GUJARAT

લાશ હત્યારાની પાછળ પાછળ આવી, અને પછી ધ્રુજાવી દેતો ખુલાસો થયો

ગત 20 ડિસેમ્બર, બુધવારના રોજ મહિલા બાળકલ્યાણ વિભાગમાં નાયબ સચિવના અંગત મદદનીશ રોહિત સિસારા સાંજે 6 વાગ્યે ઘરે આવવાને બદલે રાત પડવા છતાં ઘરે પહોંચતા નથી, જેથી તેમની બહેન ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ ફરિયાદ કરે છે તેમજ પરિવારે મહિલા બાળકલ્યાણ વિભાગમાં નાયબ સચિવને પણ આ અંગે જાણ કરી તો તેમણે આ તપાસ ગાંધીનગર LCBને સોંપવાનું કહેતાં આખો કેસ ગાંધીનગર LCBએ હાથમાં લીધો અને પછી એક બાદ એક રહસ્યો સામે આવવા લાગ્યાં હતાં.

મૃતકના પરિવારમાં કોણ કોણ છે?
ગાંધીનગર LCB પીઆઇએ જણાવ્યું હતું કે ગાંધીનગરના સેક્ટર-6માં રહેતાં 32 વર્ષીય દક્ષાબહેન સિસારા મૂળ મહુવાના ભાદ્રોડ ગામના રહેવાસી છે. દક્ષાબહેન જૂના સચિવાલયમાં આવેલી મહિલા અને બાળ વિકાસની કચેરીમાં સેવિકા તરીકે નોકરી કરે છે. તેઓ પાંચ ભાઈ-બહેન છે, જેમાં સોથી મોટાં દક્ષાબહેન છે અને સૌથી નાનો 24 વર્ષીય રોહિત છે, જે નવા સચિવાલયના બ્લોક નંબર-9માં આવેલા મહિલા બાળકલ્યાણ વિભાગમાં નાયબ સચિવના અંગત મદદનીશ તરીકે બે વર્ષથી કરાર આધારિત ફરજ બજાવે છે. હાલ દક્ષાબહેન તેમના બંને ભાઈ અને પતિ સાથે રહે છે.

રાતના 10 વાગ્યે પણ ઘરે ન આવતાં બહેને પોલીસને જાણ કરી
20 ડિસેમ્બર, 2023 અને બુધવારની સવારે 10 વાગ્યા આસપાસ રોહિત ઘરેથી નોકરીએ જવા માટે નીકળે છે અને 6:30 વાગ્યાનો રોહિતભાઇનો ઘરે આવવાનો ટાઈમ હોય છે, પરંતુ એ દિવસે 6:30 વાગવા છતાં તે ઘરે આવ્યો નહીં, જેથી પરિવારજનોએ રોહિતને 6:30 વાગ્યે ફોન કર્યો હતો, પણ ફોન ઊપડ્યો નહીં, જેથી પરિવારજનોને લાગ્યું કે કદાચ ફોનમાં બેટરી નહીં હોય એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હશે, પરંતુ રાતના 10 વાગવા છતાં પણ તે ઘરે ના આવતાં તેમનાં બહેન દક્ષાએ સેકટર-7 પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે જાણવા જોગ ફરિયાદ નોંધાવી કે સાંજે 6 વાગ્યે ઘરે આવવા નીકળ્યા હતા, પણ મોડી રાત થવા છતાં પણ તેઓ ઘરે આવ્યા નથી. ગુમ થયેલો રોહિત અગ્ર સચિવના પીએ તરીકે નોકરી કરતો હતો એટલે તેમના અધિકારીને પણ પરિવારજનોએ જાણ કરી હતી.

CCTVમાં સફેદ રંગની હોન્ડા વર્ના કાર દેખાઈ
ત્યાર બાદ આ ઉચ્ચ અધિકારીએ LCBને તપાસ કરવાનું કહેતાં સમગ્ર મામલે LCBએ તપાસ શરૂ કરી હતી. અમે આ રોહિતના મોબાઈલ ફોનનું લોકેશન મેળવ્યું અને અમને છેલ્લું લોકેશન પથિક આશ્રમ પાસેનું આવતું હતું, જેથી તાત્કાલિક અમારી ટીમ પથિક આશ્રમ જ્યાં રોહિતનું છેલ્લું મોબાઈલ લોકેશન આવતું હતું ત્યાં પહોંચી હતી. આ દરમિયાન અમે રોહિતના મોબાઇલના CDR(કોલ ડિટેઈલ રેકોર્ડ્સ) પણ મગાવ્યા હતા, જેથી છેલ્લે કોની સાથે વાત કરી એનો ખ્યાલ આવે. બીજી બાજુ આ લોકેશન હતું એની આજુબાજુના સીસીટીવી જોવાનું અમે શરૂ કર્યું અને અમને એક સીસીટીવી મળ્યા, જેમાં સફેદ રંગની એક હોન્ડા વર્ના કાર આવે છે અને ત્યાં રોહિત પણ તેનું બાઇક લઈને આવે છે અને તેનું બાઇક પાર્ક કરીને ગાડીમાં બેસતો જોવા મળે છે. જ્યારે બીજો એક માણસ જે પલ્સર બાઇક લઈને આવ્યો હતો તે પણ તેની ગાડી ત્યાં રાખી દે છે અને આ વર્ના ગાડીમાં બેસી જાય છે એટલી વિગત અમને મળી હતી.

એ દિવસે કાલોલ જાસપુર કેનાલમાં લાશ તરતી જોવા મળી
હવે અમારે આ તપાસ આગળ વધારવા માટે રોહિત સાથે કારમાં બીજા બે લોકો કોણ હતા? એ સવાલનો જવાબ શોધવાનો હતો એટલે અમે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. આ તપાસ ચાલી રહી હતી એ દરમિયાન 23-12-2023ના રોજ બપોરે કલોલ જાસપુર કેનાલમાં લાશ તરતી જોવા મળતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. આ લાશના બંને પગે દોરડું બાંધેલું હતું તેમજ ગળાના ભાગે પણ ટૂંપો દઈ દોરડું બાંધેલું હતું, જેના પગલે સાંતેજ પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ જ હત્યા થયાની થિયરી પર તપાસ શરૂ કરી દીધી હતી.

દાંત ઉપર ચડાવેલું વરખ જોયું ને ઓળખ થઈ
પોલીસે તાત્કાલિક આ લાશને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની મદદ લીધી હતી અને લાશને બહાર કાઢી કલોલ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. સેકટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહેલેથી જ રોહિત નામની વ્યક્તિ ગુમ થઈ હતી. આ ડેડબોડી રોહિતની છે કે કેમ એ બાબતે સેક્ટર-7 પોલીસ તપાસ હાથ ધરે છે અને રોહિતનાં પરિવારજનોને બોડી બતાવે છે. આ બોડી પર જમણા હાથના અંગૂઠા પર R લખેલો હતો અને દાંત ઉપર વરખ ચડાવેલું હતું, તેણે કમર પરનો બેલ્ટ પણ તેના ભાઈ રઘુનો પહેર્યો હતો અને આ બધી નિશાનીઓ જોઈને પરિવારજનોએ રોહિતની ડેડબોડી હોવાનું કન્ફર્મ કર્યું હતું.

‘અમે મિત્રો છીએ એટલે મળ્યા હતા’
આ રાત્રિ દરમિયાન અમે અલગ અલગ સીસીટીવી જોવાનું ચાલુ કર્યું. બીજી બાજુ અમે જે સીડીઆરનો ડેટા મગાવ્યો હતો એમાં પણ રોહિતની જેની સાથે છેલ્લી વાત થઈ હતી તેની વિગત મળી એટલે એ માણસને શોધવાનું શરૂ કર્યું. ત્યાર બાદ એ માણસ પણ આવ્યો. 21 ડિસેમ્બરના રોજ એ વ્યક્તિને લાવીને તેની પૂછપરછ શરૂ કરી હતી, તેના ફોનમાં ટાઈમ લાઇનમાં પુરાવા મળ્યા કે આતરસૂંબા કેનાલ બાજુ ગયેલો હતો. જોકે એ દિવસે રાજ ચૌહાણ નામના શખસે પોલીસને એવું કહ્યું કે ‘અમે મિત્રો છીએ એટલે મળ્યા હતા’ અને રોહિતને આગળ જઈને મેં ઉતારી દીધો હતો. પછી એ ક્યાં ગયો એ અંગે મને ખબર નથી. આમ, હવે અમે આરોપી જે રીતે માઇન્ડ ગેમ રમતો હતો તેનાથી એક સ્ટેપ આગળ વિચારવાનું શરૂ કર્યું અને અમે રાજ ચૌહાણના મોબાઇલના સીડીઆર કઢાવ્યા. આ સીડીઆરથી ખબર પડી કે 20 તારીખે રાજ ચૌહાણ સતત પ્રાંતિજના ધવલના કોન્ટેક્ટમાં હતો, જેથી LCBની ટીમ બીજા દિવસે સવારે ધવલને લઈ આવી અને રાજન સામે બેસાડી દીધો. ધવલને રાજ ચૌહાણની સામે બેસાડતાં જ જે રાજ પોલીસથી બચવા ગતકડાં કરી રહ્યો હતો તેના હાવભાવ જ બદલાઈ ગયા અને પોપટની જેમ બોલવાનું શરૂ કરી દીધું.

રોહિતને છોડીને પ્રેમિકા રાજને પ્રેમ કરવા લાગી
સચિવાલયમાં જ કામ કરતા રાજ ચૌહાણે સેક્ટર-7(ગાંધીનગર)પોલીસ સમક્ષ કબૂલાત કર્યા મુજબ, રાજ મૂળ વાઘજીપુર કપડવંજનો રહેવાસી છે અને થોડા સમય પહેલાં સચિવાલયમાં નોકરીએ લાગ્યો હતો. જ્યારે અત્યારે પ્રાઇવેટ કંપનીમાં ડેટા ઓપરેટર તરીકે નોકરી કરે છે. ભોગ બનનાર રોહિત મહિલા બાળકલ્યાણ વિભાગમાં નાયબ સચિવના અંગત મદદનીશ(પીએ)તરીકે નોકરી કરતો હતો. એ દરમિયાન રોહિત સાથે રાજ સંપર્કમાં આવ્યો હતો. આ સમયે રોહિતનો પરિચય સચિવાલયમાં જ કોન્ટ્રેક્ટ બેઝ પર કામ કરતી એક યુવતી એવી રીના(નામ બદલ્યું છે)સાથે થયો હતો અને બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જેથી બંને અવારનવાર વાતચીત કરતાં હતા. થોડા સમય બાદ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યાર બાદ રીનાનો રાજ ચૌહાણ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

‘એ તારી સાથે વાત નથી કરતી તો તું તેનાથી દૂર થઈ જા’
જોકે આ રીનાના પ્રેમસંબંધ અંગે રોહિતને ખબર પડી ગઈ હતી, જેથી તેને પણ ગમતું નહોતું. રોહિત આ અંગે રીનાને પૂછપરછ કરતો કરતો હતો. એને લઈને રીનાએ રાજને જાણ કરી કે રોહિત મારી પૂછપરછ કર્યા રાખે છે, જેથી રાજ અને રોહિત એક-બે વાર મળ્યા અને રોહિતને ધમકી આપી હતી કે ‘એ છોકરી તારી સાથે હવે વાત નથી કરતી તો તું તેનાથી દૂર થઈ જા’. જ્યારે રાજને એવી પણ શંકા હતી કે રોહિત અને રીના બંને હજી પણ વાતચીત કરે છે. ધવલ પ્રાંતિજના સીતવાડાનો રહેવાસી છે અને હાલમાં ખેતી કરે છે. ધવલ અને રાજ ખાસ મિત્રો હોવાથી બન્ને વચ્ચે આ બાબતે અવારનવાર વાતચીત થતી હતી અને રાજે ધવલને કહ્યું કે આ માને તો ઠીક છે, નહિતર આપણે તેને પતાવી દઈએ. ધવલ અને રાજ બંને વચ્ચે રોજ મુલાકાત થતી હતી, જેથી 15 ડિસેમ્બરના રોજ રાજે દેહગામથી દોરડું લીધું હતી અને ગાડીમાં મૂકી દીધું. આ સાથે તે રોહિતને પતાવી દેવા માટે એક તકની રાહ જોઇને જ બેઠો હતો.

‘મારે મળવું છે તું આવ’
આમ તેના આગોતરા પ્લાન પ્રમાણે, 19 ડિસેમ્બરના રોજ રાજ અને ધવલ કાર લઈને ગાંધીનગર આવે છે અને રાજના ઘરે જવાના રસ્તા પર ઊભા રહીને રેકી કરી કે રોહિત કઈ રીતે અને ક્યારે ઘરે જાય છે તેમજ તેની સાથે કોણ કોણ હોય છે? આ બધું તેણે જોઈ લીધું હતું. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 20 ડિસેમ્બરે 6 વાગ્યા આસપાસ રામકથા મેદાન નજીક રાજ તેની કાર લઈને જ્યારે ધવલ તેનું પલ્સર બાઇક લઈને આવે છે. જોકે રોહિત આ લોકો જ્યાં ઊભા હતા ત્યાંથી આગળ તેના ઘર તરફ પહોંચી ગયો હતો એટલે રાજે રોહિતને ફોન કર્યો અને કહ્યું કે ‘મારે મળવું છે, તું આવ’ એટલે થોડીવારમાં રોહિત તેની ગાડી લઈને રાજે જ્યાં બોલાવ્યો હતો ત્યાં સેક્ટર 11 ખાતે આવેલા રામકથા મેદાન પહોંચે છે. જ્યાં રાજે તેના મિત્ર રોહિતને કહ્યું કે કારમાં બેસી જા, થોડું કામ છે એટલે રોહિત ગાડીમાં પાછળના ભાગે બેસી ગયો.

‘તું કેમ રીના સાથે વાત કરે છે’
ત્યાર બાદ રાજ અને ધવલ ગાડીના આગળના ભાગે બેસીને વર્ના ગાડીમાં તેને લઈને આગળ જવા માટે નીકળ્યા હતા. થોડીવાર બાદ રાજ અને ધવલે ભેગા મળીને રોહિતનો ફોન લઈ સ્વિચ ઓફ કરી દીધો. ત્યાર બાદ રાજ અને રોહિત વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. રાજે રોહિતને કહ્યું કે ‘તું કેમ રીના સાથે વાત કરે છે’ એટલે રોહિતે કહ્યું કે હું અત્યારે તેની સાથે વાત કરતો નથી, એટલે રોહિત એવું જ સતત કહેતો હતો કે હું રીના સાથે વાત નથી કરતો. રાજને એમ હતું કે આ ખોટું બોલે છે એટલે તેઓ વર્ના કાર ગાંધીનગર FSL બાજુ લઈ ગયા અને એ દરમ્યાન ધવલ અને રાજે બંનેએ ભેગા મળીને ગાડીમાં અગાઉથી રાખેલું દોરડું કાઢ્યું અને રોહિતના હાથપગ બાંધી દીધા.

હસતાં હસતાં કહ્યું, ‘વાંધો નહીં, લો બાંધી દો’
રોહિત આ રાજને સારી રીતે ઓળખતો હતો અને મિત્ર જેવો પણ હતો એટલે રોહિતને લાગ્યું કે આ બંને મજાક કરે છે, જેથી તેણે કોઈ બૂમાબૂમ કે ચીસાચીસ ના કરી અને સામે ચાલીને હસતાં હસતાં કહ્યું કે ‘વાંધો નહીં, લો બાંધી દો એવું કશું નથી’. રોહિત તો રાજને મિત્રની નજરે જોતો હતો, એટલે આગળ આ લોકો તેની સાથે શું કરશે એનો તેને કોઈ અંદાજ નહોતો. FSL આગળ પહોંચીને રાજ અને રોહિત વચ્ચે આ રીનાની વાતને લઈને બબાલ ઉગ્ર થઈ હતી, એટલે રાજ અને ધવલનું તો રોહિતનું પતાવી દેવાનું પહેલાંથી જ પ્લાનિંગ હોવાથી જે હાથે દોરી બાંધી હતી એ દોરીથી રાજ અને ધવલે ભેગા મળીને રોહિતનું ગળું દબાવી દીધું.

ડેડબોડીએ 60 કિમી સુધી હત્યારાનો પીછો કર્યો!
આમ ગાડીમાં જ રોહિતની ગળું દબાવીને હત્યા કર્યા બાદ આ રાજ અને ધવલ વર્ના કારમાં આગળ બેસીને જ્યારે રોહિતનો મૃતદેહ પાછળ મૂકીને સેક્ટર-11 બાજુ આવ્યા હતા, કારણ કે સેક્ટર-11માં ધવલની બાઇક પડીહતી, જેથી રાજે ધવલને સેકટર-11 નજીક જ્યાં તેની બાઇક પડી હતી ત્યાં ઉતારી દીધો અને ત્યાર બાદ રાજ ગાડીમાં રોહિતનો મૃતદેહ લઈને ચિલોડા દહેગામ થઈને કપડવંજના આતરસૂંબા પહોંચ્યો હતો, જ્યાં તેના ઘરથી 5 કિલોમીટર દૂર નર્મદા કેનાલમાં રોહિતનો મૃતદેહ નાખી દીધો હતો. જોકે આ ડેડબોડી તરતી તરતી કપડવંજથી કલોલ જાસપુર પાસે પહોંચી હતી. આમ ગુનો ક્યારેય ગુનેગારને છોડતો નથી એ ન્યાયે ડેડબોડીએ 60 કિલો મીટર જેટલું અંતર કાપ્યું હતું. આમ જે અપરાધ છુપાવવા રાજ કપડવંજ સુધી ગયો હતો એ જ પાપ તેની પાછળ પાછળ આવ્યું હતું, જેનાથી રાજ અજાણ હતો. આમ, મૃતક રોહિતે પોતાના હત્યારાઓને પોલીસ સુધી પહોંચાડવા આટલું લાંબું અંતર કાપ્યું હતું.

Advertisement