CA ફાઈનલમાં સુરતી વિદ્યાર્થિનીનો ધમાકો, દેશભરમાં ત્રીજો ક્રમાંકે આવી, આવી રીતે મેળવી સફળતા
વર્ષ 2022માં લેવાયેલી ઓલ ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતની સૃષ્ટિ સંઘવીએ દેશભરમાં ત્રીજો ક્રમ મેળવીને સુરત સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. સૃષ્ટિએ જણાવ્યું હતું કે અઘરા વિષયોને તે ઇન્ટરેસ્ટિંગ બનાવીને પહેલા દિવસથી જ તૈયારી કરતી હતી. 2018માં ધોરણ 12 પાસ કર્યા બાદ ચાર વર્ષમાં જ તેણે સીએની પરીક્ષા પાસ કરી છે. આગામી સમયમાં તેની પાસે ઘણા બધા ઓપ્શન છે. જેથી તે કોર્પોરેટમાં પણ જોડાઈ શકે છે
12.59 ટકા પરિણામ આવ્યું
દેશભરમાંથી સીએના બંને ગ્રુપ-1 અને 2માં 29,348 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં દેશભરમાંથી 3,695 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 12.59 ટકા પરિણામ આવ્યું છે. જેમાંથી સૃષ્ટિ સંઘવીને દેશભરમાં ત્રીજો ક્રમ મેળવવામાં સફળતા મળી છે. સૃષ્ટિને 800માંથી 611 માર્ક્સ આવ્યા છે.
પરિવારમાં મોટાભાગના સભ્યો સીએ
સૃષ્ટિ સંઘવીના પરિવારમાં દાદા અશ્વિન સંઘવી, પિતા કેયુર સંઘવી, કાકા સીએ છે અને ફિયાન્સ હર્ષ પણ સીએની પ્રેક્ટિસ કરે છે. સૃષ્ટિએ જણાવ્યું હતું કે પરિવારમાં મોટાભાગના જ સભ્યો સીએ હોવાથી મને પહેલે દિવસથી જ એટલે કે બાળપણથી જ સીએ બનવાની ઈચ્છા હતી અને એ પ્રમાણે જ હું તૈયારી કરતી હતી. જેના કારણે આજે સફળતા મળી છે. તેમાં પરિવારનો અને શિક્ષકોનો પૂરતો સહયોગ રહ્યો છે. પરિવારના દરેક સભ્યો મને માર્ગદર્શન પણ આપતા હતા.
ઇન્ટરમિડીયેટમાં 10મો ક્રમ હતો
સીએની ઇન્ટરમિડીયેટમાં અગાઉ સૃષ્ટિનો દસમો ક્રમ ઓલ ઇન્ડિયામાં આવ્યો હતો. ત્યારથી તે સતત તૈયારી કરતી હતી. રોજના 10 થી 12 કલાક તૈયારી કરતી હતી. આર્ટીકલશિપના ત્રણ વર્ષ દરમિયાન પણ તેણે તૈયારી કરતી હતી. જેના કારણે આ સફળતા મળી છે.
પપ્પા મોટીવેટ કરતા હતા
સૃષ્ટિના પપ્પા કેયુરભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે મેં ક્યારેય મારી બંને દીકરીઓને ફોર્સ કર્યો નહોતો. સૃષ્ટિ મારી મોટી દીકરી છે તેને પહેલેથી જ સીએ લાઈનમાં આગળ વધવાની ઈચ્છા હતી. જેથી તેને અમે મોટીવેટ કરતા હતા તથા જરૂર પડે તો માર્ગદર્શન પણ આપતા હતા.
છ મહિના સોશિયલ મીડિયાથી દૂર રહી
સૃષ્ટિએ જણાવ્યું હતું કે તે ડાન્સનો શોખ ધરાવે છે. પરીક્ષા દરમિયાન પણ તે ડાન્સ રિલેક્સ થવા માટે કરતી હતી. પરંતુ છેલ્લા છ મહિના તેણે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપરથી એક્ટિવ રહેવાનું છોડી દીધું હતું અને પૂરું ફોકસ તૈયારીઓ ઉપર લગાવી દીધું હતું.
ફિયાન્સનો પણ પૂરતો સપોર્ટ મળ્યો
સૃષ્ટિએ કહ્યું કે તેના ફિયાન્સ હર્ષ દ્વારા પૂરતો સપોર્ટ મળ્યો હતો. તેણે હમણાં જ સી.એ કમ્પ્લીટ કર્યું હોવાથી તેની પાસે કોઈ ડાઉટસ હોય તો સોલ્વ કરવાનું મોકો મળતો હતો અને તે પણ મને કહેતા હતા કે કઈ રીતે આ અઘરી ગણાતી પરીક્ષાને આપણે ક્લિયર કરી શકીએ.
રિવિઝનથી સફળતા મેળવી
સૃષ્ટિએ જણાવ્યું હતું કે સીએનો અભ્યાસક્રમ ખૂબ વિશાળ છે. જેથી તેને સતત રિવિઝન કરવું જોઈએ. રિવિઝન વગર આ પરીક્ષા ક્લિયર કરવી ખૂબ અઘરી થઈ જાય છે. સાથે જ ઓડિટ જેવા અઘરા વિષયને પણ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે તમારે પહેલેથી જ ગોલ રાખવો પડે છે તથા જુના પેપરને પણ સોલ્વ કરવા પડે છે. સતત પેપર સોલ અને રિવિઝનના કારણે સફળતા મળી શકે છે.