લગ્ન બાદ નવદંપતીને સ્મશાનમાં ઉતારો અપાયો, ડીજેના તાલે ભૂતડા સાથે નીકળ્યું ફુલેકું

અંધશ્રદ્ધાનું ઝાડ ઘેઘૂર વડલા જેવું છે. એની વડવાઇઓ પણ એના થડ જેવી મજબૂત થઇ ગઈ છે. આ ઝાડનો નાશ કરવો હોય તો વડવાઇઓનો નાશ કરવો પડે અને હાલ આ કઠિન કાર્ય વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવે છે, તાજેતરમાં વિજ્ઞાન જાથાના સઘન પ્રયાસોથી ​રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામના સ્મશાનમાં લગ્ન બાદ નવદંપતીને ઉતારો આપવામાં આવ્યો હતો. બાદમાં DJના તાલે ભૂતડા સાથે ફુલેકું નીકળ્યું હતું, આથી ઉપસ્થિત લોકોમાં વૈજ્ઞાનિક માનસિકતાનાં દર્શન જોવા મળ્યાં હતા.

ભૂતડા સાથે રાઠોડ પરિવારે ફુલેકું યોજ્યું
રામોદના રાઠોડ પરિવારની જાન ગોંડલ તાલુકાના મોવિયા ગામે સુરેશ દાનાભાઇના ઘરેથી લગ્ન સમારંભ સંપન્ન કરી પરત આવતાંની સાથે નવદંપતીનો ઉતારો ગામના સ્મશાનમાં રાખવામાં આવ્યો હતો. અહીં DJના સંગાથે જાથાના લોકોએ ભૂતડાના કોસ્ચ્યૂમ ધારણ કરીને ફુલેકામાં સામેલ થઈ રોમાંચકતા ઉત્પન કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ કર્યું હતું.

આપણા સમાજમાં સુધારો આપણે જ કરવો પડશે અને શરૂઆત ઘરથી જ કરવી જોઈએ. આજે પણ લોકો ભૂત-પ્રેત, વહેમ, અંધશ્રદ્ધા વગેરે જેવા પાયાવિહોણા વિચારોથી ગ્રસિત છે, માટે અમે આજે ભૂતડાઓ સાથે ફુલેકું કાઢ્યું હતુંઅને સ્મશાનમાં નવદંપતીને ઉતારો આપ્યો હતો. અમે એ સિદ્ધ કરવા માગીએ છીએ કે આવા વહેમને સ્વીકારવા ન જોઈએ અને અંધશ્રદ્ધામાં શ્રદ્ધા રાખીને જીવનને ખોટા માર્ગે ન દોરવું અને નિરર્થક ક્રિયાકાંડો પણ કરાવવા કે કરવા ન જોઈએ.

કન્યાદાન નાબૂદ કરવા લોકોને અપીલ
વધુમાં, દીકરી કોઈ ચીજવસ્તુ કે દાન દેવાની વસ્તુ નથી માટે, તેનું કન્યાદાન તો ન જ થવું જોઈએ. ભવિષ્યમાં પરિવારોમાં સમસ્યાનું મુખ્ય કારણ મનદુઃખમાંથી થાય છે. એનાથી પણ સમસ્યા ઉત્પન્ન થાય છે, માટે કન્યાદાનને તિલાંજલિ આપવી જોઈએ. દેશના અમુક વિસ્તારોમાં 20 હજાર, 60 હજાર, 80 હજાર અને 1 લાખ કે તેની ઉપરની રકમ દીકરાપક્ષને દીકરીઓએ આપવી પડે છે, આમાં પણ ફેરફારની તાતી આવશ્યકતા છે.

ગ્રામજનોએ આ કાર્યક્રમને મન ભરીને માણ્યો
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રામોદ ગામનાં ગ્રામજનોએ આ અનોખી ઘટનાને કુતૂહલવશ નિહાળી હતી. સમુદ્રોની સુનામીઓ અને નદીઓના પૂર તો થોડા સમયમાં ઓસરી જાય છે, પરંતુ અંધશ્રદ્ધા ઘટવાને બદલે વધે અને દૃઢ થાય તેવાં લખાણો અને પ્રવચનો તો વધતાં જ જાય છે. એ બધાની વચ્ચે વિજ્ઞાન જાથા અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજે છે.

કોટડાસાંગાણી પોલીસ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજર રહી હતી
વધુમાં જણાવ્યું હતું કે, અંધશ્રદ્ધા અને કન્યાદાનના કુરિવાજને દૂર કરવા સમાજસુધારકોએ આગળ આવી બિનજરૂરી રિવાજો દૂર કરવા જોઈએ. આ શાખાના અંગત વિચારો છે; માનવું ન માનવું એ જ્ઞાતિ સમાજ પર આધારિત છે. જાથા સમાજને પરિવાર સાથે જોડવાનું કામ કરે છે, પ્રગતિ સાથે જોડવાનું કામ કરે છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોટડાસાંગાણીની પોલીસ હાજર રહી હતી અને એ સમયગાળા દરમિયાન કોઇ અઘટિત બનાવ ન બને એની પૂરતી તકેદારી રાખી હતી.

Leave a Reply

You cannot copy content of this page