FEATURED

સ્કૂલના નાટકમાં પતિ-પત્ની બન્યા, 22 વર્ષ બાદ સાચે જ કર્યા લગ્ન, ફિલ્મને ટક્કર મારે તેવો કિસ્સો

કહેવાય છે કે યુવક-યુવતીની જોડી સ્વર્ગમાંથી બનીને આવે છે. ક્યારેક એવી ઘટનાઓ સામે આવે જે જોઈને સાચે જ એવું લાગે કે ભગવાને બધુ પહેલાથી ફિક્સ કરીને રાખ્યું છે. બે વર્ષ પહેલા એક એવો કિસ્સો સામે આવ્યો હતો જે જોઈને તમામ લોકોને સુખદ આશ્ચર્ય થયું હતું.

કેરળમાં આજથી 22 વર્ષ પહેલાં એક સ્કૂલમાં‘આર્મી મેનની પત્ની’નામનું નાટક ભજવાયું હતું. આ નાટકમાં એક છોકરા અને છોકરીએ પતિ-પત્નીનો રોલ કર્યો હતો. પછી બંને છુટા પડી પોત-પોતાની જિંદગીમાં આગળ વધ્યા હતા. પણ નસીબનું ચક્ર પાછું ભર્યું અને 22 વર્ષ બાદ આ છોકરા અને છોકરીએ સાચે જ લગ્ન કર્યા હતા. એટલું જ નહીં છોકરાએ નાટકમાં આર્મીનો રોલ કર્યો હતો, રિયલમાં પણ અત્યારે તે આર્મીમાં કેપ્ટન છે.

છોકરાનું નામ શ્રીરામ રનજીતે અને છોકરીનું નામ આર્યાશ્રી છે. શ્રીરામ જમ્મુ કાશ્મીરમાં હાલ આર્મીમાં કેપ્ટર તરીકે સેવા આપે છે. જ્યારે આર્યાશ્રી ડૉક્ટર છે. બંનેએ 22 વર્ષ પહેલાં પોતાની સ્કૂલમાં એક નાટકમાં ભાગ લીધો હતો. જેમાં બંને પતિ-પત્ની બન્યા હતા. ઘટનાના 22 વર્ષ બાદ બંને ફરી વાસ્તવમાં કેરળના ભવાની શિવક્ષેત્ર મંદિરમાં તેમના લગ્ન થયા હતા.

શ્રીરામ અને આર્યાશ્રીની લગ્નની ઉજવણીમાં તેમના પરિવારજનો અને જે સ્કૂલમાં બંનેએ નાટક ભજવ્યું હતું તેનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.આર્યાશ્રીના કાકી ડૉ. દીપા સંદીપે આ અંગે માહિતી આપી હતી કે, શ્રીરામ અને આર્યાશ્રી બંનેની માતા તે જ સ્કૂલમાં શિક્ષિકા હતા. સ્ટાફ રૂમમા એકબીજાની મિત્ર રહેલી બંને શિક્ષિકા લગભગ સમાન સમયગાળા દરમિયાન જ ગર્ભવતી થઈ હતી અને તેના 4 વર્ષ બાદ બંનેના બાળકો તેમની સ્કૂલના કિન્ડરગાર્ટનના પ્રથમ વર્ષમાં હતા. તે જ વર્ષે સ્કૂલના ડાન્સના શિક્ષક રાશિદે ‘આર્મી મેનની પત્ની’ નામનું નાટક તૈયાર કર્યું. જેમાં શ્રીરામ રનજીત આર્મી મેનના રોલમાં હતો અને આર્યાશ્રી તેની પત્નીના રોલમાં હતી.

સ્કૂલના નાટક દરમિયાન શ્રીરામ થોડો ડરી રહ્યો હતો અને લગ્નના ફેરા ફરવાને બદલે વિધિના ભાગરૂપે માત્ર મંદિરનો ઘંટ વગાડવા માંગતો હતો. ડૉ. દીપા સંદીપે જણાવ્યું કે, નાટક બાદ આર્યા ઘણી થાકી ગઈ હતી અને તે ત્યાં જ સુઈ જતા તેને તેડીને લઈ ગયા હતા. જોકે નાટક બાદ શ્રીરામ અને આર્યાશ્રી પોતાના જીવનમા અલગ-અલગ આગળ વધ્યા અને ઘણા સમય સુધી એકબીજાના સંપર્કમાં પણ નહોતા આવ્યા. શ્રીરામ નેશનલ ડિફેન્સ એકેડમીની એક્ઝામ પાસ કરી ભારતીય આર્મીમાં કેપ્ટન બન્યો, જ્યારે આર્યાશ્રી મેડિકલ સ્કૂલના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

સ્કૂલના નાટકના 22 વર્ષ બાદ શ્રીરામે આર્યાશ્રીનો ફેસબુક થકી સંપર્ક કર્યો અને એક રીતે નાટકના લગ્નને યાદ કરતા લગ્નનો પ્રસ્તાવ આપ્યો. બંને વચ્ચે થયેલી વાતચીત બાદ તેઓ લગ્નના નિર્ણય માટે આગળ વધ્યા અને તેમના પરિવારજનો આ અંગે જાણી ઘણા જ ખુશ થયા હતા. બંનેના લગ્નની આ કહાણી સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ ઘણા લોકોએ તેને ખરેખર શાનદાર ગણાવી હતી. આ લગ્નમાં આર્યાશ્રી માત્ર એક વાતથી નારાજ હતી કે તેને નાટકમાં પહેરી હતી તેવી જ સમાન સાડી લગ્ન સમયે મળી શકી નહીં.

Advertisement