કાળજા કેરો કટકો: હંમેશાં બધાને હસાવતા માયાભાઈ દીકરીના લગ્નમાં થયા હતાં ઈમોશનલ

અમદાવાદ: વ્હાલી દીકરીની વિદાયમાં ભલભલા બાપ ભાંગી પડતાં હોય છે. પછી તે કોઈ સામાન્ય માણસ હોય કે કોઈ સેલિબ્રિટી હોય. કાળજાના કટકાને લગ્ન બાદ વળાવતી વખતે એક પિતા દીકરી સાથે વિતાવેલી પળોને યાદ કરીને ભાવુક થઈ જતો હોય છે. ડાયરામાં બધાને પેટ પકડીને હસાવતા માયાભાઈ આહીર દીકરીના લગ્ન પ્રસંગમાં ચોધાર આંસુએ રડ્યા હતા. તળાજા તાલુકાના બોરડો ગામે પોતાના ઘરે દીકરી સોનલના લગ્નપ્રસંગમાં માયાભાઈ ભાવુક થઈ ગયા હતા. આ પ્રસંગે કીર્તિદાને ગાયેલા ‘મારી લાડકી’ ગીત પર માયાભાઈની આંખો છલકાઈ આવી હતી.

બોરડો ગામે હાલમાં જ માયાભાઈ આહીરની દીકરી સોનલના જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ સાથે લગ્ન યોજાયા હતા. ત્રણ દિવસ સુધી માયાભાઈ આહીરના ઘરે લગ્નની ઉજવણી ચાલી હતી, જેમાં પહેલા દિવસે ગરબા-રાસ, બીજા દિવસે ડાયરો અને ત્રીજા દિવસે રાત્રે લગ્ન યોજાયા હતા.

ડાયરામાં ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, લક્ષ્મણ બારોટ, સાંઈરામ દવે સહિત 80 કલાકારોએ ઉપસ્થિત રહીને લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વારાફરતી કલાકારો સ્ટેજ પર આવીને પોતાના સૂર રેલાવતા હતા. સ્ટેજ પર ‘ડાયરાકિંગ’ કીર્તિદાન પણ લોકગીત અને લગ્નગીતોની રમઝટ બોલાવી હતી. કીર્તિદાને જેવું ‘મારી લાડકી’ ગીત ગાયું કે માયાભાઈ એકદમ ભાવુક થઈ ગયા હતા.

કીર્તિદાનના કંઠે ‘મારી લાડકી’ ગીત જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ માયાભાઈની આંખોમાંથી દળદળ આંસુઓ વહેવા લાગ્યા. ગીતની એકદમ ઈમોશનલ કડી ‘આંબલીને પીપડી જોશે તારી વાટ’ આવતા સુધીમાં માયાભાઈની બંને આંખોમાં આંસુઓનો દરિયો વહ્યો હતો. માયાભાઈને બાજુમાં બેઠેલા લોકોએ તેમને સંભાળ્યા હતા.

લગ્નમાં પરસોત્તમ રૂપાલા, જામનગરના સાંસદ પૂનમ માડમ અને મોરારી બાપુ નવદંપતીને આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે રાસ-ગરબામાં સિંગર અલ્પા પટેલ અને ગમન સાંથલે પોતાના સૂરથી મહેમાનોને ડોલાવ્યા હતા. દીકરીના રાસ-ગરબામાં પિતા માયાભાઈએ પણ દાંડિયા લીધા હતા.

માયાભાઈના જમાઈ મોનીલ ડેર ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’માં સહ-દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

માયાભાઈની દીકરી સોનલે બીએસસીનો અભ્યાસ કર્યો છે. માયાભાઈને પરિવારમાં પત્ની અજાયબાઇ તથા બે દીકરા અને એક દીકરી છે. મોટા પુત્રે ગયા વર્ષે લગ્ન કર્યા હતા, જે મહુવામાં રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે. જ્યારે નાનો પુત્ર હજી ભણે છે.

કાઠિયાવાડી લહેકા સાથે આગવી છટાથી શ્રોતાઓને પેટ ભરીને હસાવતા માયાભાઈ આજે લોકસાહિત્યમાં મોટું નામ છે. ડાયારામાં માયાભાઈ હોય એટલે સમજવું કે પોગ્રામ હીટ જ હોય. માયભાઈની આ સફળતા પાછળ તેમનો સંઘર્ષ, કોઠાસૂઝ અને ધગશ છૂપાયેલી છે.

દીકરી સોનલ સાથે માયાભાઈ આહીર.

દીકરી સોનલને દોરી જતા માતા-પિતા.

ડાયરામાં દીકરી સાથે માયાભાઈ આહીર

Leave a Reply

You cannot copy content of this page