અંગદાન એ મહાદાનઃ અમદાવાદના શૈલેષ પટેલ ત્રણ લોકોને નવજીવન આપી તેમના માટે ભગવાનરુપ સાબિત થયા

અંગદાન એ મહાદાન, આ ઉક્તિને સાર્થક કરી છે અમદાવાદના એક પરિવારે. એક મહિલાએ પોતાના બ્રેઇન ડેડ પતિના ત્રણ અંગોના દાન મારફત ત્રણ લોકોને નવજીવન આપીને તેમના માટે ભગવાન સાબિત થયા છે. મહત્વની વાત એ છે કે, મૃતકના પત્ની નિરક્ષર છે. છતાં તેઓ અંગદાનનું મહત્વ સમજ્યા અને તેમણે જરૂરિયાતમંદ દર્દીઓમાં અંગોનું પ્રત્યારોપણ કરાવીને તેમને ખુશહાલ જીવન પ્રદાન કર્યું છે.

વાત એમ બની કે, અમદાવાદના બાપુનગરમાં રહેતા 48 વર્ષીય શૈલેષભાઈ પટેલનો 2 જાન્યુઆરીના રોજ નરોડા પાસે અકસ્માત થયો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમના તબીબોએ તેમને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ સારવાર કારગત નહીં નીવડતા તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. જો કે શૈલેષભાઈના પરિવારજનોએ તેમના અંગોનાં પ્રત્યારોપણ માટે સંમતિ આપતા હવે ત્રણ લોકોને નવજીવન મળ્યું છે.

મહત્વની વાત એ છે કે, શૈલેશભાઈનાં પત્ની રેખાબેન નિરક્ષર છે અને તેમનું 10 વર્ષીય બાળક સ્પેશિયલ ચાઇલ્ડ છે. જ્યારે એક દીકરી સાક્ષી ધોરણ-10માં અભ્યાસ કરે છે. આવા કઠોર સમય અને દુઃખદાયી પરિસ્થિતિમાં પણ રેખાબહેને મક્કમતાથી કામ લીધું. રાજ્ય સરકાર મારફત સંચાલિત SOTTO હેઠળ પતિનાં અંગોનું અંગદાન કરવા માટે સિવિલ હોસ્પિટલ પ્રશાસને વિગતવાર સમજણ આપવામાં આવી હતી. આખરે રેખાબહેને સંમતિપત્ર પર અંગૂઠો લગાવી 3 લોકોના જીવનમાં ખુશીઓ લાવી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પતિનાં અંગોનું દાન કરવાનો નિર્ણય માનવતાની મિસાલ સર્જનારો બની રહેશે.

મૂળ ધોળકા તાલુકાના બદરખા ગામના મૃતક શૈલેષભાઈ પટેલના પરિવારજનોએ લીધેલા અંગદાનના નિર્ણયને આખા ગામે બિરદાવ્યું છે. શૈલેષભાઈના અંગો થકી બે કિડની અને એક લીવર એમ કુલ ત્રણ દર્દીઓને નવી જિંદગી મળી છે. શૈલેષભાઈનું લીવર સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના 52 વર્ષીય જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવ્યું. જ્યારે કિડની પોરબંદર જિલ્લાના 10 વર્ષના બાળકને મળી છે. જ્યારે અમદાવાદ શહેરના 22 વર્ષીય જરૂરિયાતમંદ દર્દીમાં કિડનીનું સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. સાથે જ શૈલેષભાઈની બે આંખો મંજૂશ્રી કમ્પાઉન્ડ સ્થિત આંખની હોસ્પિટલમાં રાખવામાં આવી છે. જે આગામી સમયમાં આંખોની જરૂરીયાત હોય તેવા જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરાશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં SOTTO અંતર્ગત બે વ્યક્તિનાં અંગદાનમાં સફળતા મળી છે. જેના મારફત ચાર લોકોમાં અંગોનું પ્રત્યારોપણ થયું છે. કોઇપણ વ્યક્તિનાં અંગોનું દાન મેળવતાં પૂર્વે વિવિધ ટેસ્ટની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા અનુસરવાની હોય છે. આ પ્રક્રિયા બાદ જ અંગોનું દાન થઈ શકે છે. આ કારણોસર છેલ્લા દિવસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે જે સફળતા મેળવી છે એ તબીબી વિજ્ઞાનની નજરે નોંધપાત્ર કહી શકાય.

Leave a Reply

You cannot copy content of this page