પતંગની દોરીએ મહિલાનો જીવ લીધો, રોડ પર જ તરફડિયા મારી મારીને મોતને ભેંટી
ભરૂચઃ
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા અરુણોદય બંગલોઝ ખાતે રહેતી અંકિતા હિરેન મિસ્ત્રી શનિવારે સાંજના સમયે તેના ઘરેથી એક્ટિવા પર 9 વર્ષની પુત્રી સાથે ભોલાવ ખાતેના ભૃગુઋષિ બ્રિજ પર થઇને શક્તિનાથ અને ત્યાંથી વેજલપુર ખાતે તેની સાસરીએ કામ અર્થે જવા નીકળી હતી. દરમિયાન ભૃગુઋષિ બ્રિજ પરથી પસાર થતા સમયે પતંગનો દોરો તેના ગળાના ભાગે આવી જતાં તેની બાઇક સ્લિપ થઇ ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવી તેને બચાવવા માટેનો પ્રયાસ કરતાં તેના ગળામાં પતંગના દોરાને કારણે જીવલેણ ઘા થયો હોવાનું જણાયું હતું.
બીજી તરફ, તેની પુત્રી પણ માતાને લોહીલુહાણ જોઇને રોકકડ કરવા લાગી હતી. ગંભીર રીતે ઘવાયેલી અંકિતાને તાત્કાલિક 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે તેને સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ પાસે હેબતાઇ ગયેલી 9 વર્ષની પુત્રીના આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયું હતું. ઘટનાની જાણ કરાતાં પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં. ભરુચ એ ડિવિઝન પોલીસે આકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે રવિવારે સવારે પતંગના દોરાએ ભોલાવના વધુ એક વ્યક્તિની જીવાદોરી કપાતા કપાતા રહી ગઇ છે. જીવનદીપ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મનસુખ કાનજીભાઈ પરમાર એક્ટિવા ઉપર કામ અર્થે નીકળ્યા હતા. હરિદ્વાર સોસાયટી નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવી જતા ઇજાગ્રસ્ત થયા હતા. જેમને 108માં સિવિલ હોસ્પિતલમાં સારવાર માટે લઇ જવાયા છે.