ભાવિભક્તો માટે દુઃખદ સમાચાર, સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, 88 વર્ષની વયે જીવનલીલા સંકેલી

વડોદરાઃ વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી.તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

Advertisement

જ્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડીરાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવન લીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતા હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યાં હતાં.

Advertisement

યોગી િડવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજરોજ તા.26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.

અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું.

તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. આપણી વચ્ચે તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના અા વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના.

ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો હતો. જ્યાંથી મંગળવારે સવારે 11 વાગે પાર્થિવ દેહને હરિધામ સોખડા ખાતે લઇ જવાશે. સ્વામીજીના પાર્થિવ દેહને બુધવારે દર્શનાર્થે મૂકાશે.

વડોદરના સાંસદ રંજનબેન ભટ્ટે ટ્વિટ કરીને સ્વામીજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દાસ ના દાસનું અનંતની સફરે પ્રયાણ.. યોગી ડીવાઈન સોસાયટી ના પ્રણેતા તથા યોગીજી મહારાજ ના શિષ્ય પરમ પુજ્ય હરિપ્રસાદ સ્વામીજી ના નિર્વાણ ના સમાચાર જાણી દુ:ખી છું. સ્વામીજી આપણા સૌના હ્યદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ એમના પાસે પ્રાર્થના.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page