કોફીમાં ઝેર આપ્યા પછી પણ વકીલ પતિ રહ્યો જીવિત તો ક્રૂર પત્નીએ પતિનું ગળું કાપી હત્યા કરી, જૂનાગઢનું હચમચાવી નાખતું મર્ડર

જૂનાગઢઃ જૂનાગઢના મંગલધામ વિસ્તારમાં રહેતા વકીલની થયેલી હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. વકીલની હત્યા તેની જ પત્નીએ નિપજાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પતિને કાયમ માટે શાંત કરવા માટે કોફીમાં ઝેર આપ્યા બાદ પણ ના મરતા ગળું કાપી હત્યાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ સમગ્ર બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસની આકરી પૂછપરછ દરમિયાન પત્ની ભાંગી પડી હતી અને પતિ દ્વારા મારકૂટથઈ કંટાળી પોતે જ હત્યા નિપજાવ્યાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

જૂનાગઢના મંગલધામ વિસ્તારમાં રહેતા એડવોકેટ નિલેશ દાફડાની સોમવારે લોહીલુહાણ હાલતમાં તેના ઘરમાંથી જ લાશ મળી આવી હતી. પોલીસને મૃતકના શરીર પર સાતથી આઠ જેટલા ઈજાના નિશાન જોવા મળ્યા હતા. લાશ નજીકથી એક છરી પણ મળી આવી હતી. પત્નીની પૂછપરછ કરતા પતિએ આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું. જો કે, પોલીસને પત્નીની વાત ગળે ઉતરી ના હતી.પોલીસે આગવીઢબે પત્ની પૂછપરછ કરતા પોતે જ પતિ દ્વારા થતા ઝઘડા અને મારકૂટથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપી હતી.

Advertisement

વકીલ નિલેશ દાફડાની હત્યા નિપજાવવા માટે તેની પત્ની કાજલે બે દિવસ પહેલા જ પ્લાન ઘડ્યો હતો. કાજલે પોતાના પતિને કોફીમાં ઝેર આપી પીવડાવ્યું હતું. પરંતુ, કોઈ કારણોસર પતિ પર ઝેરની અસર ના થતા તેનો બચાવ થયો હતો. ત્યારબાદ પતિને ગમે તેમ કરી મારવાનું નક્કી જ કર્યું હોય તે રીતે નિલેશ દાફડા જ્યારે ઊંઘી રહ્યા હતા ત્યારે કાજલે તીક્ષણ હથિયાર સાથે પતિની ઠંડે કલેજે હત્યા નિપજાવી હતી. બાદમાં આખી રાત પતિની લાશ પાસે જ બેસી રહી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. પતિ નશો કરી તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હોય તેનાથી છુટકારો મેળવવા હત્યા નિપજાવ્યાની કબૂલાત આપી હતી.

જે જગ્યાએ હત્યાનો બનાવ બન્યો તે ઘરમાં ફરતે સીસીટીવી પણ લગાવેલા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી બંધ હોવાનું સામે આવ્યું છે. જો કે, પોલીસે ડીવીઆર કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ હત્‍યા અંગે મૃતકની બહેને તેની ભાભી કાજલ દાફડા સામે હત્યાની ફરિયાદ નોધાવી છે. જયારે સી ડિવિઝન પોલીસે હત્યારી પત્ની કાજલ દાફડાને ઝડપી લઈને હત્યાના કેસમાં બીજું કોઈ સંકળાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પારિવારિક કંકાશના કારણે માતાએ જ પોતાના પિતાની હત્યા નિપજાવતા સૌથી વધુ કફોડી હાલત 8 વર્ષીય પુત્ર અને 2 વર્ષીય દીકરીની થઈ છે. પિતાના મોત બાદ માતા સામે જ હત્યાનો ગુનો નોંધાતા બે જ દિવસમાં બંને માસૂમ સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page