FEATURES

રાજકોટનો શોકિંગ કિસ્સો, બે નણદોઈએ બળજબરીથી બાંધ્યા શરીર સંબંધો, પછી…

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા વિસ્તારમાં વિધવા મહિલાનો એકલતાનો લાભ લઈને તેના 2 નણદોઈએ સામુહિક બળાત્કાર ગુજારી ઘરમાંથી કાઢી મુકવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીડિતાએ અગાઉ પણ તેની સાથે થયેલા દુષ્કર્મ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે આ મામલે પોલીસે સહકાર નહીં આપતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેને પગલે હાઈકોર્ટ દ્વારા હુકમ કરાતા પોલીસે મહિલાની 4 નણંદ અને બે નણદોઈ તથા સાસુ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પતિના હકની મિલકત પણ પચાવી પાડી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2021માં મહિલાના પતિના અવસાન બાદ તેમના સાસરીયાઓ દ્વારા વિધવા પર ખોટા આક્ષેપો કરી વારંવાર શારીરિક અને માનસીક દુઃખ ત્રાસ આપવામાં આવ્યો હતો. પીડિતાના માતા-પિતા અવસાન પામેલા હોવાથી તેના માવતરના પરિવારના કોઇ સભ્યો ભારતમાં નથી. તેથી તેની એકલતાનો લાભ લઇ તેના પતિના હકની મિલકત સાસરીયાવાળાઓએ જબરદસ્તી પચાવી પાડી હતી. તેમજ નણદોઈઓ દ્વારા દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહીં તેને તથા બે સગીર બાળકોને ઘરમાંથી કાઢી મુકી બળજબરી પૂર્વક ગામ મુકવા મજબુર કરી હતી.

બે નણદોઈએ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો
ધોરાજી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની પીડિતાએ આ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં મારા પતિના અવસાનનાં થોડા દિવસો બાદ મારા બે નણદોઈએ બળજબરીથી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જેમાં મારી ચાર નણંદ અને મારા સાસુએ પણ સાથ આપ્યો હતો. જોકે જે-તે સમયે મારી પાસે પૂરતા પુરાવા ન હોવાને કારણે ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ બાદમાં વોટ્સએપ ચેટમાં મારા નણદોઈએ આ અંગે કબૂલાત આપતા હું પોલીસ ફરિયાદ કરવા ગઈ હતી. જોકે રાજકીય કે અન્ય કોઈ દબાણને કારણે પોલીસ ફરિયાદ નહીં લેતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને લઈ હાઈકોર્ટ દ્વારા હુકમ થતા હાલ પોલીસે મારી 4 નણંદ, 2 નણદોઈ અને સાસુની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આખરે પોલીસે ફરિયાદ નોંધી
પોલીસનાં જણાવ્યા મુજબ પીડિતાએ તેમના નણદોઈ ઉપલેટાના ભાવેશ રજનીકાંત ધોળકીયા, જૂનાગઢના અશોક ચીમનભાઈ વાછાણી દ્વારા મહિલાની ઈચ્છા વિરૂદ્ધ બળજબરીથી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ આપી છે. જેમાં તેમની 4 નણંદો ઉપલેટાના સીમાબેન ભાવેશભાઈ ધોળકીયા, રાજકોટ (મુળ.અમરેલી)ના જીપ્સાબેન જગદીશભાઈ છત્રોલા, રાજકોટ (મુળ.મોટી મારડ)ના લેરમાબેન દિલીપભાઈ રાછડીયા, જૂનાગઢના રાધીકાબેન અશોકભાઈ વાછાણી તેમજ સાસુ ધોરાજી તાલુકાના સાધનાબેન ગોવિંદભાઈ અધેરાએ મદદગારી કરી હોવાનું જણાવ્યું છે.

આ મામલે કોઈપણ અટકાયત કરાઈ નથી
આ ઉપરાંત આરોપીઓ દ્વારા મહિલાને અને તેમના બાળકોને માર મારી જાનથી મારવાની ધમકી આપીને ગુનાને સામુહિક રીતે અંજામ આપેલું હોવાનું જણાવાયું છે. જે બાબતે તમામ આરોપીઓની સામે ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ IPC કલમ 376(ડી), 323, 506(2), 342, 114 મુજબ ગુનો ધોરાજી તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર બનાવ અંગેની તપાસ ચાલી રહી છે. જોકે હજુ સુધી આ મામલે કોઈપણ અટકાયત કરાઈ નથી. તપાસ કર્યા બાદ જે કસૂરવાર જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement