ગુજ્જુ પાવર IN IPL 2021:આ 11 ગુજરાતીઓ ટૂર્નામેન્ટમાં સાબિત થશે ‘ગેમ ચેન્જર’, રિપલ, ચેતન, લૂકમેન અને શેલ્ડનની ડેબ્યુ સીઝન

આવતીકાલે ક્રિકેટના સૌથી મોટો ફેસ્ટિવલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો પ્રારંભ થઇ જશે. IPLમાં ગુજરાતની ટીમ તો નથી રમી રહી, પરંતુ 11 ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે જેમના પર દરેક ગુજરાતીની ચોક્કસ નજર રહેશે અને તેમના પ્રદર્શનની નોંધ લેશે. આ 11માંથી 7 ગુજરાતીઓ ઇન્ડિયન ટીમ સાથે વિવિધ ફોર્મેટમાં જોડાયેલા છે, જ્યારે અમુક નવા ચહેરા આ સીઝનમાં પોતાની છાપ બનાવવા મેદાને ઊતરશે. સીઝન ચાલુ થાય તે પહેલાં કરીએ દરેક ખેલાડી પર એક નજર.

IPLમાં અન્ય ટીમોનું એનાલિસિસ કરવામાં આવે તો પહેલો પ્રશ્ન એ જ કરવામાં આવતો હોય છે? શું એમની પાસે ડેથ ઓવર્સ માટે જસપ્રીત બુમરાહ જેવો બોલર છે? નથી? કેવી રીતે હોઈ શકે? બુમ બુમ બુમરાહ એક જ તો છે! બુમરાહ પાસેથી મુંબઈના કપ્તાન રોહિત શર્માને અપેક્ષા નહીં હોય, રોહિતને ખાતરી હશે કે, બુમરાહ છે… બધું બરાબર જ થઇ જશે. તેણે ગઈ સીઝનની 15 મેચમાં 27 વિકેટ લીધી હતી. તેમજ ઇનિંગ્સની અંતિમ ઓવર્સ નાખતો હોવા છતાં માત્ર 6.73ની ઈકોનોમીથી રન આપ્યા હતા. તેમજ ગયા વર્ષે તેણે દર 13 બોલે વિકેટ લીધી હતી. બુમરાહે લસિથ મલિંગાની કમી પડવા દીધી ન હતી. તેનું પ્રદર્શન શ્રેષ્ઠની નવી પરિભાષા ન આપે તો જ નવાઈ, બાકી બુમ બુમ…બુમરાહ- નામ હી કાફી હૈ.

મૂળ પીપલગ, ખેડાના રહેવાસી 25 વર્ષના રિપલ પટેલને દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઈસ 20 લાખમાં ખરીદ્યો છે. રિપલ સૈયદ મુશ્તાક અલીમાં છત્તીસગઢ સામે 1 ઓવરમાં 30 રન મારીને લાઈમલાઈટમાં આવ્યો. તેણે ઓવરઓલ ટૂર્નામેન્ટમાં 181.25ની સ્ટ્રાઇક રેટથી 145 રન કર્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સે ટ્રાયલ્સ માટે બોલાવ્યો હતો ત્યારે ત્યાં રમેલી 2માંથી 1 મેચમાં ફિફટી પણ ફટકારી હતી. તે ગુજરાતનો પાવરહાઉસ છે અને પોતાની ફિનિશિંગ સ્કિલ્સ માટે જાણીતો છે. દિલ્હી તેને છઠ્ઠા ક્રમે ઇનિંગ્સ સમાપ્ત કરવાની જવાબદારી આપી શકે છે.

હાર્દિકને બીજા યુવા ક્રિકેટર્સથી અલગ કરતી કોઈ વાત હોય તો તે તેનું સેલ્ફ બિલીફ છે. પંડ્યા ક્યારેય પ્રેશરને પોતાના ઉપર હાવી થવા દેતો નથી. પોતાની ડેબ્યુ IPL મેચમાં બીજા જ બોલે છગ્ગો ફટકારીને હાર્દિકે તે સાબિત કર્યું હતું. ભારતીય ટીમના આધારસ્તંભ ઓલરાઉન્ડર હાર્દિકને વારંવાર પીઠની ઇજા હેરાન કરતી આવી છે. જોકે, અત્યારે એકદમ ફિટ છે અને મુંબઈ ઇન્ડિયન્સ માટે x-factor સાબિત થવા ઉત્સુક છે. આ વખતે તે મુંબઈ માટે મોટી ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. IPLમાં તેના ફોર્મ સાથે તેની ફિટનેસ ઉપર પણ ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે. તે હવે પૂરી 4 ઓવર્સ પણ નાખશે અને બેટિંગમાં તો જુનિયર પંડ્યા કમાલ-ધમાલ કરે જ છે. ગઈ સીઝનમાં હાર્દિકે 14 મેચમાં 178.98ની સ્ટ્રાઇક રેટથી 281 રન બનાવ્યા હતા. પીઠની તકલીફના લીધે બોલિંગ કરી નહોતી.

​​​​​​​સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી. ચેતન સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મેન ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો. તેણે લીગની 5 મેચમાં 12 વિકેટ લીધી હતી. એક ગેમમાં 7 રન ડિફેન્ડ કરતાં તેણે હેટ્રિક લઈને પોતાની ટીમને મેચ જિતાડી હતી. ચેતન સાકરિયા IPL 2020માં RCB સાથે નેટ બોલર તરીકે રહ્યો હતો. તે પોતાના કેપ્ટન જયદેવ ઉનડકટ સાથે ન્યૂ બોલ શેર કરતાં પણ જોવા મળી શકે છે.

જાડેજાએ IPLમાં પોતાના પ્રદર્શનથી ભારતીય ટીમમાં જગ્યા બનાવવાથી લઈને વર્લ્ડનો નંબર 1 બોલર બનવા સુધીનો રસ્તો કાપ્યો છે. જોકે, ગઈ સીઝનમાં જાડેજાનું પ્રદર્શન માભા પ્રમાણે રહ્યું નહોતું. તેણે 14 મેચમાં માત્ર 232 રન કર્યા હતા અને 6 વિકેટ લીધી હતી. જયારે 2019માં પણ તેણે માત્ર 106 રન કર્યા હતા અને 15 વિકેટ લીધી હતી. આમ બાપુએ બેક-ટૂ-બેક બે સીઝનમાં ફેન્સને નિરાશ કર્યા છે. આ વખતે તે ઇજામાંથી કમબેક કરી રહ્યો છે. તેવામાં જોવાનું રહેશે કે તે કેટલા સમયમાં રિધમ મેળવે છે. ચેન્નઈ તેને સફળ તરીકે જોવા માગે છે.

કૃણાલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વનડે ડેબ્યુ કર્યું હતું. તેણે ડેબ્યુમાં શાનદાર ફિફટી મારી હતી. જોકે, કૃણાલને તક એટલે મળી હતી કે રવિન્દ્ર જાડેજા અનફિટ હતો અને કૃણાલ વિજય હઝારે ટ્રોફીમાં બેટ વડે શાનદાર દેખાવ કર્યો હતો. પરંતુ ટી-20માં કૃણાલને અત્યારે સેકન્ડ ઓપ્શન તરીકે પણ જોવામાં આવતો નથી. આ વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડ કપ રમાવવાનો હોય ત્યારે તે આ સીઝનમાં જોરદાર દેખાવ કરીને સિલેક્ટર્સ અને ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે. તેણે ગઈ સીઝનમાં 16 મેચમાં માત્ર 109 રન કર્યા અને બોલ સાથે પણ તેનો દેખાવ નબળો રહ્યો હતો. તે માત્ર 6 વિકેટ જ લઈ શક્યો હતો. આ વખતે લીગમાં કૃણાલ પોતાનું પ્રદર્શન સુધારવા તલપાપડ હશે.

અક્ષરે 2013માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યુ કર્યું હતું. તે પછી 2014માં કિંગ્સ ઇલેવન પંજાબે તેને ખરીદ્યો હતો. તે સીઝનમાં સારા દેખાવના લીધે જૂન 2014માં જ તેણે ભારત માટે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. અક્ષર તે પછી ઇજાના લીધે ટીમની અંદર-બહાર થતો રહ્યો છે. 2018માં તેનો દેખાવ સાધારણ રહ્યો હતો. તેણે 9 મેચમાં 13.33ની એવરેજથી 80 રન કર્યા હતા. બોલ સાથે પણ તે 3 વિકેટ જ ઝડપી શક્યો હતો. જયારે 2019માં તેણે 110 રન કર્યા હતા અને 10 વિકેટ લીધી હતી. ગયા વર્ષે તેણે માત્ર 6.41ની ઈકોનોમીથી રન આપતાં 9 વિકેટ ઝડપી હતી. તે એકબાજુ બેટ્સમેનને બાંધી રાખવામાં માહેર છે. પટેલ, આર. અશ્વિન અને અમિત મિશ્રાની કંપનીમાં ધમાલ મચાવી શકે છે અને દિલ્હી માટે ડાર્ક હોર્સ સાબિત થઇ શકે છે.

2017ની IPL જયદેવ ઉનડકટ માટે સર્વશ્રેષ્ઠ રહી હતી. તેણે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ માટે રમતા 12 મેચમાં 24 વિકેટ લીધી હતી. તે સીઝન પછી રાજસ્થાન રોયલ્સે તેને 2018માં 11.5 કરોડમાં ખરીદ્યો હતો. જોકે પછીની બંને સીઝનમાં તેનો દેખાવ પ્રભાવશાળી રહ્યો નહોતો. તેણે 2018માં 15 મેચમાં 10 અને 2019માં 11 મેચમાં માત્ર 10 વિકેટ ઝડપી હતી. તેથી ડિસેમ્બર 2019માં રાજસ્થાને તેને રિટેન ન કરતા ઓક્શન માટે રિલીઝ કર્યો હતો. ત્યારબાદ ફરી તેને 3 કરોડમાં ખરીદ્યો હતો. કોરોનાને કારણે ક્રિકેટની રમત અટકી તે પહેલાં જયદેવ પર્પલ પેચમાં હતો. તેણે 2019-20ની સીઝનમાં રેકોર્ડ બ્રેકીંગ 65 વિકેટ લઈને સૌરાષ્ટ્રને એકલા હાથે રણજી ટ્રોફી જીતાડી હતી. જોકે, તે પછી જયદેવ પોતાની રિધમમાં દેખાયો નથી. ગઈ સીઝનમાં તે 7 મેચ રમ્યો અને માત્ર 4 વિકેટ લઈ શક્યો હતો. સૌરાષ્ટ્રનો કેપ્ટન આ સીઝનમાં બાઉન્સ બેક કરવા માગશે.

ભારતની ટેસ્ટ ટીમમાં મિસ્ટર ડિપેન્ડેબલ અને વોલ 2.0 ગણાતા ચેતેશ્વર પૂજારાને 7 વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની તક મળી છે. તે છેલ્લે 2014માં કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમ્યો હતો. તેનો ઓવરઓલ લીગમાં રેકોર્ડ ખરાબ રહ્યો છે. તેણે 30 મેચમાં 99.74ની સ્ટ્રાઇક રેટથી માત્ર 390 રન બનાવ્યા છે. આ વખતે ચેન્નઈ સુપરકિંગ્સે તેને ઓક્શનમાં 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. પૂજારાએ સીઝન પહેલાં તમામને જણાવી દીધું છે કે તેનામાં આ ફોર્મેટમાં સફળ થવાની ભૂખ છે. તે જરૂર પડે તો ઇનોવેટિવ પણ થશે પરંતુ સાથે જ માને છે કે ટેક્સ્ટ બુક ક્રિકેટથી ટી-20માં સફળ થવાય છે.

વડોદરાનો ડાબોડી પેસ બોલર લૂકમેન મેરીવાલાએ સૈયદ મુશ્તાક અલી ટી-20માં લોકોને ભારે ઈમ્પ્રેસ કર્યા હતા. મેરીવાલાએ 8 મેચમાં 6.52ની ઈકોનોમીથી 15 વિકેટ ઝડપી હતી. 29 વર્ષના મેરીવાલાએ 17 ફર્સ્ટ ક્લાસ મેચ, 31 એ લિસ્ટ મેચ અને 44 ટી-20 મેચ રમ્યા છે. મેરીવાલાએ 44 ટી-20 મેચમાં 6.72ની ઈકોનોમીથી 3 વખત પાંચ વિકેટ મેળવી છે. મેરીવાલાએ કુલ 72 વિકેટ ઝડપી છે. તેને દિલ્હી કેપિટલ્સે તેની બેસ પ્રાઇસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની વિવિધતા માટે જાણીતો છે.

શેલ્ડન જેક્સનને કોલકાતા નાઈટ રાઇડર્સે તેની બેસ પ્રાઇસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તે મૂળ ભાવનગરનો છે. તેણે ડોમેસ્ટિક T-20માં 59 મેચમાં 25.83ની એવરેજ અને 117ની સ્ટ્રાઈક રેટથી 1059 રન કર્યા છે. તેણે આ દરમિયાન 6 ફિફટી અને 1 સદી મારી છે. તેને નાઈટ રાઇડર્સે વિકેટકીપર દિનેશ કાર્તિકના બેકઅપ તરીકે ટીમમાં લીધો છે. 34 વર્ષીય જેક્સન લીગમાં દરેક તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માગશે.

Leave a Reply

You cannot copy content of this page