FEATURES

લાશ જોતાં મોઢું એકદમ કોહવાઈ અને છુંદાઈ ગયું હતું

ગત 3 ડિસેમ્બર, 2023ની રાત્રે આઠેક વાગ્યે હું ગામમાં ગયો અને પરત આવી રહ્યો હતો ત્યારે કોઈ વ્યક્તિ અમારા ઘર પાછળથી કપાસમાં ભાગી એવું લાગ્યું હતું. મેં આવીને જોયું તો રૂમ પાછળ મારી પત્ની ઊભી હતી, જેથી મેં તેને પૂછ્યું હતું કે ‘તું અહીં શું કરે છે’? તો તેણે મને કહ્યું કે તે કુદરતી હાજતે માટે અહીં આવી હતી. આ શબ્દો છે એક પતિના, જેણે ખાટલામાં સૂઈ રહેલી પત્નીને રાત્રે 3 વાગ્યે ઊઠીને પતાવી દીધી છે.

શું છે મામલો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના કનકપુર (ખોખરી) ગામમાં સંતોષ નામના શખસે તેની પત્ની કેસરબાઈની કુહાડાથી ઘાતકી રીતે હત્યા નિપજાવ્યા બાદ વાડીમાં જ લાશ દાટી ચાર સંતાનોને લઈ ભાગી ગયો હતો. જોકે પડધરી પોલીસે યુક્તિપૂર્વક તેને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેણે કહ્યું કે ખરેખર મેં પત્નીની હત્યા કરી જ નથી. મારા શરીરમાં પ્રવેશેલા પ્રેતાત્માએ મર્ડર કર્યું છે.

પતિએ પત્નીની શા માટે હત્યા કરી? હત્યા બાદ તેણે શું શું કર્યું? કેવી રીતે પોલીસે તેને પકડી પાડ્યો? વાંચીને ચોંકી જશો

પરિણીતાના પરિવારમાં કોણ કોણ?
આ હત્યા કેસ મામલે મૃતક પરિણીતાના ભાઈએ પડધરી પોલીસને જણાવ્યું હતું કે મારું નામ દિલીપભાઈ હરિરામભાઈ બામણિયા છે અને મારી ઉંમર 28 વર્ષની છે. હું અત્યારે હાલ ધ્રોલ તાલુકાના ખેગારકા ગામે મગનભાઈ પટેલની વાડીમાં એક વર્ષથી રહું છું અને ખેતમજૂરી કરી મારું તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારા પરિવારમાં હું, મારી પત્ની અને મારે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. મારાં પિતા અને માતા બંને અમારા મૂળ વતન એવા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકામાં આવેલા કાલીદેવી ગામમાં રહે છે. અમે કુલ 6 ભાઈ-બહેનો છીએ. સૌથી મોટા કૈલાસભાઈ, ત્યાર બાદ બીજા નંબરે પારસભાઈ, ત્રીજા નંબરે કેશરબાઈ, જેનાં લગ્ન સંતોષભાઈ બુડળિયા સાથે થયાં હતાં, જે અત્યારે રાજકોટના પડધરી તાલુકાના ખોખરી ગામે વાડીમાં મજૂરીકામ કરે છે. ત્યાર બાદ ચોથા નંબરે હું એટલે કે દિલીપ અને બાકીના એક ભાઈ અને એક બહેનનાં હજી લગ્ન થયાં નથી. હું ચોથા ધોરણ સુધી ભણેલો છું અને ગુજરાતી લખી તથા વાંચી શકું છું.

‘તારી બેન કોઈ સાથે ભાગી ગઈ છે’
03/12/2023ના રોજ હું, મારી પત્ની તથા મારાં સંતાનો અમારા વતનમાં ગયાં હતાં અને તારીખ 4-12-2023ના રોજ મારા બનેવી સંતોષનો મને ફોન આવ્યો અને કહ્યું હતું કે ખોખરી ગામેથી મજૂરીકામ પૂર્ણ થઈ ગયું હોવાથી વતનમાં જઈએ છીએ અને તમારી બેન કોઈ સાથે ભાગી ગઈ છે. ત્યાર બાદ મારી બેન ક્યાં ગઈ એ બાબતે સતત બે દિવસ સુધી મેં આ સંતોષને ફોન પર વાત કરેલી, પરંતુ તે મને કહેતો હતો કે તારી બેન કોઈ સાથે ભાગી ગઈ છે, જેથી હું,મારી પત્ની તથા બાળકો સાથે 09/12/2023ના રોજ અમારા વતનમાંથી ખેગારકા ગામે પરત આવી ગયો હતો. મેં નવ તારીખે આ સતોષને ફોન કરી પૂછ્યું હતું કે જો મારી બહેન કોઈની સાથે ભાગી ગઈ છે તો કોની સાથે ભાગી ગઈ છે? પરંતુ સંતોષે મને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો અને એટલું જ કહ્યું કે રાત્રે અંધારામાં ભાગી ગઈ છે, જેથી તેની સાથે કોણ હતું એ મેં જોયું નથી.

‘તારી બેનને મારી નાખી ક્યાંક દાટી દીધી છે’
ત્યાર બાદ મારી બેન અંગે અમે અમારાં સગાંસંબંધીઓને ફોન કરીને તપાસ કરી રહ્યા હતા, એ દરમિયાન 11-12-2023ના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ મારા બનેવી સંતોષના કાકા વિષ્ણુભાઈને ફોન કરી પૂછ્યું હતું કે મારી બેન ગુમ છે, એ બાબતે તમને કોઈ જાણ છે? તો તેમણે કહ્યું હતું કે આ સંતોષ અને તારી બેન વચ્ચે ઝઘડો થયો હતો અને તેણે તારી બેનને મારી નાખી ક્યાંક દાટી દીધી છે. જ્યારે સંતોષ તેનાં છોકરાઓને લઇને તેના વતનમાં ચાલ્યો ગયો છે એવું મને જાણવા મળ્યું છે. સંતોષના કાકા પાસેથી આવી વાત સાંભળ્યા બાદ હું તથા મારા સાઢુભાઈ અને અન્ય પરિવારજનો સાથે ખોખરી ગામે મારા બનેવી જે વાડીએ રહેતા અને કામ કરતા હતા ત્યાં અમે પહોંચ્યાં હતાં અને ત્યાં અમને વિષ્ણુભાઈ મળ્યા હતા. આ વિષ્ણૂભાઈએ અમને કહ્યું હતું કે સંતોષે તેની પત્નીને મારી કૂવા પાસે કોઈ જગ્યાએ દાટી દીધી છે એવું મને સંતોષે જ ફોનમાં કહ્યું છે, જેથી હું તથા મારા સાઢુભાઈ સહિત પરિવારના લોકો તથા વિષ્ણુભાઈ, સંતોષના વાડીના શેઠના ભાઈ રાજેન્દ્રસિંહ તથા કિશોરસિંહ બધા કૂવાની આજુબાજુ તપાસ કરતા હતા.

‘ગોદડું ખોલીને જોયું તો એમાં મારી બેનની લાશ હતી’
ત્યાર બાદ સંતોષની વાડીના માલિક કનકસિંહ બહાદુરસિંહ જાડેજાએ આ બાબતે પડધરી પોલીસને જાણ કરી હતી તેમજ મારી બેનને સંતોષે ક્યાં દાટી છે તેની શોધખોળ કરતા હતા. આ દરમિયાન મારી બેન અને સંતોષ જ્યાં રહેતાં હતાં એ વાડીની બાજુની વાડીના શેઢે આવેલા પાણીના ખાલી વોકળા પાસે કંઈક વાસ આવતી હતી એટલે અમે ત્યાં તપાસ કરી રહ્યા હતા. ત્યારે પોલીસ પણ પહોંચી ગઈ હતી. અમને જ્યાંથી વાસ આવી રહી હતી ત્યાં વોકળા પાસે માટી દૂર કરતાં અમને એક ગોદડું દેખાયું હતું અને ગોદડું ખોલીને જોતાં એમાં વીંટાયેલી અને કોહવાઈ ગયેલી મારી બેનની લાશ હતી, જેને પોલીસે બહાર કાઢી હતી.

‘મોઢું એકદમ કોહવાઈ અને છુંદાઈ ગયું હતું’
મારી બેનની લાશ જોતાં મોઢું એકદમ કોહવાઈ અને છુંદાઈ ગયું હતું. આ લાશ બહાર કાઢી ત્યારે મારા બનેવીના શેઠ કનકસિંહે કહ્યું હતું કે દસ દિવસ પહેલાં સંતોષ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ આ બહાર કાઢેલી મારી બહેનની લાશને પોસ્ટમોર્ટમ માટે પડધરી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યાર બાદ રાજકોટ લઈ ગયા હતા અને પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરે કહ્યું હતું બોથડ પદાર્થ વડે મારવાથી તેનું મોત થયું છે, જેથી મારા બનેવીએ કોઈ વાતને લઈને ઝઘડો કરી કોઈ બોથડ પદાર્થ વડે મારી નાખી હોવા અંગે મેં પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધાવી હતી.

‘મારી વાઈફ ગુમ થઈ ગઈ છે’
જોકે આ સંતોષે જ તેની પત્નીની હત્યા કરી છે કે અન્ય બીજા કોઈએ હત્યા કરી છે એ તમામ બાબતના જવાબ શોધવાના પોલીસને હજુ બાકી હતા. જેથી પોલીસ દ્વારા સંતોષની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આરોપી તેના વતનમાં ભાગી ગયો છે, તેને ધ્યાનમાં રાખીને એક ટીમ ઈન્દોર મોકલવામાં આવી હતી. બીજી બાજુ આરોપી સતત તેના માલિક સાથે ફોન દ્વારા કોન્ટેક્ટમાં હતો અને કહેતો હતો કે મારી વાઈફ ગુમ થઈ ગઈ છે તેમજ પોતે નિર્દોષ છે એ સાબિત કરવા માટે સંતોષ પડધરી આવી રહ્યો હતો ત્યારે તેને પોલીસ ઝડપી પાડ્યો હતો. શરૂઆતમાં તો તેણે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને પોલીસને કહ્યું કે મેં મારી પત્નીની હત્યા નથી કરી, પરંતુ મારા શરીરમાં પ્રવેશેલા આત્માએ મારી પત્નીની હત્યા કરી છે, જોકે ત્યાર બાદ પોલીસે પોતાની આગવી સ્ટાઈલમાં પૂછપરછ કરતાં આરોપીએ પોપટની જેમ સમગ્ર હકીકત જણાવી હતી.

મેં બાળપણમાં જ માતા-પિતા ગુમાવ્યાં છે
આરોપી સંતોષે પડધરી પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે મારું નામ સંતોષ રાધેશ્યામભાઇ બુડળિયા છે અને મારી ઉંમર 37 વર્ષ છે. હું હાલ કનકસિહ બહાદુરસિહ જાડેજાની વાડીમાં કનકપુર (ખોખરી ગામ) તા.પડધરી જિ.રાજકોટ ખાતે મારી પત્ની અને ત્રણ બાળક સાથે રહું છું અને મારું મૂળ વતન મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના બાગલી તાલુકાનું માતમોર ગામ છે. મધ્યપ્રદેશ ખાતે છે, મારાં માતા પિતાનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. મારા પિતા તથા મારી માતા હું નાનો હતો ત્યારે જ ગુજરી ગયાં હતાં, જેથી મને મારા દાદા અને દાદીએ મોટો કર્યો હતો. છેલ્લા એક વર્ષથી કનકપુર (ખોખરી) ગામે તેમજ છેલ્લાં 15 વર્ષથી ગોંડલ, ચોટીલા, ચિત્તલ, અમરેલી તેમજ પોરબદર ખાતે અલગ અલગ જગ્યાએ મજૂરીકામ કરતો હતો. હું ગુજરાતી બોલી તથા સમજી પણ શકું છું.

‘મારો સાળો મારા કાકાની દીકરીને ભગાડી ગયો હતો’
આજથી 17 વર્ષ પહેલાં મારા કૌટુંબિક કાકા વિષ્ણુભાઇએ મારાં લગ્ન મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના કાલીદેવી ગામ ખાતે રહેતા હરિ રામભાઇ બામણિયાની દીકરી સાથે કરાવ્યાં હતાં. ત્યાર બાદ બે-ત્રણ દિવસ પછી મારો સાળો કૈલાસ મારા કાકા એવા વિષ્ણુભાઇના મોટા ભાઇ બદ્રીભાઇની દીકરી રાજુબાઇને ભગાડીને લઇ ગયો હતો. જેથી અમારે લગ્ન બાદ મારા સસરાને જે રૂપિયા આપવાના થતા હતા એ રૂપિયા મારા સસરાને નહીં આપવાનું જણાવ્યું હતું તેમજ મારા કૌટુંબિક કાકા બદ્રીભાઇને પણ મારા સસરાએ કોઈ રૂપિયા નહિ આપવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ મારા ઘરે દીકરાનો જન્મ થયો અને તેના એક મહિના પછી મારી પત્ની મારા સસરાના ઘરે ગઈ, પણ તેને પરત મારા ઘરે મોકલી નહીં અને મારી પાસે એક લાખ રૂપિયાની માગણી કરી હતી. એ સમયથી લઈ સતત બે વર્ષ સુધી તેને પિયરમાં જ રાખી અને મેં તેમને એક લાખ રૂપિયા આપ્યા ત્યારે મારી પત્નીને મારા ઘરે મોકલી હતી. હું જ્યારે જ્યારે મારા સસરાના ઘરે જતો ત્યારે મને મારવાની ધમકી આપતા હતા તેમજ મારા સાળા દિલીપની સગાઇ કરી ત્યારે મારા સસરાએ મારી પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા.

‘મારા કાકાની દીકરી પતિને છોડી બીજા સાથે ભાગી ગઈ’
ત્યાર બાદ બે વર્ષ પહેલાં મારા કૌટુંબિક કાકા બદ્રીભાઇની દીકરી રાજુબેનને તેનો ઘરવાળો કૈલાસ ખૂબ જ માર મારતો હતો અને તેને ત્રણ દીકરા છે, જેથી આ રાજુબાઇ દેવાસ જિલ્લાના પૂજાપુરા તાલુકાના સુતારીપુરા ખાતે રહેતા દિલીપભાઇ બુડળિયા સાથે ભાગી ગઈ અને બે દીકરા હાલ કૈલાસ પાસે અને એક દીકરો રાજુબાઇ પાસે છે. બાદમાં મારા સસરા તથા મારા સાળાઓ મારી કાકાની દીકરી બીજાની સાથે ભાગી ગઈ હોવાથી મને ખૂબ જ હેરાન કરતા હતા. મને મારા સસરા તથા સાળો રાજુબાઇ ભાગી ગઈ હોવાથી રૂપિયાની માગણી કરી મને હેરાન કરતા હતા. મારી ઘરવાળી પણ મારી સાથે ઝઘડો કરતી હતી તેમજ મારી પત્નીને કોઇ સાથે અનૈતિક સંબંધ હોવાનું મને લાગતું હતું. એ બાબતે મેં મારી પત્નીને અવાર-નવાર પૂછ્યું, પરંતુ તેણે મને કોઇ જવાબ આપ્યો નહીં.

‘કોઈ રૂમ પાછળથી ભાગ્યું અને મારી પત્ની બહાર ઊભી હતી’
ગત 3 ડિસેમ્બર, 2023ના રાત્રે આઠેક વાગ્યે હું ગામમાં ગુટખા લેવા ગયો અને પરત મારી ઓરડીએ આવી રહ્યો હતો ત્યારે કોઈ વ્યક્તિ અમારી ઓરડી પાછળથી કપાસમાં ભાગી એવું મને લાગ્યું હતું. મેં આવીને જોયું તો ઓરડી પાછળ મારી પત્ની ઊભી હતી, જેથી મેં તેને પૂછ્યું હતું કે,’તું અહીં શું કરે છે’? તો તેણે મને કહ્યું કે તે કુદરતી હાજતે માટે અહીં આવી હતી, પરંતુ તે કોઇને મળવા માટે ઊભી હોય એવું મને લાગી રહ્યું હતું. જેથી આ બાબતે અમારી બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ અમે બન્ને ઓરડીના બહાર ખાટલામાં સૂઇ ગયાં હતાં. જ્યારે મારા છોકરાઓને વધારે ઠંડી હોવાથી ઓરડીમાં સુવડાવ્યાં હતાં.

પત્નીના મોઢા અને માથામાં કુહાડાના ત્રણ-ચાર ઘા ઝીંક્યા
ત્યાર બાદ રાત્રિના ત્રણેક વાગ્યે હું જાગ્યો અને લાકડા કાપવાનો કુહાડો લઇ ખાટલામાં સૂતેલી મારી પત્નીના મોઢા પર ઊંધો કુહાડો માર્યો અને તે ઊઠી ગઈ. આ સમયે મેં બીજા ત્રણચાર કુહાડાના ઊંધા ઘા તેના મોઢા તથા માથાના ભાગે માર્યા અને અને તે બેભાન થઇ ગઈ. થોડીવાર હું ત્યાં જ ખાટલા પર બેસી રહ્યો અને ત્યાર બાદ મારી પત્ની મરી ગયેલી હોય એવું લાગતાં મેં તે સૂતી હતી એ ગોદડામાં વીંટાળી મારા ખભા પર લઇ અમે જે વાડીએ રહીએ છીએ એ ઓરડીની બીજી બાજુ ખેતરના શેઢે પાણીના વોકળો છે ત્યાં લઇ ગયો.

‘તારી મા કોઈની સાથે ભાગી ગઈ છે’
ત્યાર બાદ હું ઓરડીએ પાછો આવ્યો અને ત્યાંથી એક કોદાળી તથા પાવડો લઈ જે જગ્યાએ મારી પત્ની લાશ મૂકી હતી ત્યાં વોકળામાં બાવળની નજીક ખાડો કરી એમાં મારી પત્નીને ગોદડા સહિત દાટી દીધી. ત્યાંથી કોદાળી તથા પાવડો લઇ ઓરડીએ આવ્યા બાદ એને ઓરડીમાં મૂકી દીધો અને જે કુહાડો મારી પત્નીને માર્યો હતો એ બહાર ક્યાંક વાડીમાં મૂકી દીધો. એ કઇ જગ્યાએ મૂક્યો હતો એ હાલ મને યાદ નથી. બાદમાં મેં હાથપગ ધોઇ કપડાં બદલી નાખ્યાં અને ત્યારે અજવાળું થઈ ગયું હોવાથી હું ગામમાં ગયો અને રસ્તામાં મેં જે કપડાં મારી પત્નીને મારી ત્યારે પહેરેલાં હતાં એ એક વોકળામા નાખી દીધાં હતાં. હું જે શેઠની વાડી વાવવા રાખું છું તે શેઠના ઘરે ગયો અને શેઠને કહ્યું કે મારે વતનમાં જવું હોવાથી મારો મગફળીનો હિસાબ કરી દો, જેથી મને મારા શેઠે હિસાબ કરી 30 હજાર રૂપિયા આપ્યા ત્યાર બાદ મેં મારા શેઠને હું વતનમાં જાઉં છું, એમ કહી ઓરડીએ આવ્યો ત્યારે મારા છોકરાઓ ઊઠી ગયાં હતાં. મારા મોટા છોકરાએ પૂછ્યું હતું કે, ‘મા ક્યાં છે’? તો મેં તેને કહેલું- ‘તારી મા કોઇની સાથે ભાગી ગઈ છે’, એમ વાત કરી મારા છોકરાઓને કહ્યું કે આપણે આપણા વતન ચાલ્યા જવાનું છે.

‘મારી પત્નીને કોઈ સાથે આડાસંબંધ હતા’
ત્યાર પછી હું મારા છોકરાઓને લઇને અમારા વતન એવા મધ્યપ્રદેશમાં મારા કાકાની દીકરી જમનાબેન બામણિયા (રહે.ટાવરબેઇડી બરવાહ તા.ખરગોન જી.બુરહાનપુર)ના ઘરે ગયો અને ત્યાં રોકાયો. જ્યાં મારી બેને મને પૂછ્યું કે ‘તારી પત્ની ક્યાં છે’? તો મેં તેને કહેલું કે ‘તે કોઇની સાથે ભાગી ગઈ છે’ એવું ખોટું મેં તેને જણાવ્યા બાદ 11 ડિસેમ્બર, 2023ના રોજ મારા કૌટુંબિક કાકા વિષ્ણૂભાઇનો મને ફોન આવ્યો અને મને કહ્યું કે ‘તું કેમ વતનમાં ચાલ્યો ગયો છે અને તારી પત્ની કોની સાથે ભાગી ગઈ છે. મેં તેને કહ્યું કે મારી પત્ની અને મારા સસરા મને હેરાન કરતાં હતાં. મારી પત્નીને કોઈ સાથે આડાસંબંધ હતા, જેથી મેં તેને મારીને ત્યાં કૂવા પાસે દાટી દીધી છે. તમે કોઇને આ વાત કરતા નહીં અને હું ત્યાં આવી પોલીસ સ્ટેશને મારી પત્ની ખોવાઇ ગયેલી છે એવી ફરિયાદ કરી નાખું એમ વાત કર્યા બાદ હું સાંજે ખોખરી ગામે આવવા નીકળ્યો અને 13 ડિસેમ્બર, 2023ના રોજ બપોરે મને પોલીસે પકડી લીધો હતો. આ સિવાય અન્ય કોઈ હકીકત નથી.

કપડાં પાણીના વોકળામાં નાખી દીધાં
મારી પત્નીને કોઈ સાથે આંડોસંબધ હોવાની મને શંકા હતી તેમજ મારા સસરા, મારી પત્ની મને અવાર-નવાર રૂપિયા માટે હેરાન કરતાં હતાં, જેથી મેં તેને મારી નાખી છે. મારી સાથે મારી પત્નીને મારવામાં અન્ય કોઇ સાથે હતાં નહીં તેમજ મેં મારી પત્નીને ઊંધો કુહાડો માર્યો હતો એ કોઇ જગ્યાએ મૂક્યો છે તેમજ મારાં કપડાં પણ ગામમાં જતા એક પાણીના વોકળામાં નાખી દીધાં હતાં.

 

Advertisement