અમદાવાદ: દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાયેલ દંપતી અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થઈ ઝપાઝપી, વિડીયો થયો વાયરલ

અમદાવાદઃ શહેરમાં માસ્કને લઈ હવે પોલીસ અને પ્રજા વચ્ચે મારામારીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.રૂ.1000નો તોતિંગ દંડ માંગતા જ લોકો પોલીસ પર ઉશ્કેરાઈ જાય છે અને ગેરવ્યાજબી વર્તન કરે છે જેની સામે પોલીસ પણ ઉશ્કેરાઈ જાય છે. અમદાવાદમાં માસ્ક મામલે પોલીસ બાદ હવે લોકો પોલીસને મારતા થયા હોવાની ઘટના સામે આવી છે.

પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસકર્મીએ કારમાં જતાં દંપતીને રોક્યા હતા. જેમાં કારમાં બેઠેલી મહિલા એવી દીપા શેઠવાલાએ માસ્ક ન પહેરેલું હોવાથી દંડ ભરવાની વાત કરતા દંપતી ઉશ્કેરાઈ ગયું હતું અને પોલીસ સાથે બોલાચાલી કરી ટ્રાફિક પોલીસકર્મીને માર માર્યો હતો. જેમાં તેના ચશ્મા અને નેમ પ્લેટ પણ તૂટી ગઈ હતી. આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી ધવલ શેઠવાલા અને દીપા શેઠવાલાની ધરપકડ કરી હતી.

N ડિવિઝન ટ્રાફિક પોલીસમાં અતુલભાઈ LRD તરીકે ફરજ બજાવે છે. સ્ટાફ સાથે તેઓ પ્રહલાદનગર ચાર રસ્તા પાસે ઓનલાઇન મેમોની કામગીરી કરતા હતા દરમિયાનમાં એક કાર આવતા ટ્રાફિક પોલીસે કારને રોકી હતી. કારમાં બેઠેલી મહિલાએ માસ્ક ન પહેર્યું હોવાથી દંડ ભરવા કહ્યું હતું. કારચાલક યુવક નીચે ઉતરી માસ્ક કાઢી અને બૂમાબૂમ કરી હતી. તમે હજાર રૂપિયા લેવા જ ઉભા છો કહી પોલીસ સાથે બોલાચાલી કરી હતી. પતિ પત્નીએ અતુલભાઈને લાફા મારી દીધા હતા અને મારી પહોંચ બહુ ઉંચી છે કહી મારામારી કરવા ગાળા ગાળી કરી હતી.

ઝપાઝપી દરમ્યાન તેમની નેમપ્લેટ અને ચશ્મા પણ તૂટી ગયા હતા. પોલીસને જાણ કરતા આનંદનગર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને પતિ-પત્નીને પકડી આનંદનગર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. જ્યાં પૂછપરછ કરતા તેમનું નામ ધવલ શેઠવાલા અને દીપા શેઠવાલા (બંને રહે. ઇન્દ્રપ્રસ્થ કદમ, પ્રહલાદનગર) હોવાનું જણાવ્યું હતું. બંને સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

શુક્રવારેએક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં એક યુવકને પોલીસ માસ્કના દંડને લઈ ગાડીમાં બેસાડે છે અને તેની સાથે રહેલી યુવતી એ બાબતે રકઝક કરે છે, ત્યારે પોલીસકર્મી યુવતીને બે લાફા મારી દે છે. એક મહિલા પર પોલીસકર્મી હાથ ઉપાડી શકતો નથી છતાં પણ તે યુવતીને લાફા મારે છે. વિડિયોમાં જે ગાડી દેખાય છે એના પર અમદાવાદ સિટી પોલીસ લખેલું હતું અને P 1238 લાલ કલરથી લખેલું હતું. દિવ્યભાસ્કરના અહેવાલ બાદ પોલીસ દોડતી થઈ હતી. આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ આ વિડિયો નવરંગપુરાનો હોવાનું સામે આવ્યું હતું. તેમજ યુવતી પર હાથ ઉપાડનાર પોલીસકર્મી વિક્રમસિંહ ઈશ્વરસિંહને ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

You cannot copy content of this page