કુદરતની કમાલ જ હતી કે બા 108 વર્ષની ઉંમરે પણ નરી આંખે ચોખ્ખું જોઈ શકતા અને મોઢામાં 32 દાંત પણ હતા

વર્તમાન સમયમાં જિંદગીનું પ્રત્યેક વર્ષ પસાર કરતાં કરતાં માણસ હાંફી જાય છે. તેવો સંજોગોમાં કેટલીક વ્યક્તિઓ સેન્ચ્યુરી મારીને પણ આનંદી રહેતા હોય છે. આવી જ એક વ્યક્તિ હતા ગોંડલના પાટખિલોરી ગામના રળિયાત બા. જેઓ ચોથી પેઢીએ 101 સભ્યોનો પરિવાર જોઈ 108 વર્ષે પરમાત્માની ગોદમાં સમાઇ ગયા. નવાઈની વાત એ છે કે તેઓ આખી જિંદગીમાં હોસ્પિટલનું પગથિયું પણ ચડ્યા નહોતા.

બા ચાર ચાર પેઢીની લીલીવાડી છોડીને સ્વર્ગવાસ થયા હોઈ સૌ કોઈ દુઃખી તો હતા, પણ સાથે મનમાં એક વાતનો સંતોષ હતો કે તેઓ પોતાની જિંદગી સારી રીતે જીવ્યા.

ખૂબજ સાત્વિક ખોરાક, સાદું જીવન, ઉચ્ચ વિચારો, મહેનતકશ જિંદગી અને નિખાલસ સ્વભાવ. આ તમામ ગુણોનો ભંડાર એટલે ગોંડલના પાટખિલોરી ગામના રળિયાત બા. રળિયાત બા. તેમના કુટુંબની વાત કરીએ તેમના પતિ રામજીભાઈ પોશીયાનું શ્વાસની બીમારીને કારણે 1974માં નિધન થયું હતું. હવે પતિનો સાથ નિભાવવા માટે તેઓ પણ 108 વર્ષની વયે અનંત યાત્રાએ નીકળી ગયા છે.

જો વાત કરીએ તેમના પરિવારની તેમને સંતાનમાં ચાર પુત્રો અને ત્રણ પુત્રી સહિતના સાત સંતાનો છે. તે પૈકીના મોટા પુત્ર ઉકાભાઈની ઉંમર હાલ 82 વર્ષ છે. જ્યારે બીજા પુત્ર બાબુભાઈ (ઉં.વ. 74), ત્રીજા પુત્ર વાઘજીભાઈ (ઉં.વ.71), ચોથા દીકરી અંબાબેન (ઉં.વ.68), પાંચમાં દીકરી ચંપાબેન (ઉં.વ. 65), છઠ્ઠા દીકરા ગીરધરભાઈ (ઉં.વ. 62) અને સાતમાં દીકરી શારદાબેન (ઉં.વ.60) હાલ પણ હર્યાભરા પરિવારમાં જીવન વિતાવી રહ્યા છે. સાત સંતાનો સાથે પરિવારની રળિયાત બાના ચોથી પેઢીએ 101 સભ્યોનું કુટુંબ છે. તેમાં પણ સૌથી નાના પરિવારના સભ્યમાં પ્રપૌત્રના પુત્રની ઉંમર અઢી વર્ષની છે.

મહત્વની વાત એ છે કે રળિયાત બાએ 108 વર્ષની ઉંમરમાં કોઈ પણ પ્રકારની દવા લીધી નહોતી. એમણે તો ક્યારેય દવાખાનું સુદ્ધા જોયું નથી. પોશીયા પરિવારમાં પૌત્રવધુના બ્રેઈન હેમરેજથી મૃત્યું સિવાય આ પરિવારમાં કોઈ કરુણ બનાવ બન્યો નથી.બા 108 વર્ષની ઉંમરે પણ નરી આંખે ચોખ્ખું જોઈ શકતા અને સોયદોરો પરોવી શકતા હતા. કાન પણ એટલા તંદુરસ્ત હતા કે સ્પષ્ટ સાંભળી શકતા હતા. મોઢામાં તમામ 32 દાંત સલામત હતાં એ પણ એક કુદરતની કમાલ જ હતી. જો કે બે દિવસ અન્નત્યાગ કર્યા બાદ તેમણે દેહ પણ ત્યાગી દીધો.

Leave a Reply

You cannot copy content of this page