પોતાના જીવની પરવા કર્યા વગર મજૂરો માટે ભગવાન બનીને આવ્યા જવાનો, તે ક્ષણની રૂંવાડા ઊભા કરી દેતી તસવીરો

ચમોલીઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રેણીમાં આવેલી કુદરતી આફત દરમિયાન તપોવન સુરંગમાં કામ કરતાં કેટલાંક મજૂરો ફસાયા હોવાની માહિતી મળી હતી. આઈટીબીપીના જવાનો દેવદૂત બનીને આવ્યા હતા. ઊંડી ખાઈમાં રસીની મદદથી ટીમ ઉતરી હતી અને મજૂરોને બચાવી લીધા હતા. જવાને 16 જેટલા મજૂરોને બચાવ્યા છે.

ઋષિગંગા નદીમાં પૂર આવતા જ સુરંગમાં પણ પાણી અને કીચડ ભરાઈ ગયો હતો. આ દરમિયાન ત્યાં કામ કરતાં 16થી 17 મજૂરો ફસાઈ ગયા હતા. આફતની માહિતી મળતા જ આઈટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગી ગઈ હતી.

આફત દરમિયાન તપોવન વિષ્ણુગાડ જલ વિદ્યુત યોજનાને ઘણું જ નુકસાન થયું છે. તપોવન વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજના હેઠળ સુરંગ નિર્માણ કાર્યનું કામ ચાલતું હતું.

આઈટીબીપીની ટીમે મહામહેનતે સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચમોલી જિલ્લામાં રેણીમાં સાત ફેબ્રુઆરી, રવિવારના રોજ ગ્લેશિયર તૂટ્યું હતું. ત્યારબાદ ડેમને નુકસાન થયું હતું. જેને કારણે ધોળીગંગા નદીમાં પૂર આવી ગયું હતું. આ લખાય છે ત્યાં સુધી 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

આઈટીબીપીના અધિકારીઓના મતે, 200થી વધુ જવાનો સ્થાનિક તંત્ર સાથે મળીને રાહત કામ કરે છે. સ્થિતિની માપણી કરવા માટે એક ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. જોષીમઢ આગળ પણ એક ટીમ મોકલવામાં આવી છે.

અહીંયા બે ટનલ છે. એક ટનલમાંથી 16 લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. બીજી ટનલમાં કેટલા લોકો છે, તે અંગે કોઈ માહિતી મળી શકી નથી.

ઉત્તરાખંડના સીએમ રાવના મતે, આ ઘટનામાં કુલ 125 લોકો ગુમ થયા છે. ઋષિગંગા પ્રોજેક્ટમાં ચાર પોલીસ કર્મી સહિત 39 લોકો લાપતા છે. અહીંથી પાંચ કિમી દૂર એનટીપીસી પ્રોજેક્ટનું કામ ચાલતું હતું. અહીંયા 176 મજૂરો ડ્યૂટી પર હતા.

Leave a Reply

You cannot copy content of this page