મોત, પરિવારજનોનાં હૈયફાટ રૂદનથી ગુંજી ઊઠ્યું આખુ શહેર.

મહારાષ્ટ્રના ભંડારામાં શનિવારે મોટી દુર્ઘટના બની ગઈ છે. અહીંની જિલ્લા હોસ્પિટલમાં મોડી રાતે બે વાગ્યે આગ લાગી ગઈ હતી, જેમાં 10 બાળકનાં મોત થયાં છે, જેમની ઉંમર એક દિવસથી માંડી 3 મહિના સુધીની છે. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા

જિલ્લા કલેક્ટર સંદીપ કદમ, SP વસંત જાધવ, ASP અનિકેત ભારતી, જિલ્લા સર્જન ડો. પ્રમોદ ખંડાતે ઘટનાસ્થળ પર હાજર છે. સ્વાસ્થ્ય ડે. ડાયરેક્ટર સંજય જયસ્વાલ પણ નાગપુરથી ભંડારા માટે રવાના થઈ ચૂક્યા છે.

સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેએ જણાવ્યું હતું કે આગ સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં સવારે 2 વાગ્યે લાગી હતી. યુનિટમાંથી સાત બાળકને બચાવી લેવાયાં છે, સાથે જ દસ બાળકનાં મોત થયાં છે.

આખી હોસ્પિટલને પોલીસે બંધ કરાવી દીધી છે. સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. શ્વાસ રૂંધાવાથી મરનારાં બાળકોનું પોસ્ટમાર્ટમ નહીં કરવામાં આવે. ઘટના પાછળનું કારણ શોધીને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.

મળતી માહિતી પ્રમાણે, આ વોર્ડમાં લગભગ 17 બાળક હતાં. અહીં નાજુક સ્થિતિવાળાં બાળકોને રાખવામાં આવે છે. સૌથી પહેલા એક નર્સે વોર્ડમાંથી ધુમાડો નીકળતાં જોયો. તેણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને આની જાણ કરી. ત્યાર પછી સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. આની ફાયરબ્રિગેડને પણ જાણ કરી દેવાઈ. ફાયરકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.

ઘટના પછી હોસ્પિટલની બહાર ભીડ ભેગી થઈ ગઈ છે. લોકોનો આરોપ છે કે ઘટના માટે હોસ્પિટલ તંત્ર જવાબદાર છે.

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ ટ્વિટ કરીને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ફડણવીસે દુર્ઘટનાની તપાસ કરવા અને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે, હોસ્પિટલમાં બાળકોના મોતથી ઘણું દુઃખ થયું છે. ઘટનામાં પોતાના બાળકોને ગુમાવનાર પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.

સાથે જ વડાપ્રધાન મોદીએ આને હૃદય કંપાવી દે તેવી ઘટના ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમે ઘણી કિંમતી નવી જિંદગીઓ ગુમાવી દીધી. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. મારી પ્રાર્થના છે કે ઘાયસ બાળકો ઝડપથી સાજા થઈ જાય.

અમિત શાહે કહ્યું, આ દુઃખ માટે શબ્દ નથી: હોસ્પિટલમાં જીવ ગુમાવનારાં બાળકો માટે ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે.

Leave a Reply

You cannot copy content of this page