NATIONAL

‘સતત 13 દિવસ ઊભો રાખ્યો, પડું તો સાંકળથી બાંધતા’

જમ્મુની બોર્ડર પર એક અબ્દુલિયાં નામનું ગામ આવેલું છે. 15 એપ્રિલ, 2015 અને બુધવારનો એ દિવસ હતો. એક ગામના બે યુવાન રેતી લેવા જવા માટે ઘરેથી નીકળ્યા. તેઓ નદીમાંથી રેતી ભરતા હતા. આ દરમિયાન અચાનક પાણીનું વહેણ આવ્યું અને બન્ને યુવાન તણાઈ ગયા. તણાઈ રહેલા બન્ને યુવાન પાણીમાંથી બહાર નીકળ્યા, આ સાથે જ તેમને પાકિસ્તાની રેન્જરે(આર્મીમેન) પકડી લીધા અને તેમની દુનિયા બદલાઈ ગઈ.

તેમને સૌથી પહેલા સિયાલકોટમાં આવેલી અંડર ગ્રાઉન્ડ જેલમાં લઈ ગયા. જેલમાં ચારે તરફ અંધારું જ હતું. બન્નેની આંખે પટ્ટી અને મોં પર કપડું બાંધી દીધું. આ સાથે જ શરૂ થઈ 9 વર્ષ સુધી યાતનાઓની સફર.

આ બન્ને યુવાન કોણ હતા? પાકિસ્તાનની જેલમાં પહોંચ્યા બાદ તેની સાથે શું થયું? જેલ બહાર કેવી રીતે નીકળ્યા? કોર્ટમાં શું થયું? ઇન્ડિયન એમ્બેસી સપોર્ટ કર્યો કે નહીં? જેલની અંદર કેદીઓની સ્થિતિ કેવી છે? આ અંગે જમ્મુ જિલ્લાના રણબીરસિંઘ પોરા તાલુકાના કોટલી મિયાં ફતેહ ગામના રહેવાસી સોનુ કુમાર સાથે વાત કરી હતી.

‘સતત 13 દિવસ ઊભો રાખ્યો, પડું તો સાંકળથી બાંધતા’
‘ધોરણ 10 સુધી ભણેલા સોનુ કુમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમની આ પીડાદાયક સફર અંગે વાત કરતા જણાવ્યું કે, આંખો પર પટ્ટી અને મોં પર કપડું બાંધી દીધા બાદ 13 દિવસ સુધી તો તેમણે મને ફક્ત ઊભો જ રાખ્યો હતો. તે લોકો ના તો મને માર્યો કે ના તો બીજું કંઈ કર્યું. જો હું પડી જાઉં તો સાંકળોથી બાંધી દેતા હતા. તેઓ કહેતા કે તારે ઊભા જ રહેવું પડશે. 13 દિવસ બાદ યાતનાઓ શરૂ થઈ અને મને મારવા લાગ્યા.’

મને પૂછતાં કે કઈ એજન્સીએ મોકલ્યો છે? ઇન્ટેલિજન્સે? RAWએ?
મેં કહ્યું ‘ના અમે ભૂલથી આવી ગયા છીએ’. તો તેઓ કહેતા કે, ‘ના…ના. અમને ઇન્ફોર્મેશન મળી છે કે તમે ઇન્ડિયાથી આવ્યા છો અને પહેલાં પણ તમે અહીં બોમ્બ ધડાકા કર્યા છે. કેટલાક લોકો અહીં તમારી સાથે છે જે તમારી સાથે ઈન્ડિયા જાય છે. એ બધી જ અમને ખબર છે’. મેં કહ્યું, ભાઈ, તમે તપાસ કરો. હું કોઈને લઈ નથી ગયો કે ના તો મેં કોઈ બોમ્બ બ્લાસ્ટ કર્યો છે. ના મેં એવું કોઈ કામ કર્યું છે પણ એ માનતા જ નહોતા. એમણે કહ્યું ‘નહીં.’

‘ક્યારેક કરંટ આપતા તો ક્યારેક ઊંધો લટકાવી દેતા’
‘ત્યાર બાદ તેમણે આર્મી કોર્ટમાં ઇન્ટ્રોગેશન શરૂ કર્યું. ક્યારેક કરંટ આપતા તો ક્યારેક ઊંધો લટકાવી દેતા હતા. તેમની તપાસ કરવાની જેટલી પણ પદ્ધતિઓ હતી એ બધી અપનાવતા હતા. 25 મહિના સુધી મને એ રીતે જ રાખ્યો હતો. અન્ડરગ્રાઉન્ડ ઇન્ટ્રોગેશન કરતા રહ્યા. એ પછી આર્મીની કોર્ટમાં લઈ ગયા. ત્યાં તેમના પોતાના જજ બેઠા હોય છે. જજ કર્નલ મહાત સાબ હતા. આર્મીની 65 રેજિમેન્ટ હતી. તેમણે કહ્યું, ‘તેં ભૂલ કરી છે. તને સજા થશે.’ મેં કહ્યું, ‘અમને કોઈ વકીલ તો આપો ત્યારે ખબર પડશે ને કે અમે ભૂલ કરી છે કે નહીં? તમે ખુદ વકીલ બનાવી લો છો. તમે ખુદ જજ બની જાવ છો અને સીધી સજા આપી દો છો. તો કહ્યું કે, ‘નહીં, તેં જે કામ કર્યું છે એમાં તને પાંચ વર્ષની સજા આપવામાં આવશે. ‘મેં કહ્યું કે, કામ કરવાનું કોઈ પ્રૂફ તો હોવું જોઈએને, મેં કંઈ કર્યું જ નથી. તમે જાતે જ કહો છો.’

‘આપ ઇન્ટેલિજન્સ કે બન્દે હૈ’
‘ત્યાર પછી એક વકીલ આપ્યો. એ ખાલી એટલું જ કહેતો, મેરે ક્લાયન્ટ કે સાથ સખ્તી ન બરતી જાએ. કમસે કમ સજા દી જાયે.’ અને જતો રહેતો. એ પછી પાંચ વર્ષની સજા કરી. જ્યારે મારી સાથે જે પકડાયો હતો એ વ્યક્તિને તો કોઈ સજા નહોતી કરી એટલે એને તો પાંચ વર્ષ પહેલાં જ છોડી દીધો હતો. સિક્રેટ એક્ટ લગાવીને પાંચ વર્ષની સજા આપી હતી. પરંતુ 9 વર્ષ બાદ છોડ્યો છે. અગાઉ હું બે વર્ષ જેલમાં હતો એ તો ગણ્યા જ નહીં. પાંચ વર્ષની સજા પૂરી થઈ ગઈ એ પછી બે વર્ષ વધારે મને જેલમાં રાખ્યો. એ મને છોડતા નહોતા.તેઓ કહેતા કે,’આપ કે પીછે ઈન્ફર્મેશન આ રહી હૈ. આપ ઇન્ટેલિજન્સ કે બન્દે હૈ.’ હું પકડાયો ત્યારે સિયાલકોટ જેલમાં હતો ત્યાંથી લાહોરની કોટ લખપત સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કર્યો હતો. એ લોકો પોતાની રીતે તપાસ કરતાં રહે છે.’

‘ઇસ બન્દે કો નહીં ભેજના, રોક લો’
‘તેઓએ ઘણીવાર કહ્યું છોડ દેંગે પણ ન છોડ્યો. ઘણીવાર મને કહેવામાં આવ્યું કે ‘કલ છોડ દેંગે, પર્સો છોડ દેંગે’ પણ છોડ્યો નહીં. 11 ઓગસ્ટ 2023ના રોજ અમને ચાર લોકોને છોડવાના હતા. જેમાં બે યુપી અને બિહારના હતા. જ્યારે એક છોકરો કલીમ હતો. તેમની સાથે મારે પણ છૂટવાનું હતું. મને જેલમાંથી તૈયાર કરી બહાર કાઢ્યો. ગેટ બહાર જ નીકળતો હતો કે મને રોકી દેવામાં આવ્યો અને કહ્યું કે, ‘ઉપર સે કોલ આ ગઈ હૈ.’ એમના ઇન્ટેલિજન્સ ISIએ ફોન કરીને કહ્યું કે ‘ઇસ બન્દે કો નહીં ભેજના.ઈસે રોક લો.’ એ પછી મને પાછો જેલમાં નાખી દીધો. મેં કહ્યું,’સર, મને તૈયાર કરી દીધો. મારો ઓર્ડર આવી ગયો તો મને કેમ રોક્યો?.’ ત્યારે ત્યાંના એક વ્યક્તિએ મને કહ્યું, ‘યાર, ISIને મના કર દિયા. યે બંદા નહીં જાયેગા. ઇસકી અભી ઇન્ફર્મેશન ચેક કર રહે હૈ. ઇસકે નામ કી પ્રોબ્લેમ ચલ રહી હે. બાદ મે ઇસકી ઇન્ફર્મેશન લીક હો રહી હૈ. હમારે પાસ પહોંચ રહી હૈ.’ એમ કરીને બીજા છ મહિના લગાવી દીધા’.

‘જેલમાં રહેલા 27 લોકોમાંથી 10 તો પાગલ થઈ ગયા’
‘સિયાલકોટ જેલમાં હું એકલો જ હતો.એ JIC (જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર) છે.’ જ્યારે લાહોરની કોટ લખપત જેલ અંગે વાત કરતા સોનુ કુમાર કહે છે કે, સજા થયા પછી હું રોજ સવારે છ વાગ્યે ઊઠી જતો. એ લોકો આખો દિવસ કામ કરાવતા. ક્યારેક જમવાનું બનાવવાનું તો ક્યારેક માટી કાઢવા જેવા અલગ અલગ કામ કરતાં. ત્યાં પાગલ હતા એમનાં કપડાં ધોતાં. બીમાર-આંધળા હોય એમનો ખ્યાલ રાખતા. જેલમાં કેટલાક સારા લોકો પણ મળે. કોઈ કપડાં આપે. બીમાર હોય તો જમવાનું આપે. ત્યાં ચાર બ્લોક હતા એમાંથી બહાર નહોતા જવા દેતાં. જાણે જાળ પાથરી હોય એવું લાગતું હતું. હું ગયો ત્યારે જેલમાં 27 લોકો હતા. એમાંથી 10 તો પાગલ થઈ ગયા અને મેન્ટલ હોસ્પિટલમાં છે. બાકીના 10 પણ ગાંડા જેવા થઈ ગયા છે પણ એ હજુ જેલમાં જ છે. એમને કોઈને ખબર જ નથી કે તેમનો બાપ કોણ છે. તેમનું નામ શું છે. ઘર ક્યાં છે. ટોર્ચર કરી કરીને પાગલ કરી નાખ્યા છે. બાકીના જ ફક્ત તંદુરસ્ત છે. એમાંથી હું એકલો જ આવ્યો છું. બાકી બધા ત્યાં જ છે’.

‘4 મહિનાની સજા હતી એમને 20 વર્ષ થઈ ગયાં છે’
‘હાલ જેલમાં બંધ અને પાગલખાનામાં રહેલા લોકોમાંથી પણ ઘણાની 2 મહિના સજા હતી પણ 10-10 વર્ષથી જેલમાં રાખ્યા છે. ઘણાની 4 મહિનાની સજા હતી એમને 20 વર્ષ થઈ ગયાં છે. ત્રણ મૂંગા છે, જેમાંથી એકને 8-9 વર્ષ તો બીજાને 4 વર્ષ થઈ ગયાં છે. એમને છોડતા જ નથી.

‘દિલ્હીના ઇમ્તિયાઝનું સુગર લેવલ 500 છે, પગ કાપવા પડશે’
ભારતીય દૂતાવાસ અંગે કહે છે કે, આપણી એમ્બેસી પણ કંઈ નથી કરતી. એ ત્યાં જઈને ફરી ફરીને પાછા આવે છે. મારી સાથે રહેલા રશીદ વલી મહંમદની બે આંખો જતી રહી છે. વિજયપુરના બશીર નવાબદ્દીનની પણ બે આંખો જતી રહી છે અને એને દૌરા પડે છે. તેને કોઈ પૂછતું જ નથી. એ પાગલ છે. તેને કપડાં પણ અમે જ પહેરાવતા હતા. દિલ્હીના ઇમ્તિયાઝ મુખ્તલીમને ડાયાબિટસ છે અને તેનું સુગર લેવલ 500 રહે છે. તેના પગ પણ કાપવા પડે એવી ખરાબ હાલત છે છતાં કોઈ દવા જ નથી આપતા. તેને ટીબી પણ છે. બહાર લઈને જાય. થોડું ચેકઅપ કરી પાછા લઈ આવે છે. હવે એ લોકો કહે છે કે ‘અપને પૈસો સે ઇન્સ્યુલીન લે કે આઓ, અપને પૈસો સે દવાઈ મંગવાઓ હમારે પાસ કુછ નહીં હૈ’

‘એક છોકરો દવા વિના જ તડપીને મરી ગયો’
‘અમારી પાસે રૂપિયા ક્યાંથી આવે? એ લોકો એ રીતે પરેશાન કરે છે. ‘ઘરેથી પૈસા મંગાવો. ‘મારી સાથે એક છોકરો હતો એ દવા વિના જ મરી ગયો. એ તડપતો હતો. એ લોકો માણસ મરી જાય ત્યારે ઉપાડીને દવાખાને લઈ જાય અને કહે કે અમે તો આની સારવાર કરાવતા હતા. આપણી એમ્બેસી પણ એટલી ‘સમજદાર’ છે કે એ પણ કાગળ ઉપાડીને કહે ‘હા, ઠીક છે. લઈ જાઓ.’જેલવાળા ઉર્દૂમાં લખેલા કાગળ લઈ આવે. ઉર્દૂ અમને આવડે નહીં. એ કહે કે તમારું કંઈક કામ છે આની ઉપર સહી કરો.’ પછી ખબર પડે કે જે માણસ મરી ગયો છે તેના વિષે લખ્યું હોય છે કે આ વ્યક્તિ બીમાર હતો તેના માટે આવ્યા છીએ. ઘણી જ મુશ્કેલીઓ થાય છે. તમને શું કહું કે પાકિસ્તાનની જેલ શું ચીઝ છે’? કોઈ મરે ત્યારે ખોટો રિપોર્ટ બનાવી દે છે. ઇન્ડિયન એમ્બેસીને બતાવે કે સર, દેખે યે બિલકુલ ક્લિયર થા. ઓન ધ સ્પોટ યે કયા હુઆ? યે અલ્લાહ કી મરજી થી, ચલા ગયા.’ અલ્લાહની જે મરજી હોય તે પણ તમારે તો કંઈ કરવું જોઈએને. એ કંઈ કરતાં જ નથી. ખાલી ગોળી ખાવાથી અલ્લાહ કેવી રીતે કોઈને બચાવશે?

‘અમુક પાકિસ્તાની કેદી ઈન્ડિયા કે હિન્દુઓને ઘણી નફરત કરે છે’
પાકિસ્તાની કેદીઓ અંગે વાત કરતા સોનુ કુમાર કહે છે કે, જેલમાં બધા કેદીઓ જ હોય છે. એકબીજાની મદદ કરે છે. અમુક પાકિસ્તાની કેદી ઈન્ડિયા કે હિન્દુઓને ઘણી નફરત કરે છે. ‘મોદીજી યે હૈ. મોદી કો હમ માર દેંગે.’ મેં કહ્યું, ‘ભાઈ, જાઓ મારી નાખો. એ શું બેઠેલા છે તમારી માટે?’ બધી આ પ્રકારની વાતો સાંભળી સાંભળીને કોઈપણ વ્યક્તિ પરેશાન થઈ જાય. શું કરી શકે? જેલવાળા તો પોતે પણ આવું બોલતા હોય છે. એ એમને શું કહેવાના?

જેલમાંથી મુક્ત થવાના એ દિવસ અંગે વાત કરતા કહે છે કે, સોમવાર, 25 ડિસેમ્બરે કહેવામાં આવ્યું કે તમારે કાલે ઘરે જવાનું છે. બીજા દિવસે હું પાકિસ્તાન તરફની વાઘા બોર્ડર પર પહોંચ્યો ત્યારે સવારના 10 વાગ્યા હતા.

2 કલાક બેસી રહ્યા પછી મને કહેવામાં આવ્યું કે ‘ઈસે વાપસ લે ચલો. ઈસે લે જા નહીં રહે હૈ. એમ્બેસીવાલોને વાઘા બોર્ડર પે BSF કે પાસ લેટર નહીં ભેજા હૈ.’

પાકિસ્તાનીએ કહ્યું, ‘હમને તો એક મહિના પહેલે ઇનકો લેટર દે દિયા થા કી એક બંદા લેકર આના હૈ. ઇનકી ગલતી હૈ. હમારી તો કોઈ ગલતી નહીં હૈ.’ મારી સામે જ તેણે ઇન્ડિયન એમ્બેસીના ઓફિસરને કહ્યું કે આપ ડેટ ચેક કરો એક મહિને પહેલે હમને આપકો કહ દિયા થા.’ પાકિસ્તાની તો હજુ પણ મને છોડવાના નહોતા.

મેં કહ્યું ‘અરે ભાઈ મારો વાંક શું છે?’ આપણી એમ્બેસીના બે ઓફિસર મારો પાસપોર્ટ લઈને ઇસ્લામાબાદથી આવ્યા હતા. મેં કહ્યું ‘ભાઈ, તમે પોતાના થઈને મને પાછો મોકલો છો. આપ પહેલે ફોન નહીં કર સક્તે થે? જબ મહિને સે બાત ચલ રહી હૈ. અબ કરવાઓ ભાઈ.’

‘હું હવે પાછો નથી જવાનો’
મેં કહ્યું, ‘હું હવે પાછો નથી જવાનો. તમે અહીં આવ્યા શેની માટે? તમારી પાસે ફોન સહિત બધું જ છે. દિલ્હી ફોન કરો કે ઓર્ડર મોકલો. હવે ક્યાં કોઈને ચિઠ્ઠી લઈને મોકલવાનો છે?’ તો કહેવા લાગ્યા કે ‘નહીં…નહીં…હમ કર રહે હૈ યાર. તું ટેન્શન ના લે. હમ તુજે ભેજ દેંગે. અભી વહા ઉન્હોંને ઓર્ડર ભેજે નહીં હૈ’. પછી તેમણે દિલ્હી ફોન કર્યો કે ‘(વાઘા)ઓર્ડર ભેજો.’ ત્યાં કોઈ (ઇન્ડિયન એમ્બેસી) સાંભળતું જ નથી. પોતાનું કામ કરે છે. આરામથી બેસે છે. શું કહું તમને? લોકોને 20-20 વર્ષ થઈ ગયાં છે. એમ્બેસીના માણસો આવીને ચા પીને જતાં રહે છે. એ લોકો (પાકિસ્તાની)તો એવા જ છે, આપણી એમ્બેસીવાળા એમના કરતાં પણ વધારે છે. બીજી તરફ ભારત તરફની વાઘા બોર્ડર પર કહેતા હતા કે અમે આને અંદર નહીં લઈએ. અમારી પાસે કોઈ લેટર નથી આવ્યો.

‘ના છોડવો હોય તો મને ગોળી મારી દો’
પાકિસ્તાની મને સુપ્રીમ કોર્ટ લઈ જતા હતા. દર વખતે 3 કે 5 મહિના બાદની તારીખ પડતી હોય છે. જજે વારંવાર ઓર્ડર કર્યો કે આને છોડી દો અને ઓળખપત્ર બનાવી દો. જેલવાળા કહેતા કે હા, છોડી દઇશું. પછી ત્યાં મારું ઓળખપત્ર બનાવી દીધું. જેને અહીં આધાર કાર્ડ કહે છે. જજે કહ્યું કે ભારત ના મોકલો તો અહીં જ છોડી દો. આને જેલમાં રાખ્યો કેમ છે? એ પછી કોઈ તારીખ જ ન આવી. હવે નવેમ્બરમાં તારીખ આવી. ત્યાં જઈને મેં કહ્યું જજ સાહેબ તમે ઓગસ્ટમાં મને છોડવાનો ઓર્ડર કર્યો હતો. આમણે હજુ સુધી નથી છોડ્યો. મારી સજા પૂરી થયે બે વર્ષ થઈ ગયાં છે. શું તમારો ઓર્ડર છે? અમારે ત્યાં સેશન્સ જજ ઓર્ડર આપે તો દુનિયા હલાવી નાખે છે. તમે સુપ્રીમના જજ છો. છ મહિના પછી પણ તારીખ જ આપો છો. સર, ના છોડવો હોય તો મને ગોળી મારી દો. મારો પરિવાર રાહ જુએ છે. અહીં પડ્યો પડ્યો હું પાગલ થઈ ગયો છું. કંઈ તો કરો.

‘એ ભલે મરે કે ક્યાંય પણ જાય’
જજે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું, ‘હું એક મહિનાનો સમય આપું છું. પછી આને ઈન્ડિયા નહીં તો પાકિસ્તાનમાં છોડી દેજો. એ ભલે મરે કે ક્યાંય પણ જાય.’ એ ડરમાં જ જેલવાળાએ મને ભારત મોકલી આપ્યો, કારણ કે એક બાંગ્લાદેશીને પણ જજે પહેલાં પાકિસ્તાનમાં છોડી મૂક્યો હતો. આમને થયું કે આને છોડી મૂકીશું તો ભાગી જશે, કોઈને મારી નાંખશે. એમ્બેસી પૂછશે કે એ વ્યક્તિ ક્યાં ગયો? આ બધી વાતો એ પણ જાણે છે આપણી એમ્બેસીને પણ ખબર છે કે આ માણસ કેમ આવ્યો તેણે શું કર્યું? કેમ એ જેલમાં છે? એમની પાસે બધા ડોક્યુમેન્ટ હોય છે. કયા કેસમાં અંદર છે? ‘

‘એ ખબર જ નહોતી પડતી કે હું મારા દેશમાં છું’
’26 ડિસેમ્બર, 2023ના બપોરના 3 વાગ્યે વાઘા બોર્ડર ક્રોસ કરીને હું ભારતમાં આવ્યો. દેશના લોકોને જોયા તો મારા જ લાગતા હતા. એ ખબર જ નહોતી પડતી કે હું મારા દેશમાં છું. એમ જ લાગતું હતું કે બધા મારા ઘરના જ લોકો છે. એટલી તકલીફો જોઈ છે કે કોઈ પારકું લાગતું જ નથી. મારો ભાઈ, બહેન અને મમ્મી મને લેવા આવ્યાં હતાં. પરંતુ ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશને મને જવા નહોતો દીધો. તેમણે કહ્યું કે અમે જમ્મુના SPને લેટર મોકલ્યો છે એ ત્યાંથી ફોર્સ મોકલશે તેમની સાથે તમને જમ્મુ મોકલીશું. એ તમને સોંપશે. ત્યાર પછી અમારા સ્થાનિક પોલીસ સ્ટેશને મારા પરિવારને બોલાવીને મને સોંપવામાં આવ્યો અને ત્યાંથી હું ઘરે આવ્યો. ત્રણ દિવસ મને પંજાબમાં રાખ્યો હતો. હું સિયાલકોટ JIC (જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર)માં 25 મહિના અને ત્યાંથી સિયાલકોટ સેન્ટ્રલ જેલમાં 2 મહિના અને ત્યાર બાદ છૂટ્યો ત્યાં સુધી કોટ લખપત જેલમાં રહ્યો હતો.’

‘લોકો કહેતા કે તું મરી ગયો છે’
‘પાકિસ્તાનમાં કંઈ લેટર લખવા આપતા નથી (એટલે કે ઘરે કોન્ટેક્ટ કરવા દેતાં નથી). પરિવારને તો મારા વિષે કંઈ જ ખબર નહોતી. 4-5 મહિના પહેલાં એમ્બેસી મારા ઘરે ગઈ હતી. તેમણે કહ્યું કે તમારો દીકરો હતો. પરિવારે કહ્યું કે હા…હા…,એ ગુમ છે. અમે તેને શોધતા હતા. તેમણે કહ્યું એના બધા ડોક્યુમેન્ટ આપો ત્યાં સુધી પરિવારને ખબર જ નહોતી હું પાકિસ્તાનમાં છું. ઘરે આવ્યો વાત થઈ ત્યારે મમ્મી કહેતી હતી કે અમને તો મળ્યો જ નહીં. લોકો કહેતા કે તું મરી ગયો છે. કોઈએ મારી નાખ્યો છે. એજન્સીમાં પણ તપાસ કરી તો કહ્યું કે અમે તો કોઈને નથી મોકલ્યા. બહુ જ શોધીને થાકી ગયા. શું કરીએ ખબર જ ના પડે. ત્યાર પછી પરિવારે મને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. BSFએ પણ ઘણો પ્રયત્ન કર્યો હતો’.

‘મારા પર સિક્રેટ એક્ટ 59નો આક્ષેપ હતો અને ત્યાં કોઈ કોઈને પૂછનાર નથી. આર્મી અને ISIનું રાજ છે. એમને થાય કે આને છોડવો છે તો છોડી દે, કોઈને જોઈને થાય કે જાસૂસીનો કેસ કરવો છે તો 59 એક્ટ લગાવી દે છે. કોઈને કહે કે આ પાગલ છે તેના પર કોઈ કલમ ના લગાવતા. તેને તો એમ જ 10-15 વર્ષ રાખીશું. એક વ્યક્તિને 4 વર્ષ થઈ ગયાં. તેમનો કોઈ નિર્ણય જ નથી કરતાં. જે ત્યાં બોલે એની પર જાસૂસીનો કેસ કરે. જે ના બોલે તેને પાગલ કરી મૂકે એમ જ રગડી નાખે’.

પરિવારમાં કોણ કોણ છે?
‘પરિવાર અંગે વાત કરું તો, બે મોટા ભાઈ અને બે મોટી બહેનો છે. હું સૌથી નાનો છું. બધાં પોત પોતાનાં કામમાં લાગેલાં છે. હું પહેલાં નાની ગાડી ચલાવતો હતો. હું નવ વર્ષ બાદ જેલમાંથી છૂટીને આવ્યો છું. પરિવારની આર્થિક હાલત વિષે તમને શું કહું?’

‘મેં 25 મહિના સુધી સૂરજ નથી જોયો. મને જમીનની નીચે રાખ્યો હતો.’

Advertisement