ભુતપૂર્વ CM માધવસિંહ સોલંકી પંચમહાભૂતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાય અંતિમ વિદાઈ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશમંત્રી તથા ગુજરાતના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું શનિવારે 94ની વયે ગાંધીનગરમાં અવસાન થયું હતું. પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે તેમના પુત્ર અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાથી તેમના અંતિમ સંસ્કાર આજે રાખવામાં આવ્યા હતા. સાંજે સાડા પાંચ વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

બપોર બાદ તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી તેમના ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં કાર્યકરો અને હજારો સમર્થકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. તેમજ સેવાદળે માધવસિંહને સલામી આપી હતી. ત્યાર બાદ તેમની અંતિમ યાત્રા શરૂ થઈ હતી અને પાલડી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે પુષ્પાંજલિ આપી હતી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ શોક સંદેશ મોકલ્યો હતો.

જ્યારે અમેરિકાથી આવી રહેલા તેમના દીકરા ભરતસિંહ એરપોર્ટથી સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિ અને રાષ્ટ્રીય સન્માન સાથે તેમના પાલડી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માધવસિંહ સોલંકીના અવસાનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો.

માધવસિંહના અવસાનના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ, અગ્રણીઓએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કેન્દ્ર સરકારમાં પણ તેઓ આયોજન મંત્રી તથા વિદેશમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે. ખામ થીયરીથી ચર્ચાસ્પદ બનેલા માધવસિંહ સોલંકીએ શરૂ કરેલી કન્યા કેળવણી અને મધ્યાહન ભોજન જેવી યોજના આજે પણ ચાલું છે.

Leave a Reply

You cannot copy content of this page