વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:પીડિતાની માતાએ રડતાં રડતાં કહ્યું … … તો આજે મારી દીકરી જીવતી હોત

નવસારીઃ વડોદરામાં નવસારીની યુવતી પર થયેલા સામુહિક દુષ્કર્મ અને બાદમાં યુવતીએ વલસાડમાં ટ્રેનમાં કરેલી આત્મહત્યા મામલે પોલીસ ફરિયાદ તો નોંધાઈ છે. પરંતુ, આ સમગ્ર મામલે હજી સુધી આરોપીઓનો પત્તો લાગ્યો નથી. એવામાં પીડિતાની માતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં ઓએસિસ સંસ્થાની ચુપકીદીને લઈ સવાલો ઉઠાવ્યા હતા. માતાએ રડતાં રડતાં કહ્યું હતું કે, જો સંસ્થા આગળ આવી હોત અને પોલીસ કાર્યવાહી કરી હોત તો આજે મારી દીકરી જીવતી હોત.

Advertisement

પીડિતાની માતાનું હૈયાફાટ રુદન
નવસારીની યુવતીએ પોતાની સાથે થયેલા સામુહિક દુષ્કર્મ બાદ કરી લીધેલી આત્મહત્યાના બનાવને પંદર દિવસ વિતી ચૂક્યા છે. તો બીજી તરફ તેના માતાની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવાની બંધ થવાનું નામ નથી લેતી. પીડિતાના માતાએ આજે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ઓએસિસ સંસ્થાએ હિંમત બતાવી હોત અને પોલીસ પાસે ગઈ હોત તો આજે મારી છોકરી જીવીત હોત. સમગ્ર મામલે અત્યાર સુધી સંસ્થાએ રાખેલી ચુપકીદીને લઈ પણ માતા દ્વારા સવાલ ઉઠાવવામા આવ્યા છે.

મારી દીકરીના મા-બાપ સંસ્થા જ હતી- પીડિતાના માતા
પીડિતાના માતાએ કહ્યું કે, મારી છોકરી સંસ્થા વિશે વાત કરતી તો અમને થતું તે ત્યાં સુરક્ષિત છે. મારી દીકરી નાની મોટી તકલીફમાં તમામ વાત સંસ્થાને જણાવતી હતી. આવડી મોટી ઘટના બની ગઈ તો પછી સંસ્થા દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામા ના આવી. મેં સંસ્થા પર વિશ્વાસ કર્યો હતો. પણ તે તૂટી ગયો.

Advertisement

શું હતી સમગ્ર ઘટના?
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વિન D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં નવસારીની યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે રોજનીશી ડાયરીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે GRPની ટીમ સહિત અન્ય અનેક એજન્સીએ આગળની તપાસ હાથ ધરી છે.

એંગ્રેજીમાં લખેલી ઓરેન્જ રંગની ડાયરી મળી હતી
વલસાડ રેલવે પોલીસના સીપીઆઇ બી.આર.ડાંગીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પીડીતાએ 4 તારીખે વલસાડના પ્લેટફોર્મ નંબર 4 પર ઉભેલી ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કર્યો હતો. બનાવની તપાસમાં પીડિતા વડોદરાની સંસ્થા ઓએસિસ (શાલીન એપાર્ટમેન્ટ-2, રેસકોર્સ, વડોદરા)માં છેલ્લા 2 વર્ષથી ફેલોશિપ ટ્રેનિંગ લેતી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી પાસેથી મળેલી બેગમાં એંગ્રેજીમાં લખેલી ઓરેન્જ રંગની ડાયરી મળી હતી. જેમાં 29 તારીખે બનેલા બનાવની વિગતો હતી.

પોલીસે ફરિયાદી બની અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો
વડોદરામાં યુવતીના ગેંગરેપ અને આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડીયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાંખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પીડિતાએ ડાયરીમાં લખેલા લખાણના પછીના પેજને ઓએસિસ સંસ્થાની કાર્યકરે ફાડી નાંખ્યા હોવાનો આરોપ પોલીસે પોલીસ ફરિયાદમાં કર્યો છે. પોલીસે જાતે જ ફરિયાદી બનીને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!