25માં નેવી ચીફ બન્યા એડમિરલ આર. હરિ કુમાર, ચાર્જ લેતાં જ માતાને પગે લાગીને લીધા આશીર્વાદ
નવી દિલ્હી: એડમિરલ આર. હરિ કુમારે મંગળવારે ભારતીય નેવીના નવા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો. આ પ્રસંગે દેશને ભારતીય સંસ્કારની એક ઝલક જોવા મળી. આટલાં મોટા પદે પહોંચ્યા બાદ પણ એડમિરલ કુમાર પોતાના સંસ્કાર ના ભૂલ્યાં. પદભાર સંભાળ્યાં બાદ કુમાર ભાવુક થઈ ગયા અને તેઓએ પોતાની માતાને પગે લાગીને આશીર્વાદ લીધા. માતાએ ગળે લગાડીને દીકરાને અભિનંદન આપ્યાં.
ન્યૂઝ એજન્સી ANIએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં એડમિરલ કુમાર માતાના પગે લાગીને આશીર્વાદ લેતાં જોવા મળ્યા. નેવી ચીફને સાઉથ બ્લોકમાં ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા.
પદગ્રહણ સમયે એડમિરલ કુમારે કહ્યું- એડમિરલ કરમબીર સિંહ આજે 41 વર્ષ સુધી દેશની સેવા કર્યા બાદ નિવૃત થઈ રહ્યાં છે. અમે તેમના નેતૃત્વ અને માર્ગદર્શન માટે આભારી છીએ. ભારતીય નૌસેના હંમેશા તેમની આભારી રહેશે.
એડમિરલ કુમાર નેવીની કમાન સંભાળી તે પહેલાં પશ્ચિમી નૌસેના કમાનના કમાન્ડર ઈન ચીફ રહી ચુક્યા છે. 12 એપ્રિલ 1962નાં રોજ જન્મેલા એડમિરલ કુમાર, 1 જાન્યુઆરી, 1983નાં રોજ ભારતીય નેવીમાં સામેલ થયા હતા. લગભગ 38 વર્ષની પોતાની લાંબી તેમજ વિશિષ્ટ સેવા દરમિયાન એડમિરલ કુમારે અલગ-અલગ કમાન અને સ્ટાફમાં પોતાની સેવા આપી છે.
જેમાં કોસ્ટ ગાર્ડ શિપ C-01, ભારતીય નેવીના જહાજોની કમાનની સાથે નિશંક, કોરા, રણવીર અને એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ જેવાં જહાજ સામેલ છે.
પૂર્વ નેવી પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે કહ્યું- છેલ્લાં 30 મહિના સુધી ભારતીય નેવીના પ્રમુખ તરીકે કામ કરવું મારા માટે ઘણી જ ગર્વની વાત રહી છે. આ દરમિયાન દેશ અને નેવીએ કોવિડની મહામારી દરમિયાન મોટી મુશ્કેલીનો સામનો કર્યો છે. નેવીએ આ કપરાં સમયમાં પોતાનું સર્વશ્રેષ્ઠ દેખાડતાં કાર્ય કર્યું છે.