ભારતીય મુસાફરો વિદેશી ફ્લાઈટમાં ઝઘડ્યા, એકબીજાને જેમ ફાવે તેમ માર્યા
સામાન્ય રીતે તમે બસ કે ટ્રેનમાં પેસેન્જરો વચ્ચે છુટ્ટાહાથની મારામારીના દ્રશ્યો જોયા હશે, પણ શું તમે કલ્પના કરી શકો કે ફ્લાઈટમાં પણ લોકો આ રીતે ઝઘડી શકે? આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પ્લેનમાં મુસાફરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ પડી હતી. થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં મુસાફરો વચ્ચે ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફ્લાઈટ બેંગકોકથી ભારત (બેંગ્કોક ટુ કોલકાતા) આવી રહી હતી. આ વીડિયો 27 ડિસેમ્બર 2022નો જણાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના એક મુસાફરે પોતાના ફોનમાં શૂટ કરી લીધી હતી.
આ વીડિયો મુજબ બે લોકો એકબીજા સાથે દલીલ કરતા જોઈ શકાય છે. દરમિયાન એક ફ્લાઇટ એટેન્ડન્ટ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરે છે. જોકે પ્રથમ વ્યક્તિ તેના ચશ્મા ઉતારે છે અને બીજી વ્યક્તિને થપ્પડ મારવાનું શરૂ કરે છે. ટૂંક સમયમાં તેના મિત્રો પણ વિવાદમાં ફસાઈ જાય છે. આ દરમિયાન બીજી વ્યક્તિ બચવાનો પ્રયત્ન કરે છે.
આ પછી વ્યક્તિની આસપાસ 4-5 લોકો ભેગા થાય છે. તેમાંથી એક વ્યક્તિ તેના વાળ પકડીને થપ્પડ મારે છે. ફ્લાઇટ એટેન્ડન્ટ બંનેને અલગ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ નિષ્ફળ જાય છે.
આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- માર મારનારા લોકો પોલીસની કસ્ટડીમાં હશે, કારણ કે એરપોર્ટ પર સુરક્ષા ખૂબ જ કડક છે. અન્ય એક યુઝરે કહ્યું કે આવા લોકો માત્ર ભારતની ઈમેજ ખરાબ કરે છે.