પતિને બ્રેન સ્ટ્રોક આવતાં પત્નીએ તેમનાં લીવર, કિડની, ફેફસાં દાન કર્યાં, ત્રણને આપ્યું નવજીવન

ભુજઃ દોઢ મહિના પહેલાં જ કચ્છ ભુજની પુત્રવધૂ અર્પણા તુષાર મહેતાનું અંગદાન કરી જૈન પરિવારે સમાજમાં સેવાનો દાખલો બેસાડ્યો હતો. તો વિદેશમાં એક મહિના અગાઉ મૂળ સુરતના શ્રીમાળી સોની પરિવારે આ સેવાકીય કાર્ય કર્યું છે. પતિને બ્રેન સ્ટ્રોક આવતાં મૃત્યુ નિશ્ચિત હતું, ત્યારે પત્નીએ તેમના અંગદાનનો નિર્ણય લીધો હતો અને લીવર, કિડની અને ફેફસાંનું પ્રત્યાર્પણ કરી ત્રણ આરબ વ્યક્તિને જીવનદાન આપ્યું હતું.

Advertisement

ગત 11 જુલાઈના સાંજે બર દુબઈમાં રહેતા પંચાવન વર્ષના નિલેશભાઈ અરવિંદભાઈ ચિતાનિયાને બ્લડપ્રેશર વધતાં તાત્કાલિક આઇસીયુ બોલાવી ટ્રીટમેન્ટ કરાઈ, પરંતુ સ્ટ્રોક એટલી હદ્દે તીવ્ર હતો કે તેઓ તેમના રહેણાકના પાર્કિગમાં જ કોમામાં સરી પડ્યા હતા. હોસ્પિટલમાં ખસેડાયા, પરંતુ ડોકટરની ટીમે બ્રેન ડેડ જાહેર કર્યા હતા. મૃત્યુ નિશ્ચિત હતું. ત્યારે સમાજને ઉપયોગી થવાના વિચાર સાથે તેમના પત્ની ખુશ્બૂબેને બેભાન પતિનાં હૃદય પર હાથ રાખી તેમને નિર્ણય જણાવ્યો કે અંગદાન કરવું છે, જેથી તેમની સ્મૃતિ જીવંત રહે.

જાણીતા અખબાર સાથે વાત કરતાં ખુશ્બૂબેન ઉમેરે છે કે જાણે કે તેમની સંમતિ હોય તેવી પ્રેરણા મળી અને મને સતત સાથ અને સહકાર આપનાર સૌરભ પચ્ચિગરે આ પ્રક્રિયા માટે દુબઇની સેહા કિડની કેરના વહીવટકર્તાને જાણ કરી ફૉર્માલિટી પૂર્ણ કરી. 17 જુલાઈ, 2021ના રોજ નિલેશનાં ફેફસાં એક 35 વર્ષીય વ્યક્તિમાં લગાવવામાં આવ્યાં હતાં, એક કિડની 57 વર્ષના માણસ પાસે ગઈ હતી અને 43 વર્ષના પુરુષમાં લિવરનું સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરાયું.

Advertisement

સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે સમાજના દરેક લોકો એની નોંધ લે અને એનું ગૌરવ લે. નિલેશભાઈનું મૃત્યુ એ દુઃખદ ઘટના છે, પરંતુ તેમના અવસાન બાદ તેમનાં અમૂલ્ય અંગોનું દાન કરવાના નિર્ણય અર્ધાંગિની ખુશ્બૂબેને લેતાં સમસ્ત ગુજરાતી સોની સમાજ માટે ગૌરવ લેવા જેવી ઘટના કચ્છી શ્રીમાળી સોની સમાજના આગેવાન જયેશભાઈ પ્રભુભાઈ ગુંસાણીએ ગણાવી હતી. દુબઈ સ્થિત તમામ ગુજરાતી અને કચ્છી સમાજ તેમની સાથે છે.

પતિનાં અંગોનું દાન કરવાના નિર્ણયને દુબઈ સરકારે પ્રશંસા કરી છે. યુએઈ ટ્રાન્સપ્લાન્ટેશનના ચેરમેન ડૉ. અબ્દુલ અલીકરમે લેખિતમાં પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે પરિવાર પર આવી પડેલી આફત વચ્ચે આ નિર્ણય સમાજ માટે પ્રેરણાદાયી છે. દર્દીઓ, જેમને જીવનદાન મળ્યું છે તેમને જીવન જીવવાની આશા આપવા બદલ આભાર માન્યો હતો.

 

Advertisement

Leave a Reply

You cannot copy content of this page