અમદાવાદમાં સબ રજિસ્ટ્રાર કચેરીની મહિલા ક્લાર્ક 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ
સરકારી કચેરીમાં લાંચીયા અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે, અમદાવાદમાં 2 દિવસ અગાઉ ટ્રાફિકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો. ત્યારે સબ રજિસ્ટ્રારની કચેરીમાં મહિલા ક્લાર્ક લાંચ લેતા ઝડપાઇ છે. દસ્તાવેજોની નકલ આપવા 7 હજારની લાંચ માગી હતી. જેમાંથી 2 હજાર ગઈકાલે લીધા હતા અને 5 હજાર આજે લેતા મહિલા ક્લાર્ક ઝડપાઇ હતી.
પહેલા ફરિયાદી પાસે 10 હજારની માગણી કરી હતી
ફરિયાદીએ સબ રજિસ્ટ્રાર કચેરી, પોલીટેકનિક કમ્પાઉન્ડ, મેમનગર, અમદાવાદ ખાતે દસ્તાવેજોની નકલો મેળવવા સારું અરજી કરીને સરકારની કાયદેસરની ફી ભરી હતી. આ દસ્તાવેજોની સર્ટિફાઇડ નકલો આપવા માટે આરોપી પૂજા પટેલ જે સબ રજિસ્ટ્રાર કચેરી પોલિટેકનિક મેમનગરમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.
તેને ફરિયાદી પાસે રૂ.10000ની લાંચની માગણી કરી હતી અને રકઝકના અંતે રૂ.7000 આપવાના નક્કી થયું હતું. જે પૈકી ફરિયાદીએ રૂ.2000 ગઈકાલે આરોપીને આપ્યા હતા. બાકીના રૂ.5000ની લાંચ આપવાનો આજરોજ વાયદો કર્યો હતો.
ACBએ છટકુ ગોઠવ્યું અને લાંચ લેતા ઝડપાઇ
આજે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માગતા ન હોય ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ કામના આરોપીએ ફરિયાદી સાથે પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી રૂ.5000ની લાંચની માગણી કરી હતી. આ લાંચ લેતા જ આરોપી મહિલા ઝડપાઇ ગઈ હતી. ACBએ સમગ્ર મામલે આરોપીની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે.