General

ગુજરાતી યુવકના જ્યોતિષ જ્ઞાનથી પીએમ મોદી પણ પ્રભાવિત

22મી જાન્યુઆરી, 2024ની તારીખ દેશના ઈતહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થવા જઈ રહી છે. આ દિવસે અયોધ્યામાં હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન રામ બિરાજમાન થશે. મંદિરની ડિઝાઈન તો અચંબિત કરી દે એવી છે, પણ પ્રાણપ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ વિશેષ છે. તમને જાણીને નવાઈ લાગશે કે રામમંદિર માટે 22મી જાન્યુઆરીના દિવસે 88 સેકન્ડનું જે મુહૂર્ત પસંદ કરવામાં આવ્યું છે એમાં 21 વર્ષના એક ગુજરાતી યુવાનનો મહત્ત્વનો રોલ છે, જેના ધાર્મિક-જ્યોતિષ જ્ઞાનના ખુદ પીએમ મોદી પણ કાયલ થઈ ગયા હતા.

રામમંદિરનું મુહૂર્ત કાર્યમાં જોડાયેલ 21 વર્ષીય અમદાવાદી યુવાન વિશ્વ વોરા કોણ છે? રામમંદિરની કુંડળી અને મુહૂર્ત માટેની ટીમમાં તેમનો સમાવેશ કેવી રીતે થયો? કેટલા સમયની મહેનત પછી આ મુહૂર્ત મળ્યું? આ મુહૂર્ત શેના આધારે કાઢવામાં આવ્યું છે? 88 સેકન્ડનું જ મુહૂર્ત કેમ કાઢ્યું? આ દિવસે કેવા કેવા સંયોગ બને છે? આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા માટે અમદાવાદી યુવાન વિશ્વ વોરા સાથે ખાસ વાતચીત કરી હતી.

મૂળ બનાસકાંઠાના થરાદ ગામના વતની અને વર્ષોથી અમદાવાદમાં રહેતા વિશ્વ વોરાએ 21 વર્ષની ઉંમરમાં સંસ્કૃત અને જ્યોતિષમાં મહારથ હાંસલ કર્યો છે. ભારતમાં હાલ માત્ર 4 લોકો બીજમંત્રની પ્રણાલી જાણે છે, વિશ્વ વોરા તેમાંથી એક છે. તેણે માત્ર 9.5 વર્ષની ઉંમરમાં ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન’ વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. છેલ્લાં 250 વર્ષના ઈતિહાસમાં આ ગ્રંથનો આટલો ઊંડાણપૂર્વક આટલી નાની વયે કોઈએ નથી કર્યો. આ રેકોર્ડ માટે તેને રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ બાલશ્રી અને બાલ તેજસ્વીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેણે પોતાના જ્ઞાનથી જ્યોતિષ વિશારદ, જ્યોતિષ વિભૂષણ અને જ્યોતિષ રત્ન સહિતની ઉચ્ચ ડિગ્રીઓ મેળવી છે.

કેવી રીતે રામમંદિરના મુહૂર્ત જોવાના કાર્યમાં જોડાયા?
રામમંદિરના મુહૂર્તના કાર્યમાં જોડાવાના પ્રશ્નના જવાબમાં વિશ્વ વોરાએ કહ્યું, સાબરમતી ગુરૂકુલમમાં ત્વરિત શ્લોક રચના સંદર્ભે પૂજય ગોવિંદ દેવગિરિજી મહારાજ સાથે મુલાકાત થઈ ત્યાર બાદ બનારસ (વારાસણી)માં પૂજય ગણેશ્વર શાસ્ત્રીજી સાથે પરિચય થયો. ત્યાર બાદ તેઓ રામ મંદિરના કાર્ય સાથે જોડાયા અને રામ મંદિરના પ્રતિષ્ઠાના મૂર્હૂત માટેનો શાસ્ત્રોક્ત ચર્ચા વિમર્શ શરૂ થયો.

વિશ્વ વોરાએ કહ્યું, ‘રામમંદિરનું મુહૂર્ત નક્કી કરવાના કાર્યમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થયો એ મારા જીવનની સૌથી મોટી યાદગાર ક્ષણ બની રહેશે. ઘણાં વિદ્વવાનો સાથે સંવાદ બાદ સૌનું એક તારણ આવ્યું કે, કે આટલાં વર્ષો પછી રામ ભગવાન ગાદીએ બિરાજમાન થઈ રહ્યા છે એટલે એનું મુહૂર્ત પણ એટલું જ શ્રેષ્ઠ અને શૂક્ષ્મ નીકળવું જોઈએ, જે દેશની અંદર જ નહીં પણ વિશ્વભરમાં ભારતનું શાસન પ્રસ્થાપિત થાય અને ફરીથી આપણે વિશ્વગુરુના મોરચા પર આગળ વધીએ એવું હોવું જોઈએ. યુવા વર્ગ માટે આજે નેમ અને ફેમનો મુદ્દો મહત્ત્વનો છે, પણ મને તો એનાથી હટકે દેશ, વિશ્વ અને પ્રભુ શ્રીરામનું આ એક કાર્ય મળ્યું છે. આ કાર્યમાં સંપૂર્ણ નિષ્ઠાથી જોડાઈએ તો પ્રતિષ્ઠા આપ મેળે વધવાની છે. જ્યારે મારી પસંદગી થઈ એ પછી લગભગ મેં દોઢથી બે મહિના જેટલો સમય સંશોધન અને અભ્યાસનું કાર્ય કર્યું હતું.’

વિશ્વ વોરાએ કહ્યું ‘જ્યારે જ્યારે મુહૂર્તની ચર્ચા થાય છે એમાં સૌથી પહેલા એ વાત આવે છે કે એનો સમય કયો નક્કી કરીશું. આ માટે વિશેષ ગણતરીઓ અને કુંડળીઓ બનાવવામાં આવે છે, જેના આધારે બધી પ્રોસેસ થાય છે. રામમંદિર માટે અંતે 22 જાન્યુઆરી 2024ને પોષ સુદ 12નું મુહૂર્ત પસંદ થયું. ઘણાં બધાં સંશોધન અને વિચારણા પછી આ મુહૂર્ત પર આગળ વધ્યા હતા. અમે બૃહદ પારાસર હોરાશાસ્ત્ર, મુહૂર્ત ચિંતામણિ, મુહૂર્ત માર્તંડ જેવા મુખ્ય ગ્રંથોના નિયમો દ્વારા આ મુહૂર્તને રેક્ટિફાઇ કર્યું છે. આ મુહૂર્તની વિશેષતાની વાત કરીએ તો એની પંચાગ શુદ્ધિ, એટલે જે તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ, ચંદ્રમેળ કે નૈમિતિક યોગોની જે સંરચના વિશેષ રીતે બનેલી છે, સાથે જ આ દિવસ ખૂબ જ દુર્લભ છે. આવો દિવસ ઘણાં વર્ષો પછી આવી રહ્યો છે. ‘

મોદીએ શું વખાણ કર્યા?
વિશ્વ વોરાએ જણાવ્યું, ‘રામમંદિર સંબંધિત કાર્યમાં જેટલા પણ લોકો આમાં જોડાયેલા હતા એ બધા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિલ્હીમાં મુલાકાત થઈ હતી. હું પણ એ મિટિંગમાં હાજર હતો. મિટિંગમાં મારું જ્ઞાન અને ઊંડાણ જોઈને મોદી પ્રભાવિત થયા હતા. તેમણે મારા આ કાર્યને તેમજ મુહૂર્તને વધાવ્યું હતું.’ વિશ્વ વોરા કહ્યું હતું કે તારીખ 20થી 22 જાન્યુઆરી સુધી ત્રણ દિવસ અયોધ્યામાં જ ઉપસ્થિત રહેવાનો છું.

આ મુહૂર્તમાં એવું શું ખાસ છે?
વિશ્વ વોરાએ કહ્યું, ‘રામમંદિર માટે જે દિવસનું મુહૂર્ત નક્કી થયું છે એ દિવસ માટે એમ કહેવાય છે કે પ્રાચીન કાળમાં જ્યારે ભરત મહારાજાએ વશિષ્ટ ઋષિમુનિ પાસે રામરાજ્યાભિષેકના મુહૂર્તની માગણી કરી હતી અને જે મુહૂર્ત કાઢ્યું હતું એ જ પ્રકારનું આ મુહૂર્ત રામમંદિર માટે કાઢ્યું છે. આ મુહૂર્તની અંદર જે ગ્રહોની રચનાઓ, જે ગ્રહોની વ્યવસ્થા અને યોગો બને છે એ ખૂબ જ દુસ્કર છે અને ખૂબ જ શ્રેષ્ઠ અને સૂક્ષ્મ પદ્ધતિથી બની રહ્યા છે. આ ઉપરાંત એવો પણ પાઠ મળે છે કે ઈન્દ્રદેવ જ્યારે ઈન્દ્રાશન ઉપર બેઠા તે સમયે પણ આવા મૂર્હૂતના યોગો રચાયા હતા.’

‘રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરીના દિવસે બપોરે 12 વાગીને 22 મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ માટેનું જે મુહૂર્ત સુનિશ્ચિત થયું છે એ માત્ર 88 સેકન્ડનું જ છે, કેમ કે એમાં લગ્ન કુંડળી, નવમાંશ કુંડળી, ચલિત કુંડળી દ્વારા અને અષ્ટક વર્ગ દ્વારા જે રીતનો શૂક્ષ્મ સમય કાઢવામાં આવ્યો છે એ ખૂબ જ ઓછા સમયની અંદર આવતો હોય છે, એટલે જે કુંડળી અને ગ્રહ વ્યવસ્થાઓ બનતી હોય છે જે વિશેષ પરિણામ અને ફળદાયક થતી હોય છે.’

‘જેમ કોઈ બાળકનો જન્મ થાય અને તેના જન્મ સમયની જે જન્મ કુંડળી બને ભલે એ એક-બે સેકન્ડની હોય છે, એમ છતાં એનો પ્રભાવ એ વ્યક્તિના આખા જીવન પર પડતો હોય છે. એવી જ રીતે આ શૂક્ષ્મ સમય અને મુહૂર્તમાં પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થશે. એ પ્રાણપ્રતિષ્ઠા પ્રભુના જન્મ સમાન એક આચાર છે. તો એ સમયની બનેલી કુંડળી ભવિષ્યના અયોધ્યા અને ભવિષ્યના ભારત પર ખૂબ જ ઉમદા અને શ્રેષ્ઠ ફળ આપનારી બની રહેશે.’

મુહૂર્ત ભારત દેશને નવી ઊંચાઈએ લઈ જશે
‘જે મુહૂર્ત આવ્યું છે એની કુંડળીના ફળાદેશના આધારે જોવામાં આવે તો નજીકના સમયમાં આપણું ભારત, ભારતીય સંસ્કૃતિ અને ભારતનો સનાતન ધર્મ ટોચની કક્ષાએ પહોંચી જશે. પ્રેક્ટિકલી જોવા જઈએ તો ભારતની વૈશ્વિક વ્યવસ્થાઓ અને આધ્યાત્મિક ધોરણો તમામની અંદર ખૂબ જ પ્રગતિ અને નવી ઉંચાઈ જોવા મળશે. સાથે જ આ મુહૂર્તની અંદર થયેલી પ્રતિષ્ઠા, જેવી રીતે શાસ્ત્રોની અંદર ઉપમા આપવામાં આવી છે કે શેષ નાગની ફણા ઉપર મરાયેલી ખિલ્લી જેવું છે. જે કાયમ માટે સ્થિર થઈ જશે, જે ભવિષ્યમાં ભારતને એક કદમ ઉપર લઈ જશે. તો એકપણ ગ્રહ ખાડાની સ્થિતિમાં નથી, જેના સમય દ્વારા કરવામાં અને કરાવવામાં જે પણ જાતક છે એ પુણ્ય કક્ષાએ પહોંચશે.’

શું અધૂરા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ શકે?
વિશ્વ વોરાએ કહ્યું, ‘જે રીતે નીરોગી શરીર મળવું અઘરું છે એવી જ રીતે નિર્દોષ મુહૂર્ત મળવું અઘરું છે. 22 જાન્યુઆરીનું મુહૂર્ત ખૂબ જ શ્રેષ્ઠ, સૂક્ષ્મ અને નિર્દોષ છે. આવું મુહૂર્ત નજીકના દિવસોમાં ફરી પાછું નથી મળવાનું એટલે આ મુહૂર્તને પ્રાધાન્યતા આપવામાં આવી છે. જેમ આપણું ઘર બનવાનું કાર્ય ચાલતું હોય અને વચ્ચે સારું મુહૂર્ત હોય તો આપણે ત્યાં માટલી મૂકી દઈએ છીએ, એ પછી સંપૂર્ણ તૈયાર થયા પછી ગૃહપ્રવેશ કરતા હોઈએ છીએ. એવી જ રીતે રામમંદિરમાં પણ સારું મુહૂર્ત મળવાથી પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે. એ બાદ પણ મંદિરના નિર્માણની કામગીરી ચાલુ રહેશે.’

પ્રાચીન સમયમાં મંદિરનું મુહૂર્ત કેવી રીતે કાઢવામાં આવતું એ અંગે વિશ્વ વોરાએ કહ્યું, ‘એ સમયે રાજા અને તેમના પર ધર્મગુરુ હતા. એ સમયે ધર્મગુરુઓ શ્રેષ્ઠ દિવસ અને સમય નક્કી કરતા હતા. પ્રાચીન સમયમાં જાહોજલાલી સાથે ભવ્ય ઉત્સવ સાથે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થતી હતી. એવી જ રીતે આજના સમયે રાજાના સ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, જ્યારે ધર્મગુરુઓના સ્થાને શંકરાચાર્યજીઓ, મહંતો, મહાનુભાવો બિરાજમાન થવાના છે. એટલે તેમની નિશ્રામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે.’

રામલલ્લાના મંદિરની મુહૂર્તની લગ્ન કુંડળી અંગે વાત કરતાં વિશ્વ વોરાએ કહ્યું, ‘આ કુંડળીમાં મેષ લગ્ન છે, જે ખૂબ જ ઉત્તેજના અને સાહસિકતા આપતું લગ્ન છે, એની અંદર ગુરુ કેન્દ્ર સ્થાને લગ્ન સ્થાને છે, સાથે સાથે સૂર્ય એ પણ કેન્દ્ર અને સત્તાના સ્થાને છે. શનિ લાભ સ્થાને છે. બુધ અને શુક્ર ભાગ્ય સ્થાને છે અને ચંદ્ર મુહૂર્ત, મન અને ભારતનો કારક છે એ ગ્રહ ઉચ્ચનો છે, એટલે એ પણ સારું ઈન્ડિકેશન આપે છે.’

‘નવમાંશ કુંડળીની વાત કરીએ તો એ વૃશ્રિક રાશિની છે, એટલે કે એ સ્થિર રાશિ છે અને એક પ્રકારની દૃઢતા અને સ્થિરતા સૂચવે એવી રાશિ છે. આમાં કોઈપણ ગ્રહ ખાડાના સ્થાનમાં નથી. સૂર્ય ત્રિકોણના સ્થાનમાં છે જ્યારે ગુરુ એ ઉચ્ચનો થઈને ત્રિકોણના સ્થાનમાં છે, જેમાં ગ્રહો નૈસર્ગિક રીતે અશુભ હોવા છત્તાં શુભ ભાગ ભજવે છે.’

7 વર્ષની ઉંમરે માતા-પિતાએ ગુરુકુળમાં મોકલ્યા
વિશ્વ વોરાએ કહ્યું, ‘હું જ્યારે 7 વર્ષનો હતો ત્યારે મારાં માતા-પિતાએ મને સાબરમતીમાં આવેલી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા ગુરુકુળમાં અભ્યાસ માટે મૂક્યો હતો, જ્યાં મેં 64 અને 72 કળા અને વિદ્યાઓનું અધ્યયન કર્યું. મને પહેલેથી જ પ્રાથમિક જ્યોતિષના અષ્ટાંગના અભ્યાસ માટે વિશેષ રુચિ હતી, જેથી મેં સંસ્કૃતના ગ્રંથો થકી ખૂબ જ ઊડાણપૂર્વક અને સચોટ અભ્યાસ કર્યો છે. આજે જે વિકૃતિનું વાવાઝોડું બધે જ પ્રસરાઈ રહ્યું છે એનાથી બચવા અને સંસ્કાર સાથે શિક્ષણ આપવાના પ્રબળ કોન્સેપ્ટને લઈને મારાં માતા-પિતાએ મને ગુરુકુળમાં મૂક્યો હતો, જે પૂજ્ય હિતરૂચિ વિજયજી મહારાજથી પ્રેરિત થયેલ છે, જેનું સંચાલન ઉત્તમભાઈ શાહ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ‘

વિશ્વ વોરાએ કહ્યું, ‘મેં ગુરુકુળમાં જે જે અભ્યાસ કર્યો હતો એ સાંસ્કૃતિક અને સંપૂર્ણપણે ગ્રંથો આધારિત અભ્યાસ હતો. અહીં જે વિદ્યાઓ અને કળાઓ આજના સમયમાં લુપ્ત થઈ રહી છે એને પુનઃજાગ્રત કરવામાં આવી રહી છે. વિદ્યા અને કળાએ જ પશુ અને મનુષ્ય વચ્ચેની ભેદ રેખા છે. જે વિચારને ધ્યાનમાં રાખીને એ સમયે નવું ઇનિશ્યેટિવ લઈ મારાં માતા-પિતાએ મને ગુરુકુળમાં મૂકીને કર્યું, જેનું સફળ ઉદાહરણ તેઓ આજે જોઈ રહ્યાં છે.’

તેણે કહ્યું, ‘મેં ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન’ સંસ્કૃત વ્યાકરણ અને ન્યાયનો અભ્યાસ કર્યો છે, જેના આધારે જ્યોતિષના તમામ પ્રાચીન અને સિદ્ધાંતભૂત ગ્રંથોનો અભ્યાસ કરવાનો મને લાભ પ્રાપ્ત થયો. એમાં આચાર દિનકર, આરંભ સિદ્ધિ,મુહૂર્ત માર્તંડ, મુહૂર્ત દીપિકા, કલ્યાણ કલિકા અને પારાશર શાસ્ત્ર વગેરે ગ્રંથોનો સંસ્કૃત દ્વારા અભ્યાસ કર્યો અને એના દ્વારા ગૂઢ રહસ્યો અને બીજમંત્રોનો એક આસ્વાદ પ્રાપ્ત થયો, જેનાથી આજની દુનિયા અને શિક્ષણ વંચિત છે. તો એ દ્વારા જ્યોતિષ વિશારદ, જ્યોતિષ રત્ન અને જ્યોતિષ વિભૂષણની પણ ડિગ્રી પ્રાપ્ત થઈ છે.’

વિશ્વ વોરાએ કહ્યું, ‘ગુરુકુળમાં મેં સંસ્કૃત, અંગ્રેજી, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી, વૈદિક ગણિત, ગણિત, જ્યોતિષ, આયુર્વેદ, વાસ્તુ, હસ્તરેખા, જ્યોતિષનાં અષ્ટાંગો, સાથે જ ગીત, સંગીત, વાધ્ય, નૃત્ય અને તમામ પ્રકારની શારીરિક કળાઓનો અભ્યાસ કર્યો છે. મને મૂળ તો જ્યોતિષ અને એનાં અષ્ટાંગોમાં વધુ રુચિ રહેલી છે, જેમાં મૂર્હૂત, હસ્તરેખા, કુંડળી, પ્રશ્ન કુંડળી, વાસ્તુ, શિલ્પ, અંકશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામૃદ્રિક શાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે.’

વિશ્વ વોરાએ વધુમાં કહ્યું, ‘જ્યોતિષ દરેકના જીવન સાથે સંકળાયેલી કળા છે. જે દરેકના જીવનમાં પ્રકાશ અને નવી દિશા બતાવે છે. આજના સમયમાં જો કોઈ વ્યક્તિ 10 ફૂટના 10-10 કૂવા ખોદે અને કોઈ વ્યક્તિ 100 ફૂટનો 1 કૂવો ખોદે ને જે સફળતા પામે. એવી જ રીતે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે જ્યોતિષનું માર્ગદર્શન લઈને આગળ ચાલે તો તે વ્યક્તિનો ઓછો સમય અને શક્તિ સંસાધન વપરાશે અને એટલી જ સફળતા મળશે.’

એક બીજમંત્રમાં રહેલી છે એક હજાર મંત્રોની તાકાત
બીજમંત્રની પદ્ધતિ અંગે વિશ્વ વોરાએ કહ્યું, ‘બીજમંત્ર એટલે આમાં કોઈ ફળનું કે ઝાડનું બીજ નહીં, પરંતુ એક હજાર મંત્રની તાકાત ધરાવતા એક પ્રબળ મંત્રને બીજ મંત્ર કહેવાય છે. એક બીજમંત્રમાં એક હજાર મંત્રોની તાકાત હોય છે. આ એવી પદ્ધતિ છે, જેમાં જાતકની કુંડળીના ગ્રહોના સંયોગથી મંત્રની રચના કરવામાં આવે છે. આ મંત્રની પ્રણાલી આજે લુપ્ત પ્રાય છે. ભારતમાં ગણીને લગભગ 4 કે 5 લોકો પાસે જ આ પ્રણાલી છે, જેમાં મારો પણ સમાવેશ થાય છે. આજના સમયમાં જ્યોતિષ વિદ્યાને અમુકે ક્યાંક પોતાનું કમાવવાનું સાધન બનાવીને નંગ અને વિધિઓ દ્વારા પોતાની આજીવિકાનું સાધન બનાવ્યું છે, જેના કારણે લોકોમાં અંધશ્રદ્ધાનો વિષય બની ગયો છે, પણ આ એક પ્રાચીન શાસ્ત્ર છે, જેને ફરી કાર્યરત કરવા માટે મેં આ પ્રણાલી શીખી છે. આ માટે ગુરુકુળનો અભ્યાસ પૂર્ણ કરીને હું કોરાનાકાળની આસપાસ બનારસ ગયો હતો. જ્યાં મેં સૂર્યકુમારજી રાઘવજી પંડિત પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બીજમંત્ર દ્વારા કોઈપણ કાર્યનું ત્વરિત અને સચોટ નિવારણ આવે છે. અત્યારસુધીમાં 15 હજારથી વધુ જાતકોનું હેલ્થ, વેલ્થ અને તમામ પ્રકારના પ્રશ્નોનું નિવારણ કર્યું છે. એક અંદાજ પ્રમાણે 19 હજાર જેટલા આવા મંત્રો છે.’

વિશ્વ વોરાના પરિવાર વિશે
વિશ્વ વોરાએ પોતાના પરિવારના સભ્યો વિશે જણાવતાં કહ્યું, ‘મારા પરિવારમાં માતા-પિતા અને મારાથી નાનો એક ભાઈ છે. મારા પિતાજી જયેશભાઈ વોરા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે, માતા સેજલ બેન ગૃહિણી છે. જ્યારે નાનો ભાઈ ધ્યાન 15 વર્ષનો છે અને તે પણ પણ હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યો છે.’

Advertisement