ગાંધીનગરમાં વિશ્વમાં ક્યાંય ન હોય એવું રેલ્વે સ્ટેશન બન્યું, ફેસિલીટી જોઈને આંખો પહોળી થઈ જશે, જુઓ તસવીરો

ગાંધીનગરઃ આવતીકાલે બપોરે 4 વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશન સહિત આઠ વિવિધ વિકાસલક્ષી કાર્યોનું પીએમ મોદી લોકાર્પણ કરશે
રેલવે સ્ટેશન ખાતે છે 3 પ્લેટફોર્મ, 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ, 2 પેડેસ્ટ્રિયન સબ-વે સહિતની આધુનિક સુવિધાઓ

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃનિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ તેમજ પંચતારક હોટલના લોકાર્પણની સાથે ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ આપશે. વડાપ્રધાન આવતીકાલે બપોરે 4 કલાકે ગાંધીનગરના અદ્યતન નવીનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન સહિત આઠ જેટલાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીપદે હતા એ વેળા તેમણે ગુજરાતને દેશના સૌથી વિકસિત રાજ્ય તરીકે આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. તેમની આ સંકલ્પનાના ભાગરૂપે જ ગાંધીનગર ખાતે વૈશ્વિક સ્તરનું ‘મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર કોમ્પ્લેક્સ’ સાકાર થયું. સૌ સુપરિચિત છે જ કે વડાપ્રધાનની પ્રેરણાથી મૂર્તરૂપ પામેલું ‘મહાત્મા મંદિર’ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સહિતની અનેકવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ, કોન્ફરન્સ, પ્રદર્શનો અને અવનવી સફળ ઇવેન્ટ્સનું સાક્ષી રહ્યું છે.

નવનિર્મિત રેલવે સ્ટેશન
‘મહાત્મા મંદિર’ ખાતે નિયમિત રીતે યોજાતી દ્વિવાર્ષિક ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ’ બાદ તો આ સ્થળનું આકર્ષણ સૌના માટે અનેક ગણું વધી ગયું. આ સ્થળ વિશ્વના અનેક દેશોના પ્રમુખો, વડાપ્રધાનો, સાંસદો, રાજદૂતો, ઉદ્યોગ સાહસિકો, વિજ્ઞાનીઓ અને શિક્ષણવિદો માટે મુખ્ય યજમાન સ્થળ બની ગયું છે.

રેલવે સ્ટેશનમાં 3 પ્લેટફોર્મ્સનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું
મહાત્મા મંદિર, મેટ્રો રેલ, અમદાવાદ-ગાંધીનગરને જોડતા છ-માર્ગીય ધોરીમાર્ગ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ગિફ્ટ-સિટી સહિતના સંખ્યાબંધ અત્યાધુનિક પ્રકલ્પોની માફક ‘મહાત્મા મંદિર’ની નજીકમાં જ અદ્યતન નવીનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’માં 3 પ્લેટફોર્મ્સનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે.

અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિ માટેનું પ્રતીક્ષા સ્થળ
દેશમાં વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર, નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ પૈકી એક વન -એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય આઇલેન્ડ પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રિયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે. આ ઉપરાંત અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિ માટેનું પ્રતીક્ષા સ્થળ, સેન્ટ્રલી એરકન્ડિશન્ડ મલ્ટીપર્પઝ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ, ઑડિયો-વીડિયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલરી માટેનો ડિસ્પ્લે એરિયા તથા 105 મીટર લાંબું કોલમ વગરનું એલ્યુમિનિયમની છત ધરાવતું સ્ટેશન છે.

સ્ટેશન દિવ્યાંગોને 100% સાનુકૂળ
‘ગરુડ'(ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કો.લિ.), ગુજરાત સરકારની 74% અને રેલવે મંત્રાલયની 24%ની ભાગીદારીથી આ કેપિટલ રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. વિકાસ અને આધુનિકીકરણની સાથે આ રેલવે સ્ટેશનની પાસે જ નવનિર્માણાધીન પંચતારક હોટલ અહીં આવનારા દેશ-વિદેશના પ્રતિનિધિઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.


વર્ષ-2024ના પ્રારંભિક તબક્કે તૈયાર થઇ જનારા અમદાવાદ-મોટેરાથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો ટ્રેનના રૂટ તથા સરખેજ-ગાંધીનગરનો છ-માર્ગીય હાઈવે આ નવનિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ અને રાજ્યના વિકાસને વધુ બળ પૂરું પાડશે.

 

આ અદ્યતન નવીનીકરણ પામેલું રેલવે સ્ટેશન અને હોટલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે એની અવકાશી ધરી ગુજરાત વિધાનસભાના ભવન સાથે એક હારમાં દેખાય છે. આ નવાં નિર્માણોની ડિઝાઇન જ એવી છે કે કેપિટલ રેલવે સ્ટેશન, ‘મહાત્મા મંદિર’,દાંડી કુટિર અને નવી પંચતારક હોટલ સાથે સમગ્ર કોમ્પ્લેક્સને ફરતો 18-મીટર પહોળો તથા પૂર્વ-પશ્ચિમને જોડતો અંડરપાસ જાણે એકીકૃત થઇ ગયો હોય એવું લાગે છે.

318 રૂમ ધરાવતી આ હોટલમાં રહેવાની બેજોડ વ્યવસ્થા
આ અંડરપાસ પૂર્વે ‘ખ’ રોડ અને પશ્ચિમે ‘ક’ રોડ સાથે બાકીના રસ્તાઓને જોડે છે. મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર કોમ્પ્લેક્સ’થી અત્યંત નજીકમાં અને અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર 20 મિનિટના અંતરે મહાત્મા મંદિર ખાતે બિઝનેસ સમિટ માટે આવતા મહાનુભાવો, પ્રતિનિધિઓ માટે અથવા આ સ્થળે યોજાતી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને આ સમિટ-સેમિનાર-કોન્ફરન્સમાં સામેલા થનારા ડેલિગેટ્સની સુવિધા માટે અત્યાધુનિક પંચતારક હોટલનું આ રેલવે સ્ટેશનની પાસે 7 હજાર 400 ચો.મીટરમાં અંદાજિત રૂ.790 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. 318 રૂમ ધરાવતી આ હોટલમાં રહેવાની બેજોડ વ્યવસ્થા છે; જે ‘મહાત્મા મંદિર’ ખાતે આવનારા વિવિધ ડેલિગેટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સક્ષમ છે.

રેલવે સ્ટેશન પર એક નજર

  • ‘ગરુડ’ (ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કો.લિ.), ગુજરાત સરકારની 74% અને રેલવે મંત્રાલયની 24%ની ભાગીદારીથી રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ.
  • વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ.
  • 3 પ્લેટફોર્મ પૈકી એક વન -એન્ડ પ્લેટફોર્મ, જયારે અન્ય આઇલેન્ડ પ્લેટફોર્મ.
  • 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રિયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે.
  • અલગ-અલગ સ્થળે આશરે 300 વ્યક્તિ માટેનું પ્રતીક્ષા સ્થળ.
  • સેન્ટ્રલી એરકન્ડિશન્ડ મલ્ટીપર્પસ હોલ.
  • બેબી ફીડિંગ રૂમ.
  • પ્રાર્થના ખંડ.
  • પ્રાથમિક સારવારનો ખંડ.
  • ઓડિયો-વીડિયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલરી માટેનો ડિસ્પ્લે એરિયા.
  • 105 મીટર લાંબું કોલમ વગરનું એલ્યુમિનિયમની છત ધરાવતું સ્ટેશન.
  • દિવ્યાંગોને 100% સાનુકૂળ એવું સ્ટેશન.
  • કોઈપણ પ્રકારના મધ્યવર્તી ટેકા વગરની 345 ફૂટ લાંબી સ્લીક એલ્યુમિનિયમ છત.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page