અમદાવાદના માણેકચોકનો ઈતિહાસ પહેલીવાર બદલાયો, રાતોરાત માણેકચોકમાં આટલું મોટું પરિવર્તન કેમ?
અમદાવાદનું નામ પડે અને માણેકચોક યાદ ન આવે તે શક્ય જ નથી. ખાણીપીણીનું ઠેકાણું એવું માણેકચોક અમદાવાદના મધ્યમાં આવેલું છે. અહીં 1960થી ખાણીપીણીની બજાર ચાલે છે. અમદાવાદીઓ અને ગુજરાતના તમામ લોકોએ એક વખત તો માણેકચોકનો સ્વાદ અને અમદાવાદની ઓળખ સમા માણેકચોકમાં મુલાકાત લીધી જ હોય છે, પરંતુ અમદાવાદના માણેકચોકમાં છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ બગડી છે, એટલું જ નહીં, અચાનક ત્યાંથી ટેબલ ખુરશી ગાયબ થયાં છે. અચાનક જ અમદાવાદમાં માણેકચોકમાં વણલખ્યો ખાણીપીણી બજારમાં પાથરણાં પર જમવાનો નિયમથી ખાણીપીણીના બજારમાં જઈ ખાનાર અને ત્યાં વેચનાર દુઃખી છે. કોઈ કંઈ બોલી રહ્યું નથી ત્યારે શંકાની સોય પોલીસ પર જાય છે.
માણેકચોકમાં ટેસ્ટની લહેજત માણવા વેઈટિંગ રહેતું
એક સમયે અહીંયાં લારીઓ પર બનતાં પકવાન ખાવા માટે વેઇટિંગ લાગતું હતું અને ટેબલ ખુરશી પર બેસીને લોકો પરિવાર સાથે અવનવી ડિશની મજા માણતા હતા. તેમાં વડીલો પણ આવતા, પરંતુ હવે આ કલ્ચર અને પ્રથા કદાચ બંધ થઇ જશે. કારણ કે, અહીંયાં ગોઠવાતાં ટેબલ ખુરશી અચાનક ગાયબ થઇ ગયાં છે. આની પાછળ અલગ અલગ કારણ વેપારીઓ અને પોલીસ કહે છે, પરંતુ આજે અમદાવાદનું માણેકચોક બજારમાં જો તમે જાવ તો કદાચ અમદાવાદીઓનો જીવ બળી જાય તેવી સ્થિતિ છે.
અવનવી ડિશીસ લોકોને માણેકચોક ખેંચી જતી
અમદાવાદ શહેર અને તેની મધ્યમાં આવેલું ખાણીપીણીનું બજાર કોઇને પણ એક વખત તો તે તરફ ખેંચી જ ગયું હશે. અહીંયાંનો ગ્વાલિયા ઢોંસો, ઘૂઘરા સેન્ડવિચ, માટલા કુલફી તમે જાવ અને ખાધા વગર પાછા જ ન આવો. અમદાવાદની ઓળખ સમા માણેકચોકમાં રોજ સોની બજાર બંધ થયા બાદ ચાલુ થાય ખાણી-પીણી બજાર. અહીંયાં માણેકચોકને હેરિટેજ સિટીમાં સમાવવામાં આવ્યું છે. વિદેશી આવતા અથવા અમદાવાદથી કનેક્શન ધરાવતો દરેક વ્યક્તિ માણેકચોક આવ્યો જ હોય છે. અહીંયાંની ખાણીપીણીની લારીઓ આજે પણ ત્રણ ચાર પેઢીથી ચાલી રહી છે અને તેમના પરિવારના સભ્યો પણ તેના પર આજે લારી પરથી આગળ વધીને નામના ધરાવતા વ્યક્તિઓ બની ગયા છે.
કેટલાક લોકો માણેકચોક જતા દેખાયા
મંગળવારે રાતે મિડીયા દ્વારા માણેકચોકનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રાતના 10.30 વાગે ત્રણ દરવાજાથી માણેકચોક તરફ જવાના રસ્તા પર લકઝરી કારમાં પરિવાર આવતા હતા અને ત્યાંથી માણેકચોકની ખાણીપીણી બજાર તરફ જતા હતા. જેમાંથી કેટલાક પરિવાર પરત આવતા જોવા મળતા હતા અને કહેતા હતા કે, હવે પહેલાં જેવું માણેકચોક રહ્યું નથી. આ જગ્યાએથી માણેકચોક રાણીનો હજીરો અને તે તરફ લોકોની ભીડ હતી, પણ આ વખતે લોકોને બેસવાની જગ્યા શોધતા હતા. આ વખતે દર વખતની જેમ ટેબલ ખુરશી ત્યાં ન હતાં. આખું બજાર ફરતા રસ્તામાં ક્યાંય બેસવાની વ્યવસ્થા ન હતી. લોકો નીચે પાથરેલા પ્લાસ્ટિક પર બેસવા મજબૂર હતા.
પેઢીઓથી ધંધો કરનારાઓનો પોલીસ પર આક્ષેપ
આ માણેકચોકમાં બે પેઢીથી વેપાર કરતા વેપારીઓ પોતાની ઓળખ ન છતી થાય તે માટે ન કહેવાની શરતે જણાવ્યું હતું કે, ઇસનપુરનો એક પોલીસકર્મી અને અહીંયાંના એક લોકલ પોલીસકર્મીએ અમને ધમકાવ્યા હતા અને અમે તેમની વાત ન માની તો આ પ્રમાણે ટેબલ ખુરશી હટાવી દીધાં છે. 1960થી અમદાવાદના માણેકચોકમાં ચાલતી વ્યવસ્થા કેટલીક લાલચુના કારણે આ સ્થિતિ ઊભી થઇ છે. અમે વેપારી છીએ અમે કોઇ ખોટો ધંધો કરતા નથી. અમારા વડીલને આ વિસ્તારનો એક પોલીસકર્મી આવીને ધમકાવે છે. જે વડીલને તમામ વેપારીઓ માન આપે છે, તેને હડધૂત કરે છે. અમે પેઢીઓથી અહીંયાં વેપાર કરીએ છીએ પણ બે પોલીસકર્મીઓ પોતાના સ્વાર્થ માટે આ પ્રકારે કરી રહ્યા છે.
બે પોલીસકર્મીથી ધંધાર્થીઓ ફફડે છે
માણેકચોકના વેપારીઓ ઘણી બાબતથી ડરીને સામે આવી રહ્યા નથી પણ ખરેખર અહીંયાં ત્રણ મહિનામાં વારંવાર પોલીસનો માણસ પ્રકાશ અન પ્રદીપ આવે છે અને તેઓ ખોટો વ્યવહાર કરે છે. આ બજાર ચાલુ થયું ત્યારથી અમે પોલીસ સ્ટેશનના દરેક સ્ટાફને ખાવા-પીવા સહિત સાચવીએ છીએ પણ તેઓ અમારા વડીલ સાથે ખરાબ વ્યવહાર કરે છે. અમે વેપારીઓ છીએ બુટલેગર નહીં. અમે કોર્પોરેશનના તમામ નિયમ પાળીએ છીએ સફાઇના વેરા સહિત અમે દરેક બાબતનું ધ્યાન રાખીએ છીએ પણ તેની સામે અમારું અપમાન થાય છે અને અમે કશું કરી શકતા નથી. હવે અમારાં ટેબલ-ખુરશીઓ હટાવી લીધાં છે.
50થી વધુ ધંધાર્થીઓના વર્ષોથી સ્ટોલ
અમદાવાદના માણેકચોક ખાણીપીણી બજારમાં વર્ષ 1960થી માણેકચોક બજારમાં રોજના 50થી વધુ વેપારીઓ પોતાની લારી અને સ્ટોલ લગાવી વેપાર કરે છે. છેલ્લાં અનેક વર્ષોથી આ ખાણીપીણી બજાર ચાલે છે. જોકે આ બજાર ચલાવવા માટે થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની પરમિશન આપવામાં આવી નથી. જાહેર રોડ ઉપર આ વેપારીઓ ઊભા રહી અને ખાણીપીણી બજાર ચલાવે છે. વેપારીઓ માણેકચોક બજારમાં રોડ પર ટેબલ-ખુરશી લગાવી લોકો ત્યાં બેસીને નાસ્તો કરે છે, પરંતુ અચાનક જ માણેકચોક બજારમાંથી ટેબલ-ખુરશી ગાયબ થઈ ગયાં હતાં. પ્લાસ્ટિકના પાથરણા પાથરી અને નીચે જમીન પર બેસીને ખાવાની પ્રથા શરૂ કરવામાં આવી છે.
બારેમાસ માણેકચોક ધમધમતું રહે છે
માણેકચોક અમદાવાદની શાન કહેવાય છે. કારણ શિયાળો, ઉનાળો હોય કે પછી ચોમાસુ. બારેમાસ કોઇ પણ ઋતુમાં માણેકચોકમાં ખાણીપીણીની દરેક વસ્તુ મળી રહે છે. માણેકચોકમાં તમને શિયાળામાં પણ આઈસક્રીમની મજા માણી શકો છે. પાંઉભાજી, કુલફી, આઈસક્રીમ, ઢોંસા, ચાટ, સેન્ડવિચ અને ઠંડી છાશ માણેકચોકની શાન છે. માણેકચોકમાં ફરવા માટે જાવ અને ત્યાં જો ઢોંસા અને પાંઉભાજીનો સ્વાદ ન માણો તો ત્યાં જવાનું વ્યર્થ છે.
સંત માણેકનાથના નામ પરથી માણેકચોક નામ પડ્યું
માણેકચોકનું નામ સંત માણેકનાથ પરથી પડ્યું છે, જેમણે અહમદશાહને ૧૪૧૧માં ભદ્રનો કિલ્લો બાંધતા અટકાવેલો અને પછીથી મદદ કરેલી. માણેકચોકમાં સંત માણેકનાથની સમાધિના સ્થળે મંદિર આવેલું છે. આ ચોક સવાર દરમિયાન શાકભાજી બજાર તરીકે ઉપયોગમાં લેવાય છે, જ્યારે બપોર દરમિયાન ઘરેણાં બજાર હોય છે, જે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે, જ્યાં દિવસ દરમિયાન 30 લાખ રૂપિયાનો ધંધો થાય છે. જોકે, માણકેચોક રાત્રિના 9.30 પછી ત્યાં ભરાતા ખાણીપીણી બજાર માટે લોકપ્રિય છે, જે મધ્ય રાત્રિ સુધી ખુલ્લું રહે છે.
રાણી અને બાદશાહનો હજીરો
અહીં બાદશાહી શાસન દરમિયાન પુરુષ સભ્યોને દફન કરવામાં આવતા હતા. અમદાવાદના સ્થાપક અહમદશાહની કબર અહીં આવેલી છે. અહીં સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવતો નથી અને પુરુષોએ અહીં દાખલ થતાં પહેલાં માથા પર કોઇ વસ્ત્ર પહેરવું ફરજિયાત છે. માર્ગની બીજી બાજુએ કેટલાક મંત્રીઓની કબર પણ આવેલી છે. જે માણેકચોકની જમણી બાજુએ આવેલી છે. તો રાણીનો હજીરો (અથવા રાણીની કબર), જ્યાં રાજવી કુળના સ્ત્રી સભ્યોને દફન કરવામાં આવતાં હતાં એ હવે સ્ત્રીઓનાં પોશાક, ઘરેણાં અને અન્ય વસ્તુઓનું બજાર છે. ગરબાના પરંપરાગત વસ્ત્રો અહીં મળે છે. ઘણા પ્રકારના મુખવાસની દુકાનો અહીં આવેલી છે. રાણીનો હજીરો માણેકચોકથી પૂર્વ દિશાએ આવેલો છે.