ખૂબજ રોચક છે સર્વેશ્વર મહાદેવનો ઇતિહાસ, 27 વર્ષ પહેલાં સુરસાગર તળાવમાંથી બાંધકામ નીકળ્યું ને બની ગઈ સુવર્ણજડિત વિશ્વની પહેલી પ્રતિમા
નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે મહાશિવરાત્રિના પાવન દિવસે ઐતિહાસિક અવસર આવ્યો છે. શહેરના મધ્યબિંદુ સુરસાગરના મધ્યમાં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી વડોદરાની ઓળખસમી ભવ્ય પ્રતિમાને 17.5 કિલોગ્રામ સોનાથી તૈયાર કરવામાં આવી છે. વિશ્વમાં પ્રથમ વડોદરામાં ખુલ્લા આકાશ નીચે તૈયાર કરવામાં આવેલી આ સુવર્ણજડિત શિવજીની પ્રતિમા આજે એટલે કે 18 ફેબ્રુઆરી-2023ના રોજ દેવાધિદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના પાવન દિવસે લોકાર્પિત કરાશે.
આ સુવર્ણજડિત શિવજીની પ્રતિમા વડોદરા ટૂરિઝમની નવી આકાર લેતી સર્કિટનું મહત્ત્વનું કેન્દ્ર બની જશે. શિવજીની આ પ્રતિમા કેવી રીતે બની અને એને બનાવવા માટે કોણે સંકલ્પ કર્યો હતો એ અંગે જાણવા મિડીયાએ ધારાસભ્ય યોગેશ પટેલ અને મૂર્તિ બનાવનારા નરેશ વર્મા સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી.
‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ જેવી ઓળખ ઊભી થશે
આ અંગે મૂર્તિકાર નરેશ વર્માએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સુરસાગરના મધ્યે 111 ફૂટ ઊંચી સોનાની શિવજીની પ્રતિમા ખુલ્લા આકાશ નીચે હોય તો એ માત્ર વડોદરામાં બની છે. દેશમાં જેમ સુવર્ણ મંદિર અને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની આગવી ઓળખ છે, જેમાં વડોદરાના સુરસાગર મધ્યે આકાર લેનારી સુવર્ણજડિત શિવજીની પ્રતિમાનો ઉમેરો થયો છે. જે રીતે દેશ-વિદેશના લોકો જે રીતે સુવર્ણ મંદિર અને‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ જોવા માટે જાય છે એ રીતે સુવર્ણજડિત શિવજીની પ્રતિમા જોવા માટે આવશે.
પિતાએ પંચધાતુની મૂર્તિ બનાવી તો 26 વર્ષ બાદ દીકરાએ એને સોનેથી મઢી
નરેશ વર્માએ સુવર્ણજડિત શિવજીની પ્રતિમા બનાવવાને સૌભાગ્ય માનતાં જણાવ્યું હતું કે 1997માં જ્યારે પંચધાતુની 111 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા બનાવવાનું કામ મારા પિતા અને ગુરુ માંટુરામને સોંપવામાં આવ્યું હતું, ત્યારે હું તેમની સાથે વડોદરા આવ્યો હતો. એ સમયે મારી ઉંમર માત્ર 19 વર્ષની હતી. હું એ સમયે વડોદરામાં 4 વર્ષ રોકાયો હતો અને ત્યાં મારો અભ્યાસ કરવા સાથે શિવજીની પ્રતિમા બનાવવા માટેનું સુપરવિઝન કર્યું હતું. મારા પિતા અને ગુરુ એવા માંટુરામના માર્ગદર્શન હેઠળ પંચધાતુની 111 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં મને જે અનુભવ મળ્યો એનાથી હવે એમાં અપડેશન લાવીને દેશ-વિદેશમાં પ્રતિમાઓ બનાવી રહ્યો છું.
શિવજીની મૂર્તિને આ રીતે મઢી સોનાથી
નરેશ વર્માએ મૂર્તિ બનાવવામાં લાગેલા સમય, વજન, કોપર, ઝિંકના ઉપયોગ તથા કારીગરો અંગે વાત કરતાં કહ્યું હતું કે સુરસાગર સ્થિત શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું કામ હાથ ઉપર લીધું ત્યારે હું બહુ ઉત્સાહી હતો. આ પ્રતિમા ઉપર પ્રથમ ઝિંક અને કોપરના બે-બે ઢોળ ચઢાવવામાં આવ્યા છે. બાદમાં એના પર કોપરનું પતરું લગાવવામાં આવ્યું છે અને એનાં પતરાં ઉપર સોનાથી મઢવામાં આવી છે. મૂર્તિમાં 700 કિલો ઝિંક અને 1500 કિલો કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે મૂર્તિનું કુલ વજન 2500 મેટ્રિક ટન છે. આ કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કામગીરી માટે 30 કારીગરોએ રાત-દિવસ મહેનત કરી છે. સમયાંતરે હું વડોદરા આવીને પ્રતિમાનું નિરીક્ષણ કરતો હતો અને જરૂર જણાય ત્યાં કારીગરોને માર્ગદર્શન આપતો હતો.
વીજળી સીધી જમીનમાં ઊતરી જશે, મૂર્તિને ઊની આંચ પણ નહીં આવે
આ પ્રતિમા બનાવવા અંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે દેશમાં જ નહીં, પણ દુનિયામાં સોનાથી મઢેલી પ્રતિમાઓ મંદિરો સહિત અન્ય ધાર્મિક સ્થાનોમાં છે, પરંતુ ખુલ્લા આકાશ નીચે 111 ફૂટ ઊંચી સુવર્ણજડિત પ્રતિમા એકમાત્ર વડોદરામાં હશે. શ્રી સર્વેશ્વર મહાદેવની મહાશિવરાત્રિ પર્વે લોકાર્પિત થનારી સુવર્ણજડિત પ્રતિમાની જાળવણી માટે સત્યમ-શિવમ-સુંદરમ ટ્રસ્ટ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. શિવજીની પ્રતિમાને વીજળીથી રક્ષણ માટે લાઈટિંગ એરેસ્ટર મૂકશે, જેને કારણે વીજળી સીધી જમીનમાં ઊતરી જશે.
પ્રતિમા પર પક્ષીઓ બેસી નહીં શકે
શ્રી સર્વેશ્વર મહાદેવજીની 111 ફૂટની પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું કાર્ય પૂર્ણ થઈ ચુક્યું છે. આ પ્રતિમા પર પક્ષીઓ બેસી બગાડે નહીં એ માટે અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવશે. જે થોડી થોડી વારે વાગશે, જેથી પક્ષીઓ ઊડી જશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રતિમા પાસે બે એલપીજી ગન મુકાશે. જે થોડા થોડા સમયમાં ધડાકા કરશે, જેથી પક્ષીઓ ઊડી જશે, સાથે સાથે પ્રતિમાની શોભા વધારવા ચેન્નઈથી વિશેષ લાઈટ મગાવાઈ છે. શિવજીના મુખથી લઈ ચરણો સુધી આ લાઈટિંગ થશે.
તળાવમાંથી બાંધકામ નીકળ્યું ને મૂર્તિની પ્રેરણા થઈ
એક સમયે જેનું નામ ચંદન તલાવડી હતું એવા સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનો ઇતિહાસ ખૂબ રોચક છે. 1996માં ઉનાળા સમયે સુરસાગરની સફાઇ હાથ ધરવામાં આવી હતી અને પાણી ઉલેચવામાં આવ્યું હતું. આ સમયે સુરસાગરના મધ્યમાં એક જૂના બાંધકામનું માળખું નજરે પડ્યું હતું. આ માળખાને પુરાતત્ત્વવિદ ડો.આર.એન.મહેતાએ સંશોધન કરીને તારણ આપ્યું હતું કે અહીં વર્ષો અગાઉ શિવાલય રચવાનું કાર્ય આરંભાયું હતું. જે-તે સમયે કોઈ કારણસર એ કામ અધૂરું રહ્યું હશે. ત્યારે શિવજી પ્રત્યે અપાર આસ્થા ધરાવતા ધારાસભ્ય યોગેશ પટેલને સાવલીવાળા સ્વામીજીની આજ્ઞા યાદ આવી. સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ વડોદરાના દેવાધિદેવ શિવજીની મહાપ્રતિમાનું નિર્માણ થાય અને પ્રત્યેક શિવરાત્રિએ શિવજીની સવારી નીકળે એવી ઇચ્છા દર્શાવી હતી.
શ્રી સર્વેશ્વર મહાદેવના નામને પ્રમુખસ્વામીએ સ્વીકૃતિ આપી
દેવાધિદેવ મહાદેવની 111 ફૂટ ઊંચી મહાકાય પ્રતિમા તૈયાર થતાં લોકાર્પણ પૂર્વે મૂર્તિની સ્થાપનાના જનક સત્યમ્ શિવમ સુંદરમ્ સમિતિ દ્વારા મહાદેવની નામધીકરણ માટે પ્રજાજનો-ભક્તો પાસેથી નામો મગાવવામાં આવ્યાં અને શ્રી સર્વેશ્વર મહાદેવના નામને બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામીજી મહારાજ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી હતી.
‘શિવજી કી સવારી’ અને સાવલીવાળા સ્વામીનું કનેક્શન
સાવલીવાળા સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ બીજી પણ એક લાગણી વ્યકત કરી હતી કે દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી “શિવજી કી સવારી” જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ નીકળવી જોઇએ. યોગેશ પટેલે આ સંકલ્પની પૂર્ણતા માટે મહાકાય નંદી પર સવાર શિવ પરિવારની મૂર્તિના નિર્માણનું કાર્ય પુન: નરેશ માટુંરામ વર્માને સોપ્યું. નરેશ વર્માએ પંચધાતુમાંથી તૈયાર થયેલી મહાનંદી પર સવાર સાડાઆઠ ટનની બેનમૂન-જીવંત લાગતી પ્રતિમા તૈયાર કરી અને રથ પર એને આરૂઢ કરવામાં આવી. વર્ષ 2013થી ‘શિવજી કી સવારી’ની નવી જ પરંપરાનો પ્રારંભ થયો. પહેલી જ યાત્રામાં શહેરના લાખો શિવભક્તો આ યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી. 2013થી ‘શિવજી કી સવારી’વડોદરાનું વધુ એક નજરાણું બની.
2007માં યોગેશ પટેલે સુવર્ણજડિત મૂર્તિનો સંકલ્પ રજૂ કર્યો
2007માં ધારાસભ્ય યોગેશ પટેલે મિત્રો સમક્ષ શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી આદર્શીનીય પ્રતિમાને સુવર્ણજડિત કરવાનો સંકલ્પ રજૂ કર્યો તો શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યકત કરી અને ઇતિહાસ રચાયો. યોગાનુયોગ 5 ઓગસ્ટ 2020ના દિને એકબાજુ અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો. તો બીજી બાજુ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાના ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.
સુસવાટાભર્યા પવનમાં પણ ડોલે નહીં એવી પાલખ બનાવી
111 ફૂટ ઊંચી પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાનું કામ ખૂબ જ મહેનતભર્યું હતું. સુસવાટાભર્યા પવનમાં પણ ડોલે નહીં એવી પાલખ બનાવતા સમય ગયો અને ત્યાર બાદ પ્રતિમાને સુવર્ણ આવરણથી આભૂષિત કરાતાં પૂર્વે કેમિકલથી સફાઇ કરી ઝિંકનું પ્લેટિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઝિંક પર કોપરનું લેયર ચઢાવવામા આવ્યું હતું અને કોપરના પાતળાં પતરાં મઢી સુવર્ણ આવરણ માટે સુવર્ણનો ઢોળ ચઢાવવાનું શરૂ કરાયું. ઓડિશાના સિદ્ધરત્ન કારીગરોએ રાત-દિવસની મહેનત કરી કોરોનાકાળથી ડર્યા વિના વડોદરા શહેરને સુવર્ણજડિત પ્રતિમાની ભેટ આપવા રીતસરનો યજ્ઞ આરંભ્યો. ગત વર્ષે મહાશિવરાત્રિના પર્વે શ્રી સર્વેશ્વર મહાદેવના સુવર્ણજડિત દેદીપ્યમાન મુખારવિંદના વડોદરાવાસીઓએ દર્શન કર્યા હતા.
12 કરોડના ખર્ચને પહોંચી વળવા અમેરિકાથી દાન મળ્યું
સાત સમંદર પાર અમેરિકામાં સ્થાયી મહાદાતા ડો.કિરણ પટેલ અને દેશ-વિદેશના અનેક દાતાઓએ 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલો ગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના રૂપિયા 12 કરોડના અંદાજિત ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન આપ્યું અને આખી પ્રતિમા સંપૂર્ણપણે સુવર્ણજડિત થઈ, જેનું લોકાર્પણ 18 ફેબ્રુઆરી 2023ના રોજ મહાશિવરાત્રિની સંધ્યાએ થશે.
મહામૂર્તિ બનાવવા જ્યોતિષ વિજ્ઞાનથી લઈ ગ્રહ વિજ્ઞાનની મદદ લીધી
જે રીતે આ મહામૂર્તિને બનાવવામાં અંકશાસ્ત્રી, જ્યોતિષ વિજ્ઞાન, ગ્રહ વિજ્ઞાન, રંગ વિજ્ઞાન, સ્પંદનશાસ્ત્ર અને રાશિ-કુંડળીનો સહારો લેવામાં આવ્યો છે એ જ રીતે સુવર્ણજડિત પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી લોકાર્પણ થવા જઈ રહ્યું છે. પ્રતિમાના પેડસ્ટ્રલને બ્લેક ગ્રેનાઇટથી રી-સ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે. પેડેસ્ટ્રલ, પ્લેટફોર્મ અને સ્તંભોની રચના અષ્ટસિદ્ધિ યંત્ર વિદ્યા પર તૈયાર કરવામાં આવી છે.
મહાકાય નંદી પર બિરાજી શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે
મહાશિવરાત્રિના બપોરે 3-30 કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર, માર્કેટ, દાંડિયાબજાર થઇ સાંજે 7 કલાકે સુરસાગર પહોંચશે, જ્યાં 7-15 કલાકે મહાઆરતી યોજાશે. એમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે અને મુખ્ય મહેમાનો દ્વારા સુવર્ણજડિત પ્રતિમા ખુલ્લી મુકાશે.