માત્ર 9 ચોપડી ભણેલા પિતાએ ગામે ગામ ફરી વાસણો વેચી સંતાનને ડે.કલેકટર, TDO, તબીબ અને વકીલ બનાવ્યાં
ધરમપુરના ફ્રુટનો વેપાર કરી બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવનારા પિતાના આજે સરકારી વિભાગમાં ફરજ બજાવતા અધિકારી સંતાનો પિતાની સંઘર્ષમય ગાથા વર્ણવી પિતાને વર્લ્ડના બેસ્ટ ફાધર ગણાવી પિતા પ્રત્યેની લાગણી અભિવ્યક્ત કરી આદરભાવ વ્યકત કરી રહ્યા છે. ફ્રૂટના વેપારી રામકુમાર યાદવ 1983માં ધરમપુર ગ્રામ્ય વિસ્તારમાં વાસણ તથા ફ્રુટનો ફેરી ફરી નાના વેપાર સાથે સ્થાઇ થઈ શરૂઆતમાં સંઘર્ષ સાથે પરીવારનું ગુજરાન ચલાવી નબળી આર્થિક પરિસ્થિતિમાં ત્રણ પુત્ર અને પુત્રીને ઉચ્ચ શિક્ષણ અપાવવા કટિબદ્ધ થયા હતા.
અનેક પડકારોનો સામનો કરી તકલીફો ઉઠાવી સંતાનોને અભ્યાસ સમયમાં સતત પ્રેરણા અને માર્ગદર્શન પુરી પાડ્યુ હતું. આજે તેમનો પુત્ર વિશાલ યાદવ GPSCમાં 15મો ક્રમ મેળવી ડે. કલેકટર બની નવસારીમાં જીલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવે છે. દીકરી ભાવના યાદવ ગણદેવીમાં ટીડીઓ છે. વિકાસ યાદવ એડવોકેટની પ્રેક્ટિસ કરે છે. રાહુલ યાદવ તબીબ બન્યા છે. માત્ર ધો.9 સુધી ભણેલા રામકુમાર યાદવનો પુરુષાર્થ આજે દુનિયાના અનેક પિતાઓ માટે એક પ્રેરણાદાયક છે.
વર્ષો સુધી સાયકલ ઉપર રોજ ગામડાંમાં 40 કિમી ફરીને વાસણો વેચ્યા…
અર્થોપાર્જન માટે વતન ઉત્તરપ્રદેશથી પિતા ધરમપુર આવી સ્થાયી થયા હતા. ચાર સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમણે તનતોડ મહેનત કરી. અનેક વર્ષો સુધી રામકુમારે ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ સાયકલ ઉપર 40 કિમી સુધી વાસણો વેચીને સંતાનને ઉચ્ચ શિક્ષણ આપ્યું હતું. હવે જ્યારે તેમના બાળકો સારા હોદ્દા ઉપર સેટ થતા તેઓ ધરમપુરમાં દુકાનમાં ફ્રુટનું વેચી રહ્યા છે.
દીકરી છતાં પિતાની નજરમાં હંમેશા દીકરા સમાન
હું જન્મે દીકરી હતી. પરંતુ પિતાની નજરમાં હંમેશા દીકરા સમાન રહી. અમારા રૂઢિચુસ્ત સમાજમાં કેટલાક કિસ્સાઓમાં જયાં દીકરીઓને ભણતરથી વંચિત રાખે છે. એવા સંજોગોમાં મારા પિતાએ મને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અપાવી સારા હોદ્દા સુધી પહોચાડી છે. આજે જયાં પણ છું તે મારા પિતાની ઈચ્છા અને આત્મવિશ્વાસ થકી છું. ભગવાન સ્વરૂપ મારા પિતાની હું એક માત્ર દીકરી છું. – ભાવના યાદવ, TDO ગણદેવી
સ્વભાવે કઠોર પરંતુ અંદરથી એટલા જ લાગણી શીલ
પિતાશ્રી પ્રેરણાના સ્ત્રોત છે. ઓછું ભણેલા પિતાએ અભ્યાસમાં કોઈ પણ પ્રકારની અગવડ નહીં થવા દીધી હતી. સતત માર્ગદર્શન આપવા સાથે પ્રેરિત કરતા રહ્યા છે. સ્વભાવે કઠોર પરંતુ અંદરથી એટલાજ લાગણીશીલ અને ભાવુક છે. પુત્ર હોવાનું ધન્યતા અનુભવું છે. – વિશાલ યાદવ, જીલ્લા પુરવઠા અધિકારી, નવસારી
દરેક જન્મે હું પુત્ર, તેઓ મને પિતા સ્વરૂપે મળે
આજે અમે જે કંઈ પણ છીએ તે પિતાજીના અથાક પરિશ્રમ અને સંઘર્ષના કારણે જ છે.એક પુત્ર તરીકે એમનું ઋણ અમે લાખ પ્રયત્ન કરીએ તોય નહિ ચૂકવી શકીએ. હું ઈશ્વરને એ જ પ્રાર્થના કરું છું કે દરેક જન્મે હું એમનો પુત્ર અને એ મને પિતા સ્વરૂપે મળે. ચાર સંતાનોને પોતાના મોજ સોખ મારીને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. – રાહુલ યાદવ , તબીબ
પિતાના જીવનભરના સંઘર્ષને ક્યારેય ભુલીશ નહીં
બાળપણમાં મિત્રની સાયકલ પર પાછળ બેસી નિશાળે જતા નિહાળી નબળી આર્થિક પરિસ્થિતિમાં સાયકલ અપાવી હતી. મારી ખુશીમાં પોતાનું સુખ જોનારા મારા પિતાનો હું મોટો પુત્ર પિતાના સંઘર્ષને ક્યારેય ભુલીશ નહીં. કપરી સ્થિતિમાં મારા અભ્યાસમાં કોઈ કચાસ નહીં રાખી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી વકીલ બનાવ્યો છે. પિતાના આશીર્વાદ અમને બહેન- ભાઈઓને ફળ્યા છે. નસીબદારને આવા પિતા મળે છે. – વિકાસ યાદવ, એડવોકેટ