ભુજના જૈન ગૃહિણીએ મુત્યુ બાદ અંગદાન થકી ત્રણ લોકોને નવજીવન આપ્યું, જાણો ક્યાં ક્યા અંગો દાન કરાયા
અહિંસા તેમજ પરોપકારને વરેલા જૈન સંપ્રદાયના ભુજ સ્થિત ગૃહિણીને અકસ્માત નડતાં બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. હતભાગીના પરિવારે આ સંજોગોમાં વિકટ કહી શકાય તેવો અંગદાનનો નિર્ણય લઇને સાચા અર્થમાં જૈન ધર્મ નિભાવ્યો હતો. તેમના લિવર અને બંને કિડનીનું અંગદાન કરાયું હતું જેના થકી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું હતું તો ચક્ષુનું પણ દાન કરાતાં બે વ્યક્તિને રોશની મળશે.
સમાજને પ્રેરણાનો સંદેશો આપતા આ કિસ્સાની વિગત મુજબ સ્કૂટર પર જઇ રહેલાં ભુજના પ્રીતિબેન મોરબિયાને સોમવારે બપોરે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે અકસ્માત નડતાં માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર માટે તેમને નજીકની જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતાં જ્યાં તબીબોએ અન્યત્ર ખસેડવાની સલાહ આપતાં શહેરની લેવા પટેલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લઇ જવાયા હતા. અહીં પણ ડોક્ટરે માથામાં થયેલી ઇજા ગંભીર પ્રકારની હોવાનું કહેતાં તાબડતોબ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મહિલાને ખસેડાયા હતા.
રાજકોટની હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સીટી સ્કેન સહિતના વિવિધ પરીક્ષણો કરીને દર્દી બ્રેઇન ડેડ હોવાનું કહી ઓક્સિજન અને વેન્ટીલેટર જેવી લાઇફ સપોર્ટ સિસ્ટમ છે ત્યાં સુધી જીવ બચશે અન્યથા કોઇ સારવાર શક્ય નથી તેવો અભિપ્રાય આપ્યો હતો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીના પરિવાર માટે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તેની વચ્ચે તેમના પતિ દ્વારા સ્વસ્થતા સાથે અંગદાનનો નિર્ણય લેવાયો હતો. બ્રેઇનડેડ દર્દીને ગતમોડી રાત્રે રાજકોટથી ભુજની કે. કે. પટેલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને મંગળવારે અંગદાન માટેની ગતિવિધિ કરાઇ હતી.
અંગદાનનો નિર્ણય લઇને સાચા અર્થમાં જૈન ધર્મ નિભાવ્યો
જેને પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંચાલિત આઇકેડી કિડની હોસ્પિટલના ડો. પ્રાંજલ અને તેમની ટીમ ભુજ આવી પહોંચી હતી. રાત્રે 9 વાગ્યાના અરસામાં આ મહિલાના લિવર અને બે કિડની એર એમ્બ્યૂલન્સ મારફતે અમદવાદ લઇ જવાયા હતા. તો શહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાં ચક્ષુદાન કરાયું હતું. કે. કે. પટેલ હોસ્પિટલના ડો. ઋગ્વેદ ઠક્કર, ડો. તારેક ખત્રી, કો-ઓર્ડીનેટર ડો. ભાવિન દત્ત ઉપરાંત ડો. મુકેશ ચંદે સહયોગી બન્યા હતા. અંગો લઇ જવાયા ત્યારે કલેક્ટર દિલીપ રાણા સાથે અન્ય અગ્રણીઓ પણ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા.
અંગદાનથી ત્રણ વ્યક્તિને નવજીવન આપવા માટેના આ ભગીરથ કાર્ય
અંગદાન પ્રવૃત્તિમાં અગ્રેસર દિલીપભાઇ દેશમુખે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, બહુજ ટૂંકા ગાળામાં નિર્ણય લેવાયો હતો તે દરમિયાન સરકારી મશિનરીથી લઇને હોસ્પિટલનો નાનામા નાના કર્મચારી સહયોગી બન્યા હતા. કોઇ અજાણી ત્રણ વ્યક્તિને નવજીવન આપવા માટેના આ ભગીરથ કાર્ય માટે ઉપયોગમાં લેવાયેલી એર એમ્બ્યૂલન્સનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે. હોસ્પિટલથી ભુજના એરપોર્ટ સુધી મારતી ગાડીએ અંગો લઇ જવાયા હતા જેના માટે રચાયેલા કોરીડોરનો પોલીસ બંદોબસ્ત સિટી પીઆઇ રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા ગોઠવાયો હતો. હતભાગી પરિણીતા ભુજના કલ્યાણેશ્વર મહાદેવના નિત્ય દર્શનાર્થી હોવાનું જાણવા મળ્યું હતું.
અંગદાનનો વિચાર એકાએક સ્ફૂર્યો
અંગદાનનો નિર્ણય કઇ રીતે લીધો તેમ પ્રીતિબેનના પતિ દીપકભાઇને પૂછતાં તેમણે કહ્યું કે, રાજકોટના તબીબોએ બ્રેઇનડેડ ડિક્લેર કરતાં જ કોઇનું જીવન બચતું હોય તો અંગદાન કરવું જોઇએ તેવો એકાએક વિચાર આવ્યો અને તબીબો સમક્ષ આ વાત મૂકી તો તેમણે પણ શાંત ચિત્તે વિચારીને કહો તેમ કહ્યું હતું. પુત્ર જેસલ અને દર્શિતને આ બાબતે વાત કરતાં બંનેએ સંમતિ આપી. અંગદાન વિશે ક્યાંક સાંભળેલું અને વાંચેલું હતું તેના પરથી આ નિર્ણય લીધો હોવાનું તેમણે ઉમેર્યું હતું.