પુત્રવધૂ દીકરાથી પણ સવાઈઃ સસરાને પીઠ પર ઉઠાવી 2 કિમી ચાલી, મદદ માટે કોઈ આગળ ન આવ્યું

આસામના નગાંવમાં રહેતી 24 વર્ષની નિહારિકા દાસની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. તેમાં તે પોતાના કોરોના પોઝિટિવ સસરાને પીઠ પર ઉઠાવી લઈ જતી દેખાય છે. નિહારિકા સસરાને ઉઠાવી આશરે 2 કિ.મી ચાલી હતી. તે સમયે લોકોએ તેની તસવીરો લીધી હતી. જોકે કોઈ વ્યક્તિ તેની મદદ માટે આગળ આવી ન હતી. ફોટો વાઈરલ થયા બાદ હવે લોકો નિહારિકાને આદર્શ પુત્રવધૂ કહી રહ્યા છે.

Advertisement

હકીકતમાં 2 જૂનના રોજ નિહારિકાના સસરા થુલેશ્વર દાસમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. થુલેશ્વર રાહા ક્ષેત્રના ભાટિગાંવમાં સોપારીના વિક્રેતા છે. સ્વાસ્થ્ય ખરાબ થવાને પગલે 2 કિમી દૂર રહેલા સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવા માટે પુત્રવધૂ નિહારિકાએ રિક્ષાની રાહ જોઈ હતી.

સસરાને ઓટો રિક્ષા સ્ટેન્ડ સુધી પીઠ પર લઈ ગયા
નિહારિકાએ કહ્યું કે તેના ઘર સુધી ઓટો રિક્ષા આવી શકે તેવો માર્ગ નથી. સસરા ચાલીને જઈ શકે તેવી સ્થિતિમાં ન હતા. મારા પતિ કામ માટે સિલીગુડીમાં રહે છે. આ સંજોગોમાં સસરાને પીઠ પર લઈ જવા સિવાય મારી પાસે અન્ય કોઈ જ વિકલ્પ ન હતો. હું સસરાને ઓટો સ્ટેન્ડ સુધી લઈ ગઈ હતી. નિહારિકાને એક 6 વર્ષનો દિકરો પણ છે.

શહેરમાં લઈ જવા ખાનગી વાહન સુધી સસરાને પીઠ પર લઈ જવા પડ્યાં
પુત્રવધુના જણાવ્યા પ્રમાણે મુશ્કેલી અહીંથી ખતમ થઈ ન હતી. સ્વાસ્થ્ય કેન્દ્રમાં સસરાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરે સસરાની સ્થિતિ ગંભીર ગણાવી તેમને 21 કિ.મી દૂર નગાંવની કોવિડ હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું. સ્વાસ્થ્ય કેન્દ્રથી તેમણે એમ્બ્યુલસ અથવા સ્ટ્રેચર પણ આપવામાં આવ્યું ન હતું. ત્યારબાદ પુત્રવધૂએ એક પ્રાઈવેટ કારની વ્યવસ્થા કરી. આ માટે પણ તેણે સસરાને પીઠ પર ઉઠાવી ઘણા દૂર સુધી ચાલવું પડ્યું હતું. લોકો જોઈ રહ્યા હતા, પણ કોઈ મદદ માટે આગળ આવતા ન હતા. સસરા લગભગે બેભાનની સ્થિતિમાં હતા. તેમને ઉઠાવવા માટે મારે માનસિક અને શારીરિક રીતે ઘણી મહેનત કરવી પડી.​​​​​​​

સસરાને પીઠ પર ઉઠાવી સીડીઓ ચડવી પડી
નિહારિકાએ કહ્યું કે નગાંવ પહોંચીને પણ મારે કોવિડ હોસ્પિટલમાં સસરાને પીઠ પર ઉઠાવીને સીડીઓ ચડવી પડી હતી. ત્યાં મે મદદ માટે કહ્યું, પણ કોઈ વ્યક્તિ આગળ આવ્યું નહીં. તે દિવસે હું સસરાને પીઠ પર ઉઠાવી આશરે 2 કિમી ચાલી હતી. તે સમયે કોઈએ નિહારીકાની તસવીરો લીધી હતી.​​​​​​​

સસરાને બચાવી શકી નહીં
આસામની આ કહાનીથી ગામમાં સ્વાસ્થ્ય સંબંધિત સેવાની શું સ્થિતિ છે તેની પોલ ખુલી ગઈ છે. નિહારીકાનું કહેવું છે કે તેને ગામમાં એમ્બ્યુલન્સ પણ મળી શકી ન હતી.નાની વાનમાં શહેર લાવવા પડ્યા હતા. સારી વાત એ હતી કે માર્ગમાં ઓક્સિજનની જરૂર પડી ન હતી. જોકે, 5 જૂનના રોજ ગુવાહાટીની મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે થુલેશ્વર દાસનું અવસાન થઈ ગયું.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page