GUJARAT

વડોદરાનો રડાવી દેતો બનાવ, દુનિયા જુએ તે પહેલા જ માતા અને બાળકે મીંચી દીધી આંખો

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી બાલાજી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલા અને ગર્ભમાં રહેલા બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. હાલમાં પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી પેનલ પોસ્ટમોર્ટમ અને વિશેરા લેવાની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલની બેદરકારી છે કે કેમ તે અંગે રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

મહિલા અને બાળકનું માતાના ગર્ભમાં જ મોત
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા 41 વર્ષીય અંકિતાબેન મયુરભાઈ સુભાનપુરા વિસ્તારમાં આવેલી બાલાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ડિલિવરીના અંતિમ માસમાં તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન તેમને મેડિસિન આપવામાં આવી હતી અને બાદમાં તેમની તબિયત વધુ ખરાબ થતાં આખરે મહિલા અને બાળકનું માતાના ગર્ભમાં જ મોત નીપજ્યું હતું.

ડોક્ટર પર કાર્યવાહી કરવામાં આવે: પરિવારજન
આ બનાવને લઇ પરિવારજનોએ ગંબીર આક્ષેપો કર્યા છે કે, મહિલાનું અને બાળકનું ડોક્ટરની નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ગોરવા પોલીસે એડી દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોના આક્ષેપો છે કે, મેડિસિન આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હતી. પરિવારજનોએ માંગણી કરી છે કે, બાલાજી હોસ્પિટલના ડોક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
આ બનાવ અંગે તપાસ કરનાર પી.એસ.આઇ મૌલિક વાળાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે ગૌરવા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધ્યો છે. હાલમાં આ મામલે તપાસ ચાલુ છે. મહિલાના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. સાથે વિશેરા પણ લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ જે કોઇની બેદરકારી હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *