હજારો રિક્ષા ચાલકો વચ્ચે આણંદનો એક રિક્ષાવાળાનું કામ જોઇ તમે પણ બોલી ઉઠશો ‘વાહ ભાઈ વાહ’

રાજ્યભરમાં કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ઘણી જગ્યાએ લોકો બેદરકાર બની કોરોના ગાઇડલાઇનનું પાલન નથી કરતાં ત્યારે બેજવાબદાર નાગરિકો અને બેદરકાર વ્યાવસાયિકોને રાહ ચીંધે તેવો બોરસદનો એક રિક્ષા ચાલક લોક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રિક્ષા ચાલકની કામગીરીથી તમારા મોઢામાંથી પણ વાહ નીકળી જશે.

બોરસદના વાસણા ગામે રહેતા બુધાભાઈ ભોઈ રિક્ષા ચલાવી રોજગાર મેળવે છે. ગત લોકડાઉનમાં તે શિક્ષિકાઓને શાળામાં મુકવા લેવા જવાની વર્ધી કરતા હતા. જે સમયે એક શિક્ષિકાએ તેમને કોરોના સંક્રમણની ગંભીરતા સમજાવી સાવચેતી અને તકેદારી રાખવા એક પીપીઈ કીટ ભેટ આપી હતી. રિક્ષા ચાલકને કોરોના વાયરસથી શિક્ષિકાએ વાકેફ કરતાં રિક્ષા ચાલકે વધુ બીજી બે પીપીઇ કીટ અને સેનેટાઇઝર ખરીદ્યા હતા. ત્યારથી રિક્ષા ચાલક બુધાભાઈ ભોઇ રોજ પીપીઈ કીટ પહેરીને જ રિક્ષા ચલાવે છે, તેમજ મુસાફરો ઉતરે એટલે રિક્ષાને સેનેટાઈઝ કરીને પોતાનું અને અન્ય પેસેન્જરનું ધ્યાન રાખે છે.

આ કપરાં સમયમાં રિક્ષા ચાલક બુધાભાઈ ભોઇ પોતાનું અને અન્ય પેસેન્જરનું આટલુ ધ્યાન રાખતાં હોવાથી અને ગાઇડલાઇનનું સખ્ત પાલન કરતાં હોવાથી લોકો પણ તેમની રિક્ષામાં બેસવાનો આગ્રહ રાખે છે. જેથી તેમના ધંધામાં પણ બરકત રહે છે.

આ ઉપરાંત રિક્ષા ચાલક બુધાભાઈ ભોઇ ગરીબ, માંદા વ્યક્તિ, કે દર્દી તેમજ વયસ્ક વ્યક્તિ રિક્ષામાં બેસે તો નિઃશુલ્ક સેવા આપે છે. દર્દીઓને હોસ્પિટલમાં મૂકી આવે છે અને જરૂર પડે પરત પણ લઈ આવે છે અને મુસાફરોને કોરોના ગાઈડલાઈન અનુસરવા સમજાવે છે. આ સાથો સાથ ઘરે પોતાના માતા-પિતાઅને બહેનને પણ કોરોનાથી બચવા માટે સાવચેતી રખાવે છે. કોરોના સંક્રમણમાં પણ જાહેરમાં ઠસોઠસ મુસાફરો ભરી શટલ ફેરવતા રિક્ષા ચાલકો વચ્ચે આણંદનો આ રિક્ષાવાળો અલગ જ ઉભરી આવ્યો છે.

Leave a Reply

You cannot copy content of this page