પ્રેમી રાત્રે બહેનને મળવા આવ્યો, પાંચ ભાઈઓ બન્નેને અલગ અલગ બાઈકમાં બેસાડી લઈ ગયા અને…
એક એવો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાંચ ભાઈઓએ મળીને પોતાની બહેન અને તેના પ્રેમીની હત્યા કરી નાખી હતી. બહેનનો પ્રેમી ઘરે અવારનવાર મળવા આવતો હતો. જેમાં ભાઈઓએ બહેનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, જ્યારે તેના પ્રેમીને ગોળી ધરબી દઈને મોતને ઘાટ ઉતાર્યો હતો.
રુંવાટા ઉભા કરી દેતો મામલો મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચોપડા શહેરનો છે. એક સગો ભાઈ અને ચાર પિતરાઈ ભાઈએ ભેગા થઈ રક્ષાબંધનના બે દિવસ બાદ બહેન અને તેના પ્રેમીની હત્યા કરી નાખી હતી. બહેનના પ્રેમપ્રકરણના કારણે સમાજમાં બદનામી થઈ રહી હતી, આ કારણ દર્શાવીને સગીર સગા ભાઈએ તેના અન્ય ચાર ભાઈઓ સાથે મળીને બહેન અને તેના પ્રેમીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મુખ્ય આરોપીએ પોલીસ સ્ટેશન જઈને આત્મસમર્પણ કર્યું હતું.
ચોપડા ગામે રહેતો 22 વર્ષીય યુવક રાકેશ સંજય રાજપૂત 20 વર્ષીય વર્ષા સાધન કોલી નામની યુવતીને પ્રેમ કરતો હતો. બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ઓળખતા હતા. કેટરિંગનું કામ કરતો રાકેશ પણ વર્ષાના ઘરે આવતો જતો હતો. પરિવારજનો આ સંબંધનો વિરોધ કરતા હતા. જેના કારણે રાકેશનું અવારનવાર ઘરે આવવું તેમને પસંદ ન હતુ. તેમને લાગતું હતું કે આ કારણે સમાજમાં પણ તેમની બદનામી થઈ રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગઈ 12 ઓગસ્ટની રાત્રે પણ રાકેશ વર્ષાને મળવા ઘરે આવ્યો હતો. વર્ષાના સગા નાના ભાઈને રાકેશ સાથે આ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેના અન્ય પિતરાઈ ભાઈ પણ આવ્યા હતા.
પાંચેય ભાઈઓેએ વર્ષા અને રાકેશને બે અલગ અલગ બાઇક પર બળજબરીથી લઈ ગયા હતા. અને એક જગ્યાએ બાઈક રોકી તેઓએ રાકેશને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું.
બહેન તેના પ્રેમીને બચાવવા માટે આજીજી કરતી રહી, પરંતુ ભાઈઓએ તેની વાત સાંભળી નહીં. આટલું જ નહીં વર્ષાના સગા ભાઈએ રાકેશને ગોળી મારી દીધી. આ પછી પણ જ્યારે તે ફરીથી ઉભો થયો ત્યારે બીજા ભાઈએ તેને માથામાં ગોળી મારી દીધી હતી. બાદમાં ભાઈઓએ ભેગા થઈ રૂમાલની મદદથી વર્ષાનું પણ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.