સુરતમાં પિતાએ બીજા લગ્ન કરવા દીકરીને બાળ આશ્રમમાં મૂકી, કોર્ટે દાદી-પૌત્રીનું મિલન કરાવતાં સર્જાયા ભાવુક દ્રશ્યો

સુરત: સુરતમાં એક પિતાએ બીજા લગ્ન કરવા માસૂમ દીકરીને બાળ આશ્રમમાં છોડી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માસૂમ દીકરીને લઈને વૃદ્ધ માં સામે ખોટું બોલનાર દારૂડિયા પુત્રએ 18 દિવસ બાદ દાદી-પૌત્રીનું મિલન કરાવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. છલકાતી આંખે પીડિત માસૂમ દીકરીને સાંભળી કોર્ટ રૂમમાં તમામની આંખો ભરાઈ ગઈ હતી. જજ સાહેબે દીકરીની વ્યથા સાંભળ્યા બાદ તાત્કાલિક પિતાને ઠપકો આપી બાળ આશ્રમને કડક શબ્દોમાં ચેતવણી આપી એક માસૂમ દીકરીનું દાદી સાથે મિલન કરાવ્યું હતું. આ ભાવુક ક્ષણે દાદી અને પૌત્રીએ જજ સાહેબને તમે જ અમારા ભગવાન છો.. કહી આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

12 વર્ષ બાદ દંપતિએ છૂટાછેડા લીધા હતા
વિલાશ પાટીલ (દાદીના વકીલ) એ જણાવ્યું હતું કે, વાત ઉધના દત્ત કુટીર સોસાયટીમાં રહેતા કાપરે પરિવારની છે. 4 વર્ષ પહેલાં શાંતિલાલ કાપરેના 12 વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ પડતા પતિ-પત્ની એકબીજા થી છૂટાછેડા લઈ અલગ થઈ ગયાં હતાં. રત્નબેન પોતાના ત્રણ સંતાન પૈકી સૌથી નાની દીકરીને લઈ પોતાના વતન મહારાષ્ટ્ર ચાલ્યાં ગયાં હતાં. શાંતિલાલ એક મોટો દીકરો અને એના પછીની એક દીકરી અને વૃદ્ધ માતા સાથે રહેતા હતાં. શાંતિલાલ BRTS બસ સેવામાં ટિકિટ ચેકરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. જોકે દારૂ પીવાના રવાડે ચઢી શાંતિલાલ ભાનમાં ઓછું અને નશામાં વધારે રહેતા હતા.

Advertisement

માતાને ખોટુ કહી દીકરીને આશ્રમમાં મૂકી
લગભગ 25 દિવસ પહેલા અચાનક દારૂના નશામાં શાંતિલાલ પોતાની નાની દીકરીના જન્મ અને તમામ ઓળખ પૂરાવા લઈને ઘરે ગયો હતો. સાંજ પડતા પરત આવેલા દીકરાને જોઈને માંએ પૂછ્યું, મારી પૌત્રી ક્યાં છે, તો જવાબ મળ્યો મને નથી ખબર, આ સાંભળી વૃદ્ધ દાદીનું કાળજું કપાઈ ગયું હતું. કલાકો સુધી પુત્રની પૂછપરછ કર્યા બાદ વૃદ્ધ દાદી જીજાબાઈને ખબર પડી કે, દારૂડિયો પુત્ર મારી લાડકી પૌત્રીને બાળ આશ્રમમાં મૂકી આવ્યો છે. કારણ પૂછતાં પુત્રએ કહ્યું- મારે બીજા લગ્ન કરવા છે, એમ કહી હું દીકરીને નવી માં તને મળવા માગે છે. એમ કહી ઘરમાંથી લઈ ગયો હતો. એક દારૂડિયા પુત્ર કમ પિતાની માનસિક વિચારધારાને લઈ વૃદ્ધ માતા પૌત્રીને લઈ ચિંતામાં પડી ગયાં હતાં.

આશ્રમમાં દીકરીને રહેવું નહોતું
વૃદ્ધ દાદી જીજાબાઈની વારંવારની વિનંતી બાદ એટલે કે, 18 દિવસ પછી દારૂડિયો પુત્ર માં ને દીકરી પાસે મળવા રૂસ્તમપુરાના બાળ આશ્રમમાં લઈ ગયો હતો. જ્યાં એક ઓરડીમાં રડતી માસૂમ દીકરીના અવાજને સાંભળી દાદીએ દીકરીના નામની બૂમાબૂમ કરી દીધી હતી. દાદીનો અવાજ સાંભળીને દોડી આવેલી 12 વર્ષની માસૂમ દીકરીએ દાદીનો સાડીનો છેડો પકડી રડતા રડતા કહેવા લાગી મને અહીંયાંથી લઈ જાઉં મારે તમારી સાથે જ રહેવું છે. આ સાંભળ્યા બાદ પણ આશ્રમના વહીવટદારોનું હૃદય ન પીગળ્યું, ને માસૂમ દીકરીને હાથ પકડી ખેંચીને રૂમમા લઈ ગયા હતા.

જજ દીકરીની ઉદાસીનતા સમજી ગયા
જીજાબેન (વૃદ્ધ દાદી) એ કહ્યું હતું કે, હું કોઈ પણ સંજોગોમાં દીકરીને ગૂમાવવા માગતી ન હતી. એ જ મારું હૃદય હતું. એટલે મેં તાત્કાલિક પાડોશી મહિલાની મદદ લઇ વકીલ વિલાસભાઈ પાટીલને મળી હતી. એમણે મને સાંભળી તાત્કાલિક 26 મીએ કોર્ટમાં સર્ચ વોરંટ કાઢવા અરજી કરી હતી. કોર્ટે પણ અરજીની ગંભીરતા લઈ સલાબતપુરા પોલીસને બાળ આશ્રમના સંચાલકોને બાળકી સાથે 27 મીએ સવારે 10 વાગે હાજર રહેવા ફરમાન કર્યું હતું. આજે કોર્ટ રૂમમાં બાળકીની ગભરાહટ જોઈ જજ સાહેબ પણ સમજી ગયા હતાં. દીકરીનો ઉદાસ ચહેરો જોઈ જજ સાહેબે પણ એને હસાવવા ઘણા પ્રયાસ કર્યા અને એમની પાસે બોલાવી દીકરીને તમામ હકીકત પૂછતાં રડતા રડતા પોતાની વ્યથા સંભળાવી હતી.

દાદી-દીકરીના મિલનથી ભાવુક દ્રશ્યો સર્જાયા
આ સાંભળી જજ સાહેબે બાળ આશ્રમના સંચાલકોને કડક શબ્દોમાં ઠપકાર્યા હતા. પિતાને તાત્કાલિક હવે કોર્ટ કંપાઉન્ડમાં દેખાય તો કડક સજા કરીશ એમ કહી કાઢી મુક્યાં હતા. જજ સાહેબે માસૂમ દીકરીને પૂછ્યું તારે કોની સાથે રહેવુ છે. તો રડતા રડતા જવાબ મળ્યો દાદી સાથે.. એ સાંભળી જજ સાહેબ અને આખો કોર્ટ રૂમમાં ભાવુકતાના દ્રશ્યો દેખાયા હતા. વકીલ, સગા સંબંધીઓ તમામની આંખ છલકાઈ ગઈ હતી. જજ સાહેબે તાત્કાલિક માસૂમ દીકરીનો કબ્જો દાદી જીજાબાઈને સોંપતા જ દાદી અને પુત્રીએ કહ્યું સાહેબ તમે જ અમારા ભગવાન છો.. એમ કહી આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page