એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE મેઈન્સમાં સુરતના વિદ્યાર્થીનો ડંકો, શહેરમાં પ્રથમ ક્રમે મારી બાજી

દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ મેઈન્સ 2023ની જાન્યુઆરીમાં પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં સુરતના નિશ્ચય અગ્રવાલે મેદાન માર્યું છે. નિશ્ચયે 99.98 પર્સેન્ટાઈલ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. કોમ્પ્યુટર સાન્યન્સના ક્ષેત્રમાં મુંબઈ આગામી અભ્યાસ કરવા ઈચ્છતા નિશ્ચયે જણાવ્યું હતું કે, રોજની મહેનત અને પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્ત કરી છે.

Advertisement

નિશ્ચયની મહેનતથી સફળતા
ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના એજન્ટ તરીકે કામ કરનારના પુત્ર નિશ્ચય અગ્રવાલે જણાવ્યું હતું કે, ક્લાસરૂમમાં રોજના માર્ગદર્શનની સાથે સાથે ઘરે પણ રોજની 3થી 4 કલાક મહેનત કરતો હતો. જેના કારણે બોજો આવતો નહોતો. રોજનું કામ રોજ થઈ જતું હતું. ડાઉટ હોય તો શિક્ષકો ક્લિયર કરાવી દેતા હતાં. સાથે જ ટેસ્ટ આપવાના કારણે પણ આ સફળતા મળી શકી છે.

Advertisement

માતાએ મદદ કરી
નિશ્ચયે જણાવ્યું હતું કે, તેમના માતા બીકોમ બીએડ સુધીનો અભ્યાસ ધરાવે છે. તેમણે પ્લાનિંગમાં ખૂબ મદદ કરી હતી. જે વિષય અઘરા લાગતાં હોય તેના માટે કેવી રીતે તૈયારી કરવી અને કઈ બૂક વાંચવી તે સહિતનું પ્લાનિંગ આપતાં હતાં. આ પ્લાનિંગના કારણે જ ટેન્શન આવ્યું નહોતું. છેલ્લા દિવસ સુધી એકદમ સ્વસ્થ મન સાથે પરીક્ષા આપી હતી.

પિતા બૂક્સ લાવી આપતા
નિશ્ચયના પિતા ટેક્સટાઈલમાં કામ કરે છે. તેઓ બીકોમ સુધીનો અભ્યાસ ધરાવે છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે. તેમણે પણ દીકરાના અભ્યાસને લઈને ખૂબ મહેનત કરી હતી. દીકરા માટે બૂકથી લઈને સ્ટેશનરી સહિતની વસ્તુઓ તેઓ શોધી લાવતાં હતાં. પોતાના એકમાત્ર દીકરાના અભ્યાસને લઈને તેઓ કોઈ કસર બાકી રાખવા ન માગતા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

ફિઝિક્સમાં 100 પર્સેન્ટાઈલ
નેહચલ સિંહ હંસપાલએ જણાવ્યું હતું કે, નિશ્ચય અગ્રવાલે ટોપ કર્યું છે. જ્યારે ભૂમિન હિરપરાએ 99.97 પર્સેન્ટાઈલ સાથે ફિઝિક્સમાં 100 પર્સેન્ટાઈલ સ્કોર કર્યો છે. જત્સય જરીવાલાએ 99.99 પર્સેન્ટાઈલ સાથે કેમેસ્ટ્રીમાં 100 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. સાથે જ 38 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઈલથી વધુ અને 89 વિદ્યાર્થીઓએ 95 પર્સેન્ટાઈલથી વધુ અને 127 વિદ્યાર્થીઓએ 90 પર્સેન્ટાઈલથી વધુનો સ્કોર કર્યો છે.

8.24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
જેઈઈ મેઈન્સ પરીક્ષામાં કુલ 9.06 લાખ વિદ્યાર્થીઓએ દેશભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરીક્ષામાં કુલ 95.79 ટકા વિદ્યાર્થીઓ એટલે કે 8.24 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. દેશના 399 તથા વિદેશના 25 સેન્ટર મળીને કુલ 424 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Leave a Reply

error: Content is protected !!