રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પરિવારનો અકસ્માત થતા પત્ની-પુત્રી અને સાળાનું મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

ગઢડા તાલુકાના માંડવા અને ઢસા ગામ વચ્ચે કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી અને સાળાનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડ્યા હતા. રાજકોટના ડે.કલેક્ટર ચરણસિંહ ગોહિલનો પરિવારને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળતા ગઢડા મામલતદાર, ડે.કલેક્ટર અને રાજપુત સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પત્ની ચેતનબેન, પુત્રી ગરીમા અને સાળા ધનંજ્યસિંહ ચુડાસમા કાર લઇને ભાવનગર તરફ જઇ રહ્યાં હતા. એ સમયે ગઢડા તાલુકાના માંડવા અને ઢસા ગામ વચ્ચે આવેલા બ્રિજ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો.

અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવ બાદ અનેક અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકના પરિજનો અને રાજપુત સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા
બનાવની જાણ થતાં જ મૃતકોના પરિજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. તેમજ મોટી સંખ્યામાં રાજપુત સમાજના આગેવાનો ગઢડા હોસ્પિટલ પહોંચ્યા હતા.

Leave a Reply

You cannot copy content of this page