કરૂણાંતિકા: દીકરાની અર્થીને કાંધ દેવાનો દુનિયાનો સૌથી મોટો ભાર પિતાએ બે-બે વાર ઉપાડ્યો

મહારાષ્ટ્રના ધૂલિયા જિલ્લાના શિંદખેડા તાલુકાના બામને ગામે રહેતા ચંદ્રકાંતભાઇ પાટીલ, પત્ની મંગલબેન અને બે પુત્ર મયુર અને કિરણ સાથે 1998માં રોજગાર માટે નવસારી આવ્યા હતા અને અહીં જ સ્થાયી થઇ ગયા હતા. બંને પુત્રોને શ્રેષ્ઠ અભ્યાસ કરાવવા ચંદ્રકાંતભાઇએ દિવસ રાત મહેનત કરી હતી, પરંતુ વિધિની વક્રતા જુઓ કે બે વર્ષ પૂર્વે નાના પુત્ર કિરણ(ઉ.વ.18)નું દાંડીના દરિયામાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું. હવે મરાઠી દંપતી માટે એક પુત્રને ગુમાવ્યાનું કાયમી દુ:ખ અને બીજા પુત્રની ઉજ્જવળ કારર્કિદી આપવાની જવાબદારી હતી. મોટો પુત્ર પણ પિતાની જવાબદારી હળવી કરવા અભ્યાસ પૂર્ણ કરવા સાથે પિતાની સાથે જ સચીન જીઆઇડીસીમાં નોકરીએ લાગી ગયો હતો.

વિજલપોરની સહયોગ સોસાયટીમાં રહેતા આ પરિવાર માટે દુ:ખનું ઓસડ દાહડા બનશે તેવી કલ્પના પણ નઠારી નીવડી હતી. ગઇકાલે એરૂ ચાર રસ્તા પાસે ગાય આડી ઉતરતા બાઇક સવાર બે મિત્ર ફંગોળાતા એકનું મૃત્યુ થયું હતું. આ મૃતક ચંદ્રકાંતભાઇનો મોટો પુત્ર મયુર (ઉ.વ.22) હોય દંપતી પર બે વર્ષમાં બીજો પુત્ર ગુમાવ્યાનો વજ્રઘાત થયો હતો. ઉક્ત કરૂણાંતિકાથી માત્ર વિજલપોરની સહયોગ સોસાયટી જ નહીં સમગ્ર શહેરમાં આઘાતની લાગણી ફેલાઇ ગઇ હતી.

પિતાના ખભે દુનિયાનો સૌથી મોટો ભાર બબ્બે દીકરાની અર્થીને કાંધ આપવાનો આવ્યો હતો. પતિ-પત્નીમાં કોણ કોને સાંત્વના આપે તેવા કરૂણ દ્રશ્યોથી આખી સોસાયટી હિબકે ચઢી હતી. નવસારીમાં મયુરના ગઇકાલે અંતિમ સંસ્કાર કર્યા બાદ હૈયાફાટ રૂદન સાથે દંપતી પોતાના વતન મહારાષ્ટ્રના બામને ગામે પરત ફર્યુ હતું. જ્યાં મોટા પુત્રની મરણ પછીની તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ નવસારી પરત ફરશે.

મોટો પુત્ર અને પિતા સચીન જીઆઇડીસીમાં નોકરી કરતા, નાનો પુત્ર છાત્ર સાથે અખબાર વિતરક હતો
વિજલપોરની સહયોગ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઇ પાટીલે પોતાના ઘડપણની બંને લાકડી ગુમાવી દીધી છે. મોટો પુત્ર મયૂર ચંદ્રકાતભાઇ સાથે સચીન જીઆઇડીસીમાં નોકરી કરતો હતો અને નાનો પુત્ર અભ્યાસ સાથે જ અખબાર વિતરણ કરતો હતો, પરંતુ માત્ર બે વર્ષમાં ક્રૂર કુદરતે માતાપિતા પાસેથી બંને દીકરા છીનવી લીધા છે.

Leave a Reply

You cannot copy content of this page