રીબડાના માજી ધારાસભ્ચ મહિપતસિંહ જાડેજાનું નિધન, એક સમયે વાગતી હતી તેમની હાક, જુઓ તસવીરો

પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું આજે સવારે નિધન થયું છે. મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા. મહિપતસિંહ જાડેજા ગોંડલ તાલુકાનું રીબડા ગામનું બહુચર્ચિત નામ છે. તેમના નિધનથી ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે. મહિપતસિંહ જાડેજા તેમના આગવા મિજાજ માટે જાણીતા હતા.

Advertisement

સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ મહિપતસિંહ જાડેજા
મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના પ્રમુખ રહી ચૂક્યા છે.

Advertisement

અનોખી રીતે ઉજવ્યો હતો 83મો જન્મદિવસ
મહિપતસિંહ જાડેજાએ 83મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે જન્મદિવસની પોતાના મરસિયા સાંભળીને ઉજવણી કરી હતી. મહિપતસિંહ જાડેજાએ તે સમયે કહ્યું હતું કે, કોઇ માણસ મૃત્યુ પહેલા મરસિયા સાંભળી ન શકે પરંતુ તેમણે જીવન જીવી લીધું છે અને હવે તેની મરસિયા સાંભળવાની ઇચ્છા છે. ક્ષત્રિય સમાજના મહિપતસિંહ પોતાના મરસિયા ગવડાવ્યા હતા. લોકસાહિત્યના અનેક કવિઓએ આ મરસિયા ગાયા હતા. તેની સાથે સાથે મહિપતસિંહ વતન રીબડાની 111 દિકરીઓને કન્યાદાન પણ કર્યું હતું. મહિપતસિંહ જીવતું જગતિયુ કર્યું હતું.

ગરાસદારીની ચળવળ અને મહિપતસિંહની વટ, વચનની કહાની શરૂ થઈ
ગોંડલના રાજકીય ઇતિહાસની વાત કરવી હોય તો એમાં સૌથી પહેલું નામ આવે મહિપતસિંહ ભાવુભા જાડેજાનું. ગીરાસદારો ચળવળ, સરકારી ચોપડે બહારવટુથી લઈ છેક ધારાસભ્યપદે પહોંચવાની તેમની રોમાંચક ગાથામાં ડોકિયું કરીએ તો 1947માં દેશની આઝાદી બાદ 1949માં ભાડવાબાપુ દ્વારા ગરાસદારી ચળવળ સત્યાગ્રહરૂપે શરૂ કરાઇ. આ ખેડૂતો અને ગરાસદારો વચ્ચેનું આંદોલન હતું. મહિપતસિહ જાડેજાની વટ, વચનની કહાની ત્યાંથી શરૂ થઈ. ગરાસદારી ચળવળ અંતર્ગત 1952માં તેમની ધરપકડ થઈ. એક ઘા અને બે કટકાનો મિજાજ ધરાવતા મહિપતસિંહને એ સંદર્ભે 1957માં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરાયા. સરકાર દ્વારા ફરી 1963માં ત્રણ જિલ્લામાંથી હદપાર કરાયા, પરંતુ હાઇકોર્ટે તેમની માનહાની અંગે સરકારે વળતર ચૂકવવા આદેશ સાથે નિર્દોષ જાહેર કર્યા.

જ્યારે મહિપતસિંહ લૂંટારાઓને જીપ પાછળ બાંધી પોલીસ સ્ટેશન લઈ ગયા
1986માં સૌરાષ્ટ્રભરમાં ચડ્ડીબનિયાનધારી ગેંગ દ્વારા તરખાટ મચાવાયો હતો. સૌરાષ્ટ્રમાં 17 જેટલા પેટ્રોલ પંપ પર ત્રાટકી લૂંટ કરી ચડ્ડીબનિયાનધારી ગેંગે પોલીસની ઊંઘ હરામ કરી હતી, રીબડામાં મહિપતસિંહના પેટ્રોલ પંપ પર અઢારમી લૂંટ માટે ગેંગ ત્રાટકી લૂંટને અંજામ આપે એ પહેલા મહિપતસિંહે ગેંગના 16 પૈકી બે લૂંટારાને ઝડપી લઇ પોતાની જોંગોજીપ પાછળ બાંધી તાલુકા પોલીસને સોંપી પોલીસને હંફાવતી ચડ્ડીબનિયારધારી ગેંગને મર્દાનગી સાથે નેસ્તનાબૂદ કરી હતી.

ગાડીના ફોરમેન તરીકે નોકરી કરી ને રીબડાના સરપંચ બન્યા
વારંવારની હદપારી દરમિયાન પરિવારના જીવનનિર્વાહની જવાબદારી પણ નિભાવી, ગોવાના મઢગાંવ પાસે એસ. કાંતિલાલ કંપનીમાં ગાડીના ફોરમેન તરીકે અને ભાવનગરમાં પણ નોકરી કરી. એ સમયે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા હેવી લાઇસન્સધારકો માટે ટ્રક લોન બહાર પડેલી, લોન મેળવી ટ્રક ખરીદી, સંઘર્ષના દિવસો પણ દિલેરીથી વિતાવ્યા મહિપતસિંહ વર્ષો સુધી રીબડાના સરપંચ રહ્યા.

1980માં ગોંડલ તા.પંચાયતની સત્તા મેળવી
પરંતુ હવે તેમણે રાજકીય ક્ષેત્રે એક ડગલું વધુ આગળ વધવાનો નિર્ણય કર્યો અને 1980માં તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા અને ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. 1986 સુધી તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતા.

22 વર્ષના અનિરુદ્ધસિંહે તત્કાલીન MLAની હત્યા કરી રાજકીય રસ્તો તૈયાર કર્યો
ત્યાર બાદ તેમણે ધારાસભા ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી, પરંતુ આ સમયે ગોંડલમાં કોંગ્રેસના પોપટ લાખા સોરઠિયાનો ડંકો વાગતો હતો. તેઓ 1975થી 1980 અને 1985માં બીજી ટર્મથી ચૂંટાયા હતા. જેથી મહિપતસિંહ માટે પોપટભાઈ સોરઠિયા કાંટારૂપ હતા અને તેમને હટાવી દેવા માટે મહિપતસિંહના 22 વર્ષના દીકરા અનિરુદ્ધસિંહે 15મી ઓગસ્ટ, 1988ની સવારે ગોંડલની સંગ્રામજી હાઇસ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન ગોળી મારી હત્યા કરી દીધી. આ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

1990માં મહિપતસિંહને મળી ગોંડલની ગાદી
પોપટ લાખા સોરઠિયાની હત્યા બાદ 1990માં વિધાનસભા ચૂંટણીઓ થઈ અને અપક્ષમાંથી મહિપતસિંહ જાડેજા ચૂંટણી જંગમાં ઊતર્યા. આ ચૂંટણીમાં કોંગ્રેસના મધુસૂદન દોંગા સામે તેમની 10,000 મતથી જીત થતાં પહેલીવાર ધારાસભામાં પહોંચ્યા. ત્યાર બાદ 1995માં પણ તેઓ ભાજપના રમેશ સોજીત્રાને હરાવી અપક્ષમાંથી ધારાસભ્ય બન્યા.

કેશુભાઈએ મુખ્યમંત્રીપદના શપથ લીધા ને ગોંડલમાં મર્ડર થયું
તો બીજી તરફ ગુજરાતમાં પહેલીવાર ભાજપ સત્તામાં આવ્યો, કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. કેશુભાઈએ 14 માર્ચે મુખ્યમંત્રીપદના શપથ લીધાના એક દિવસ બાદ એટલે કે 15-3-1995ના રોજ ગોંડલ નગરપાલિકાના સભ્ય અને ગોંડલ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર જયંતી મોહનલાલ વાડોદરિયા(ઉં.વ.32)ની આશાપુરા ડેમ પાસે હત્યા કરવામાં આવી.

મહિપતસિંહને હરાવવા કેશુભાઈએ ગેમપ્લાન બનાવ્યો
1998માં વિધાનસભા ચૂંટણી આવી અને હવે ભાજપ માટે આ સીટ જીતવી જરૂરી હતી અને 1980માં આ સીટ પરથી ધારાસભ્ય બનેલા કેશુભાઈ ગોંડલની રગરગથી વાકેફ હતા અને તેઓ હવે મુખ્યમંત્રી પણ બની ગયા હતા. આથી 1998ની ચૂંટણીમાં ભાજપમાંથી વિનુ શિંગાળાએ ટિકિટ માગી, પરંતુ કેશુભાઈના મનમાં કોઈ બીજો જ પ્લાન ઘડાઈ ચૂક્યો હતો. તેમણે મહિપતસિંહના એકચક્રી શાસનનો અંત આણવા લોઢા સામે લોઢાનો નિયમ ગાંઠે બાંધી લીધો.

2002 પછી ક્યારેય ચૂંટણી ન લડ્યા
તે સમયે હાલ જયરાજસિંહના વિરોધી જૂથમાં રહેલા જયંતિ ઢોલે જ કેશુભાઈને એક યુવાનનું નામ સૂચવ્યું. તે યુવાન એટલે બીજુ કોઈ નહીં પણ હાલ તેમના વિરોધી એવા જયરાજસિંહ. આથી કેશુભાઈએ તે સમયના તરવરિયા યુવાન અને મૂળ હડમતાળા ગામના રહેવાસી એવા સમૃદ્ધ ખેડૂત ટેમુભા જાડેજાના દીકરા જયરાજસિંહને ચૂંટણી જંગમાં ઉતાર્યા. જયરાજસિંહ પર કેશુભાઈએ લગાવેલો દાવ સફળ રહ્યો અને પહેલીવાર મહિપતસિંહને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ 2002માં પણ જયરાજસિંહે NCPમાંથી ચૂંટણી લડી રહેલા મહિપતસિંહને હરાવી દીધા. 2002 બાદ તેઓ ક્યારેય ધારાસભાની ચૂંટણી લડ્યા નહોતા.

Advertisement

Leave a Reply

error: Content is protected !!