GUJARAT

‘દારૂ-જુગાર નજરે ચડશે, અને ગુજરાતી ખોટા રસ્તે ચડશે’

22 ડિસેમ્બર, 2023 અને શુક્રવારની સાજે એક સમાચાર આવ્યા કે, હવેથી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી(GIFT City)માં દારૂબંધીમાં છૂટછાટ આપવામાં આવી છે. જો કોઇ વ્યક્તિ ગિફ્ટ સિટીની કર્મચારી અથવા તો સત્તાવાર રીતે મુલાકાતે હોય તો તે બેરોકટોક દારૂનું સેવન કરી શકશે. આ માટે સરકારે પોતાના દારૂબંધીના નિયમો હળવા કરીને એક જાહેરનામું બહાર પાડી દીધું છે. જો કે જ્યારથી આ નિર્ણય આવ્યો છે ત્યારથી દરેક ગુજરાતીના મુખે આ નિર્ણયની જ ચર્ચા છે. માત્ર એટલું જ નહીં, તેના પર કેટલાક જોક્સ પણ વાઈરલ થયા અને લોકો સતત તેની જ ચર્ચા કરી રહ્યા છે.

ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં લિકર સેવનમાં આપેલી છૂટછાટોના આ નિર્ણય અંગે સાધુ-સંતો સાથે વાતચીત કરી હતી. આ સાધુ-સંતોમાં જૂનાગઢના ગૌરક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુ, અખંડાનંદ ભારતી બાપુ (આનંદ આશ્રમ, જૂનાગઢ), મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનો સમાવેશ થાય છે.

‘દારૂની છૂટ ગુજરાત માટે જરા પણ જરૂરી નથી’
જૂનાગઢમાં આવેલા ગૌરક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિને પશ્ચિમી સંસ્કૃતિ ખૂબ જ નુકસાન કરી રહી છે. દારૂબંધી દૂર કરવી અયોગ્ય છે. દારૂથી શરીરને નુકસાન થાય છે, પરિવારમાં આશાંતિ ઊભી થાય છે. માત્ર એટલું જ નહીં સમાજમાં નામ પણ ખરાબ થાય છે. તેની સાથે સાથે સંપત્તિ અને પૈસાનો વ્યય થાય છે અને અમારા સંતોના મંતવ્ય પ્રમાણે શરીર માટે દારૂ નુકસાનકારક છે. દારૂની છૂટ ગુજરાત માટે જરા પણ જરૂરી નથી. આપણી સંસ્કૃતિ મુજબ આવી કોઈ જરૂરિયાત જ નથી. પરંતુ કાયદાની રીતે શું હોય એ ખબર નથી. ભારતીય સંસ્કૃતિ મુજબ આવી કોઈ છૂટ આપવાને હું સમર્થન આપતો નથી. ભારતીય સંસ્કૃતિ મુજબ આવી કોઈ જરૂરિયાત જ નથી.

‘વિકાસની સાથે વિકૃતિ નોતરવાની જરૂરિયાત છે જ નહીં’
શું આ ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવાની આ પ્રથમ પહેલ છે? આ સવાલના જવાબમાં શેરનાથ બાપુએ કહ્યું કે એ તો આવનારો સમય જ કહેશે કે આ લોકોએ શું કરવું છે હટાવશે કે નહી એ બાબતની આગાહી તો આપણે અત્યારથી કેમ કરી શકીએ. દારૂબંધીના કારણે મહિલાઓને ઘરમાં અને પરિવારમાં ખૂબ જ મુશ્કેલી થતી હોય છે તેમાં વધારો થઈ શકે છે. ગિફ્ટ સિટીમાં જે દારૂની પરમિશન આપવામાં આવી છે, તે લોકોને આકર્ષણ માટે આપવામાં આવી છે. ભારતના સનાતનના નિયમ પ્રમાણે જોઈએ તો આપણી ઘણી બધી વિશેષતાઓ છે જ, આવી કોઈ આવશ્યકતા હતી નહીં, ઠંડી નથી વાતાવરણ સારું છે. દરિયાથી લઈને ડુંગરા બધું જ છે. આબોહવા સારી છે અને અનેક ઔષધીઓથી ભરપૂર વ્યવસ્થાઓ છે, પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું છે. જેમાં કોઈ દારૂને છૂટ આપવાની આવશ્યકતા લાગતી નથી અને દારૂની છૂટ આપવાથી કોઈ વિકાસ થાય એવું જરૂરી નથી. વિકાસની સાથે કોઈ વિકૃતિ નોતરવાની જરૂરિયાત છે જ નહીં.

‘આમાં વિરોધ જ કરવાનો હોય’
આ અંગે અખંડાનંદ ભારતી બાપુ(આનંદ આશ્રમ, જૂનાગઢ)એ જણાવ્યું કે, મારા મતે આ નિર્ણય જરા પણ યોગ્ય નથી, આ નિર્ણયને સમર્થન ન હોય પણ આમાં વિરોધ જ કરવાનો હોય. સામાજિક દૃષ્ટિએ નુકસાનકારક જ છે. દારૂબંધી છે છતાં પણ કેટલો દારૂ પીવાય છે અને કેવા કેવા બનાવો સામે આવે છે જો છૂટ આપવામાં આવે તો શું થાય? ધીમે ધીમે આ લોકો આગળ વધશે.

‘પુરુષ ભૂલ કરે તો ભોગવવાનું સ્ત્રીને જ આવશે’
ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ છૂટ આપશે તમને શું લાગે છે? તેના જવાબમાં અખંડાનંદ ભારતી બાપુએ કહ્યું હતું કે હવે પહેલા અહીં છૂટ આપી છે એનો શું પ્રતિસાદ મળે અને શું શું તકલીફો ઊભી થાય તેના પરથી ગુજરાતમાં દારૂબંધી હટાવવી કે નહીં એ લોકો જ જોઈ લેશે. અત્યારથી કંઈપણ કહેવું વહેલું ગણાશે. પહેલા તો એને ખ્યાલ આવવા દો નુકસાન છે કે ફાયદો છે તે લોકો સમજી જશે, બાકી તો સરકાર વિશે આપણે કંઈ ટિપ્પણી પણ ન કરી શકીએ. મહિલાને ઘણી તકલીફ છે. આ પ્રકારની છૂટથી એને જ ભોગવવાનું છે. પુરુષ ભૂલ કરે તો ભોગવવાનું સ્ત્રીને જ આવશે, સંસારમાં પુરુષો દારૂબંધી છે તો એની રીતે નશો કરે છે અને કરતા જ રહે છે પરંતુ નાનો વર્ગ હજુ ભયમાં છે કે આવી છૂટ મળશે તો એ પણ શરૂ થઈ જશે, હજી એક વર્ગ ભયમાં જીવે છે કે કડક કાયદો છે તેવા લોકો પણ ખૂલે આમ આવી પરમિશનથી પીવા લાગશે તો પરિવારમાં પ્રશ્ન ઊભા થશે જ અને ખુલ્લેઆમ થશે તો તો પરિણામ પણ ભયંકર હશે. ગાંધીનગર ગુજરાતમાં છૂટી હોવી જ ન જોઈએ, હજી આ કાયદા છે એનાથી પણ વધુ કડક કાયદા હોવા જોઈએ. દારૂબંધીની છૂટ આપી તો જ વિકાસ થાય એવું કોઈ જરૂરી છે જ નહીં અને વિકાસ સારો છે રોડ રસ્તા, પાણી, સારું છે શું હવે સોનાનું બનાવવું છે બધાને. આવો વિકાસ કરીને આ વિકાસ ઓછો કહેવાય દારૂબંધી હટાવી અને વિકાસ કરવો એ કોઈ રસ્તો નથી. વિકાસ એટલે સંસ્કાર પણ હોવા જોઈએ સંસ્કાર વગર વિકાસ ન હોઈ શકે વિકાસ એટલે પૈસો ન હોઈ શકે.

‘ જો સ્વાસ્થ્ય સારું થતું હોય તો આખા ગુજરાતમાં દારૂની છૂટ આપવી જોઇએ’
અમદાવાદ શહેરના સરખેજમાં આવેલા ભારતી આશ્રમના મહંત વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય અને મહામંડલેશ્વર એવા ઋષિભારતી બાપુએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, મારો વ્યક્તિગત નિર્ણય પૂછો તો આ નિર્ણય અયોગ્ય છે. આ સંતો મહંતોની ભૂમિ છે, ગાંધીનું ગુજરાત છે સોનાની ભૂમિ છે. અહીં આવા નિર્ણય આયોગ્ય જ કહેવાય. ગુજરાત સરકારે જો વિશ્વના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હોય તો એ એના માટે યોગ્ય છે. પરંતુ દારૂ પીવાથી જો માણસ દુઃખ ભૂલવા માટે, થાક દૂર કરવા માટે અને મનને મારવા માટે તથા દેખાદેખાથી દારૂ પીતા હોય છે. તો ગિફ્ટ સિટીમાં આ નિર્ણય લીધો છે તો વર્તમાન સમયમાં ત્યાં પણ બે વિભાગ થશે. એક દારૂ પીવાવાળા અને દારૂ નહીં પીવાવાળા અને એક મહિનો આમાં એનાલિસિસ કરવું જોઈએ કે જે દારૂ પીવે છે તે વર્ગનું સ્વાસ્થ્ય કેટલું સુધર્યું છે અને તેની કાયમી શાંતિ અને કાયમી આનંદની માત્રા કેટલી વધી છે? જો આનંદની માત્રા વધે અને હંમેશને માટે જો સ્વાસ્થ્ય સારું થતું હોય તો ખાલી ગિફ્ટ સિટીમાં જ નહીં આખા ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપવી જોઇએ.

જ્યારે ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી લિકરની છૂટ અંગે રમેશપુરી બાપુએ બોલેલી કવિતાનો તો વીડિયો વાઇરલ થઈ ગયો છે.

ગાંધીનગરમાં સીટી વાગી, ગિફ્ટ કોને મળશે..!
દારૂ-જુગાર નજરે ચડશે, અને ગુજરાતી ખોટા રસ્તે ચડશે.

રજવાડા તો ખપી ગયા, હવે શાંતિ ક્યાંથી મળશે,
ઘરે ઘરે પેગ વેચીને, સૌ બેટીઓ રડશે.

ગંગાને તો ગટર બનાવી, ઘરે ઘરે પિવડાવશે
દારૂમાં તો દાનત બગડી, હવે ગિફ્ટ સિટીનું શું થાશે..?

અંગ્રેજો તો ચા લાવ્યા, હવે વિદેશીઓ દારૂ લાવશે,
ગાંધી તારા નગરમાં, હવે કેમ કરી રહેવાશે..?

નાની બહેનો વિધવા થશે, હવે કોણ કોને કહેશે,
વિદેશીઓના સાણસામાં, હવે ગુજરાતીઓ ભરમાયા છે.

થોડું કહ્યું ઝાઝું માનજો, દારૂને દેશવટો આપશે
એ ઘરે દીપ પ્રગટશે, રામનું અયોધ્યા કહેવાશે.

ચોરી કરીને જુગાર રમાશે, લક્ષ્મી લોકો તણી લૂંટાશે
પરીબાપુ કહે સમજી જાવ, નક્કર ગુજરાતની ગરિમા ખોવાશે.

Advertisement