‘મારા પપ્પાને જોવા દો’:રાજકોટમાં કઠણ હૃદયના માનવીનું હૈયું હચમચાવી દેતાં દૃશ્યો, પિતાનું મોત થતાં દીકરીના હૈયાફાટ રુદન સાથે ધમપછાડા

કોરોનાના પહેલા અને બીજા તબક્કા કરતાં ત્રીજા તબક્કાએ દેશ અને દુનિયાને પોતાના ભરડામાં લીધાં છે. લોકોના મનમાં હાલ કોરોનાનો એક જ ભય સતાવી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. આવી પરિસ્થિતિ વચ્ચે શહેરની સિવિલ હોસ્પિટલમાં કઠણ હૃદયના માનવીનું પણ હૈયું હચમચાવી દે એવી કરુણ ઘટના બની છે. કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતાં જ દીકરી હૈયાફાટ રુદન સાથે પિતાને મળવા ધમપછાડા કરે છે, પરંતુ સિવિલનો સ્ટાફ તેને પકડી રાખે છે, ત્યારે દીકરી બોલે છે કે મને એકવાર મારા પિતાને જોવા દો.

દીકરીના રુદનથી સૌકોઇની આંખ ભીંજાઈ
રાજકોટ સિવિલ હોસ્પિટલનો આ વીડિયો કોઈએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં એક તરફ સ્ટ્રેચર પર પિતાના મૃતદેહ પડ્યો છે અને બીજી તરફ મહિલાઓ રોકકળ કરી રહી છે, પરંતુ આ ઘટનામાં સૌથી વધુ કરુણા એ જોવા મળી કે મૃતક પિતાની દીકરીએ હૈયાફાટ રુદન કર્યું અને સૌકોઇની આંખ ભીંજવી દીધી હતી. દીકરી પિતાના મળવા માટે વલખાં મારે છે, પરંતુ કોવિડની ગાઇડલાઇન્સ પ્રમાણે સ્ટાફ તેને પકડી રાખે છે છતાં દીકરી સ્ટ્રેચર સુધી પહોંચી જાય છે અને સ્ટાફ તેને ફરી દૂર લઈ જાય છે.

થોડીવાર મને મારા પપ્પાને જોવા દો-દીકરીનો વલોપાત
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક પરિવાર પોતાના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યો હતો. મૃતદેહ આવતાં જ મહિલાઓ કલ્પાંત કરવા લાગી હતી. મૃતકની દીકરી સ્ટ્રેચર સુધી જતી હતી, પણ સ્ટાફે સંક્રમણ ન ફેલાય એ માટે તેને દૂર લઈ ગયા તો રડતાં રડતાં કહેવા લાગી “હજુ થોડીવાર મને મારા પપ્પાને જોવા દો”. આ સ્થળથી 200 મીટર દૂર આવા અનેક પરિવાર રાહ જોઇ રહ્યા હતા.

રાજકોટમાં દર કલાકે એક દર્દીનું મોત
રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી છે કે દર એક કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. આજે પણ છેલ્લા 24 કલાકમાં 31 કોરોનાના દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ગઇકાલે 24નાં મોત નીપજ્યાં હતાં, પરંતુ સરકારી ચોપડે 5નાં જ મોત દર્શાવવામાં આવ્યાં હતાં. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનો કબજો મેળવ્યા પછી પણ સ્વજનોએ સ્મશાન સુધી જવા માટે 3થી 4 કલાકની રાહ જોવી પડી રહી છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોકોનાં ટપોટપ મોત
રાજકોટ સિવિલ હોસ્પિટલ કોઇ ને કોઇ રીતે વિવાદોના ઘેરામાં સપડાયા કરે છે. આજે ફરી એક વખત મૃતદેહને લઇ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં ટપોટપ થતાં મૃત્યુને લઇ સ્મશાનમા જગ્યા ન હોવાનું ખુદ સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે દર્દીના સંબંધીને જણાવ્યું હતું. મૃત્યુ થયાના 3થી 4 કલાક બાદ મૃતદેહ લેવા આવવા તંત્ર દ્વારા દર્દીના સંબંધીઓને કહેવામાં આવી રહ્યું છે. એમાં મૃતદેહ મેળવી અંતિમસંસ્કાર માટે પણ રાહ જોવી પડે છે એવા વાઇરલ થયેલા વીડિયો પરથી પણ સ્પષ્ટ થયું છે.

Leave a Reply

You cannot copy content of this page