GUJARAT

‘હું એક દિવસ પોલીસવાન ઉઠાવી જઈશ અને તમે જોતા રહી જશો’

ગાંધીધામમાં રહેતો મોહિત અશોક શર્મા નામના એક શખ્સ સામે બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે. ગાંધીધામમાં બદનક્ષીના કેસમાં પૂછપરછ વખતે તેણે પોલીસ અધિકારીને ધમકી આપી કે, હું એક દિવસ પોલીસવાન ઉઠાવી જઈશ અને તમે જોતા રહી જશો. જો કે આ ધમકી તેણે ભલે ગાંધીધામમાં આપી પણ તેનો અમલ 350 કિલો મીટર દૂર જઈને કર્યો અને પોલીસને રીતસરની દોડતી કરી દીધી. આ મોહિત શર્માએ એવું તે કૃત્ય કર્યું કે પોલીસ પણ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી, કારણ કે તેણે પોલીસના નાક નીચેથી પોલીસની જ બોલેરો ઉઠાવી હતી. માત્ર એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર પોલીસની બોલેરોનો ફોટો પોસ્ટ કરી પડકાર ફેંક્યો હતો.

દ્વારકા પોલીસ સ્ટેશનમાં પડેલી પોલીસની બોલેરો જ ઉઠાવી જનારો આ મોહિત શર્મા કોણ છે? પોલીસે તેને કઈ રીતે પકડ્યો? જીપ ચોર પાસે ચાવી ક્યાંથી આવી?

દ્વારકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બુધવાર અને 27 ડિસેમ્બર, 2023ના રોજ નાઇટ ગ્રાઉન્ડની ફરજ બજાવી સવારે 5:00 વાગ્યે એટલે કે ગુરુવારે ઘરે ગયા. જ્યારે ડ્રાઇવરે પોલીસની બોલેરો જીપને દ્વારકા પોલીસ સ્ટેશને મૂકી દીધી. પરંતુ પોલીસ જીપના ડ્રાઇવરે બેદરકારી દાખવી અને જીપની ચાવી તેમાં જ રાખી દીધી અને ડ્યૂટી પૂર્ણ થયા બાદ ઘરે ચાલ્યા ગયા હતા. માત્ર એટલું જ નહીં તેમની જગ્યાએ ફરજ પર આવેલા બીજા ચાલકે પણ જીપની ચાવી સમયસર પોતાના કબજામાં લેવાની દરકાર કરી ન હતી. આ બન્ને ડ્રાઇવરોએ જીપની ચાવી જીપમાં જ રાખવાની ભૂલ કરી ત્યારે તેમને ખબર પણ નહોતી કે, આ એક ભૂલ પોલીસની ફજેતી કરાવવા માટે કાફી છે અને તેને કારણે જામનગર પોલીસને કલાકો સુધી ગાડીઓ દોડાવવાની નોબત આવશે.

તો બીજી તરફ ગાંધીધામ રહેતો મોહિત શર્મા નામનો શખ્સ ઘરેથી દ્વારકાધીશનાં દર્શને જવાનું કહી બાઇક લઈ નીકળી પડે છે. દ્વારકા પહોંચ્યા બાદ તે પોતાનું બાઈક દ્વારકા પોલીસ સ્ટેશન બહાર રાખી દે છે.

મોહિતની નજર ચાવી પર પડતા જ મલકાવા લાગ્યો
પોતાનો સમય પૂર્ણ થવા દરમિયાન અન્ય ફરજ પર આવેલા પોલીસકર્મીને જીપની ચાવી સમયસર પોતાના કબજામાં લેવાની દરકાર પણ ન કરી હતી. 28 ડિસેમ્બર, ગુરુવારે સવારના 8 થી 8.25 આસપાસ દ્વારકા પોલીસ સ્ટેશનના પટાંગણમાંથી જીજે-18-જીબી 72** નંબરની દ્વારકા પીઆઈની બોલેરો જીપ પડેલી હતી. આ દરમિયાન મોહિત શર્મા નામનો વ્યક્તિ આંટાફેરા કરતો પોલીસ સ્ટેશનના પટાંગણમાં આવી પહોંચ્યો હતો અને તેની નજરે પોલીસ જીપની ચાવી પડી હતી. જીપમાં ચાવી જોઇ જતા તેણે ગાંધીધામમાં પોલીસને પોલીસવાન ઉઠાવી જવા માટે ફેંકેલો પડકાર યાદ આવ્યો અને તેને પોતાની આ ચેલેન્જ હવે પૂરી થવામાં હાથવેંત જ દૂર દેખાઈ. આ સાથે જ તેની આંખોમાં અજબ ચમક આવી અને મંદ મંદ હસતો હસતો તે જીપ પાસે આવી પહોંચ્યો. તુરંત જ તે ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાયો ચાવી ફેરવી અને જીપ સ્ટાર્ટ કરી બેખૌફ બનીને દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી જીપ બહાર કાઢી. આમ તે પૂરપાટ ઝડપે જીપ હંકાવી નાસી છૂટ્યો.

નાકાબંધી કરી અને ફિલ્મી દૃશ્યો સર્જાયાં
જો કે પોલીસની બોલેરો જીપ ઉઠાવી લેવામાં આવી હોવાની જાણ પણ પોલીસને કલાકો પછી થઈ હતી. શરૂઆતની તપાસમાં તો પોલીસે મિત્રો અને આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. તેમજ નજીકના વિસ્તારોમાં જીપ શોધવામાં આવી હતી. જો કે તેમાં પોલીસને સફળતા ના મળતા જીપ કોઈ ચોરી લીધી હોવાની શંકા ગઈ હતી. જેથી પોલીસે તેની વિધિવત્ તપાસ શરૂ કરી હતી. તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યા કે, દ્વારકા પોલીસ સ્ટેશનના પટાંગણમાંથી પોલીસની જીપ ઉઠાવી લેવામાં આવી છે. આ તપાસ દરમિયાન પોલીસે સૌથી પહેલા સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું. તેની સાથે સાથે દ્વારકા એસઓજીએ તેનો પીછો કરતા ફિલ્મી ચેઝ જેવાં દૃશ્યો સર્જાયાં. તેની સાથે સાથે આ અંગે એસઓજીએ જામનગર એલસીબીને પણ આ અંગે વાકેફ કરી દીધી હતી. આ સમાચાર મળતાં જ એલસીબીએ તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી હતી.

ખંભાળિયાના ટોલનાકા પાસેથી પસાર થઈ અને 130 કિમી દૂર પહોંચ્યો
પોલીસની આ જીપની ડીઝલ ટેન્ક ફુલ હતી, જેથી મોહિતે રસ્તામાં ક્યાંય પણ જીપ ઊભી રાખવાની ફરજ પડી નહોતી. આ ગંભીર બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરી હતી. આ બોલેરો સૌપ્રથમ તો દ્વારકા નજીકના કુરંગા અને ત્યારબાદ ખંભાળિયાના ટોલનાકા પાસેથી પસાર થઈ અને જામનગર તરફ ગઈ હોવા અંગેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને હાથ લાગ્યા હતા. આ શખ્સ બોલેરો જીપ લઇને જામનગર સુધી 130 કિ.મી.આવી ગયો હતો અને મોજમજા માટે દ્વારકા પીઆઇની બોલેરો ઉપાડી સેલ્ફી પણ લીધી હતી. જે સોશિયલ મીડિયામાં વહેતી કરી હતી. ગુરુવારે સવારે 8.15 વાગ્યે જીપ ઉઠાવી હતી અને બપોરે 2.30 કલાકે જામનગરની અંબર ચોકડી પાસેથી પકડાયો હતો. આમ તેણે 6.15 કલાક સુધી પોલીસની આ જીપ ફેરવી રાઈડની ખૂબ મજા લીધી હતી.

અંતે અહીંથી ઝડપાયો પોલીસવાનનો ચોર
ત્યાર પછી તપાસમાં જોડાયેલી જામનગર પોલીસે અંબર ચોકડી પાસેથી આ જીપ પકડી પાડી હતી. તેમાંથી મૂળ હરિયાણાના ચરખી દાદરી ગામનો રહેવાસી અને કચ્છના ગાંધીધામમાં રહેતો મોહિત અશોકભાઈ શર્મા નામનો શખ્સ મળી આવ્યો હતો. તેને અટકમાં લઈ દ્વારકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી અને દ્વારકા એસઓજીએ આરોપીનો કબજો સંભાળ્યો હતો. આ દરમિયાન દ્વારકાના PI ટી.સી.પટેલે ખુદ ફરિયાદી બની સરકારી વાહનની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સની વિધિવત્ ધરપકડ કરાયા પછી તેને રિમાન્ડની માગણી સાથે દ્વારકા કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ જીપ ઉઠાવવા પાછળ ક્યું પ્રયોજન છુપાયેલું હતું? તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મજાની વાત તો એ છે કે પ્રાથમિક પૂછપરછમાં મોહિત શર્માએ ખુલાસો કર્યો કે, તેણે જીપ સાથે એક બે સેલ્ફી પણ પડાવી અને જીપમાં હરીફરીને રખડવું હતું. ત્યારબાદ આ જીપને વેચી નાંખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

કોણ છે આરોપી મોહિત શર્મા?
આરોપી મોહિત શર્માની પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેના પિતા અશોક શર્મા રેલવેમાં નોકરી કરતા હતા. જ્યારે મોહિતની આ અગાઉ ચોરીના ગુનામાં પણ સંડોવણી બહાર આવી હતી. તેમજ તે ડ્રગ્સનો પણ બંધાણી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસને આ શખ્સ પોલીસ વાહન સ્ક્રેપમાં વેચી નાંખશે એવી એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ચાવી ભૂલનારા બન્ને ડ્રાઇવરને આ સજા મળી
આ દરમિયાન દ્વારકાના જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ ઓળકિયા તથા કાળુભાઈ મોઢવાડિયાને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બનાવને લઈ પોલીસ બેડામાં શરમ અનુભવાઈ રહી છે અને ડ્યૂટી પરના અધિકારીથી લઈ કોન્સ્ટેબલ સૌ કોઈ વધુ સજાગ બની ગયા છે. જો કે એ સસ્પેન્ડ કર્યા તે ડ્રાઇવરોની પણ બેદરકારી તો હતી એવી જાત જાતની વાતો પણ ચાલી રહી છે.

Advertisement