GUJARAT

વિધવા વહુઓને ઘરમાંથી કાઢી મૂકતા પરિવારો ખાસ વાંચે, મિતલબેને નવું જીવન આરંભ્યું

વિધવા વહુને ઘરમાંથી કાઢી મૂકી હાથ ઉંચા કરી દેતા સાસરિયાઓની આંખ ઉંઘાડતો કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લામાં સામાજિક ક્રાંતિની સુખદ ઘટના બની હતી. એક પાટીદાર પરિવારે ખાનદાની દેખાડી દિવંગત દીકરાની વિધવા વહુના ધામધૂમપૂર્વક સાસરે વળાવી હતી. યુવતીએ 8 વર્ષની દીકરી સાથે ફરી નવજીવન આરંભ્યું છે.tan

પાટણના સંડેર ગામમાં રહેતાં મહેન્દ્રભાઈ પટેલે સમાજને નવી રાહ ચિંધતો નિર્ણય લીધો છે. વાત એમ છે કે મહેન્દ્રભાઈ પટેલના પુત્ર અંકુરભાઇના લગ્ન વાલમ ગામના વતની જયંતીભાઈ પટેલની સુપુત્રી મિતલબેન સાથે થયા હતા. કુદરતને આ હર્યાભર્યા પરિવારની ખુશી મંજૂર ન હોય એમ અંકુરભાઈનું પોણા ત્રણ વર્ષ પહેલાં આકસ્મિક અવસાન થયું હતું.

બનાવથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સંતાનમાં એક દીકરીની જવાબદારી પણ માતા મિતલબેન પર આવી પડી હતી.મહેન્દ્રભાઈ પટેલના પરિવારે વિધવા બનેલી વહુને એકલી ન પડવા દઈને સધિયારો આપ્યો હતો. થોડોક સમય પછી દુ:ખ હળવું થતાં પાટીદાર પરિવાર વિધવા વહુને પુન: લગ્ન કરાવવાનો નિર્ણય લીધો હતો.

સારા પાત્રની શોધખોળના અંતે મિતલબેનના ભાંડુ ગામના વતની મહેશકુમાર પટેલ સાથે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.મિતલબેનના સસરા મહેન્દ્રભાઈ પટેલે મિતલબેનને તેમના ઘરેથી જ પોતાની દીકરીની જેમ પરણાવીને વિદાય કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જેને મિતલબેનના પિતા જયંતીભાઈ અને પરિવારે પણ સંમતિ આપતા 30 મે 2021 ના રોજ મિતલબેનના લગ્ન મહેશકુમાર સાથે સંપન્ન થયા હતા. અને પૌત્રી જેની સાથે મિતલબેનને પતિ સાથે વિદાય આપી હતી.પાચ ગામ લેઉવા પાટીદાર સમાજમાં સામાજિક ક્રાંતિની સુખદ ઘટનાના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

Advertisement