FEATURES

થેલો ખોલતા જ સ્વીપરને ઊલટી થવા લાગી ને એક વ્યક્તિનું ધડ મળ્યું

અમદાવાદમાં થોડા સમય પહેલાં કેનાલમાંથી એક પોટલું મળ્યું હતું, જે પોટલામાં એક યુવકની કપાયેલી લાશના ટુકડા હતા. પોલીસને અનેક તપાસ બાદ લાશ બાપુનગરના એક યુવકની હતી તે ખબર પડી. પણ તેનો હત્યારો તેનો મિત્ર હતો. બંને સાથે મળીને એકબીજાની અંગત વાતો જાણતા હતા અને નશો કરતા હતા. આ દરમિયાન એક મિત્રે બીજાની પત્ની પર નજર બગાડી અને તેની સાથે સંબંધ પણ રાખવા લાગ્યો. પૈસા અને પૌરુષત્વના જોર પર તેણે મિત્રની પત્ની પામી લીધી અને તેને બે કોડીનો કરી નાખ્યો હતો. પત્ની સામે નબળો, આર્થિક રીતે નબળો વ્યક્તિ તેની પત્નીને સમજાવીને તેના મિત્રની હત્યા કરી નાખી હતી. પરંતુ હત્યા બાદ શું બન્યું? તે માટે પતિ-પત્ની જ જાણતાં હતાં. જો કે, આરોપી પકડાયાના મહિનાઓ બાદ આ હત્યાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈ કઠણ કાળજાનો માણસ પર ડરી જાય તેવું વીડિયોમાં દેખાય છે. હત્યારો મિત્ર તેના મિત્રના તલવારથી એક બે નહીં પરંતુ પૂરા 22 ટુકડા કરે છે અને તેનો વીડિયો બનાવતો જાય છે. આરોપીએ બનાવેલા વીડિયોની અંદર તે મૃતકનું માથું પકડીને કહે છે કે, બીજી વખત જન્મ લેવાની હિંમત ના કરતો, નહીં તો સુલતાન હાજર જ છે.

કસાઈને સારો ગણાવે તેવો માણસાઈનો હત્યારો મિત્ર
કસાઈની દુકાનમાં માંસના ટુકડા પડ્યા હોય તેવી જ રીતે એક જીવતા માણસની હત્યા કરીને તેના શરીરના ટુકડેટુકડા કરાયા હોવાની સનસનીખેજ ઘટના અમદાવાદમાં બની હતી. કસાઈ જેવી રીતે પશુને કાપીને ટુકડા કરે અદ્દલ તેની જેમ જ એક માણસના મિત્રે ટુકડા કર્યા હતા. ગ્રાઈન્ડરથી તલવારની ધાર તેજ કરીને મિત્રના 22 ટૂકડા કરી નાખ્યા હતા. એટલું જ નહીં, ભલભલાને ચક્કર આવી જાય અને બેહોશ થઈ જાય તેવા લોહી નીતરતાં ઘરમાં હત્યારો મિત્ર મૃતકના માથાને રમાડતો વીડિયો બનાવ્યો અને પોતાની પત્ની સાથેના આડાસંબંધોનો બદલો લીધો હતો.

મિત્રની હત્યા કર્યા બાદના શૈતાનને પર શરમાવે તેવા ઘૃણાસ્પદ વીડિયો આરોપીએ બનાવ્યો હતો. હત્યા કરીને આરોપીએ મિત્રના શરીરના ટુકડા અને માથા સાથે કરેલી હરકતનો આખો વીડિયો છે. પરંતુ એક જવાબદાર મીડિયાના નાતે અમે અમારા પ્લેટફોર્મ પર વીડિયો રજૂ નથી કરી રહ્યા.

એક મોબાઈલમાં રહસ્ય ધરબાયેલું હતું
અમદાવાદના બાપુનગર વિસ્તારના યુવકની હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેણે તેના મિત્રની હત્યા કરી અને લાશ સગેવગે કરી નાખી હતી. પરંતુ તેનો એક મોબાઈલ ફોન મળતો ન હતો. જેથી પોલીસે તેને શોધવા માટે ઘણા પ્રયાસો કર્યા અને આખરે તે ફોન મળી આવ્યો હતો. આ ફોનનો એફએસએલ ટેસ્ટ દરમિયાન એક વીડિયો રિકવર થયો. આ વીડિયોમાં હત્યા કરનાર વ્યક્તિ તેના મિત્રની લાશના ટુકડા કરતો દેખાય છે અને લાશના ટુકડા ઘરમાં ચારે તરફ પડ્યા છે. તે લાશનું માથું અલગ કરીને તેને હાથમાં કોઈ રમકડાની જેમ રમાડતા હોય તેવું દેખાય છે, તે ટુકડો પકડીને તે તેના મિત્રને ધમકી આપે છે કે, તુને મુઝે કઈ (કહીં) કા નહીં છોડા, તુને મેરા સબ કુછ છીન લિયા. આજ દેખ સુલતાન તેરા ક્યાં હાલ કિયા અને તેમ કહેતા કહેતા તે અપશબ્દો બોલે છે. તેમજ ફરીથી જો જન્મ લીધો તો તારી ખેર નથી તેવી ધમકી પણ વીડિયોમાં બોલતો જાય છે. આ વીડિયો જોઈને ભલભલાં પોલીસ અધિકારીઓ પણ કાંપી ગયા હતા. આ સમગ્ર વીડિયો હાલ પુરાવા તરીકે કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો છે.

આ ઘટના શું હતી? અને કઈ રીતે પોલીસે ભેદ ઉકેલ્યો!
ઇમરાને તલવાર પેટમાં ઘુસાડી દીધી ત્યારે મેરાજની આંખે પાટો હતો. જે તેણે જાતે ખોલ્યો ત્યારે તેની માશૂકા રિઝવાના પાછળથી આગળ તરફ આવી ગઈ. આ સમયે મેરાજ જે છરી પોતાની સાથે રાખતો હતો તે છરી કાઢવા જતો હતો. પરંતુ તેમણે રિઝવાનાને જોઈ તો તે બોલી ગયો કે, ‘આજ ભલે મૈં મર જાઉં પર અપના પ્યાર તો રહેગા’. આટલું બોલતા જ ઇમરાને તલવારના ઘા મારવાના ચાલુ કરી દીધા. આ દરમિયાન ઇમરાન અને રિઝવાનાની ચાર વર્ષની દીકરી પણ રૂમમાં હતી, જેથી રિઝવાના ડરના મારી દીકરીને લઈને ઘરની બહાર જતી રહી હતી. હત્યા કરી તે દિવસે અમે (પતિ-પત્ની) બાળકી સાથે ગળું કાપેલી લાશ સાથે સૂઈ ગયાં હતાં.’ આ શબ્દો છે પોલીસ સમક્ષ ભાંગી પડેલાં રિઝવાના અને ઇમરાનના.

ફ્રેન્ડશિપ, લવ અને મર્ડરની રિયલ ઘટના
આ કોઈ રોમેન્ટિક ક્રાઇમ થ્રિલર ફિલ્મની સ્ટોરી નહીં પણ રિયલમાં બનેલી ઘટના છે. જેમાં ફ્રેન્ડશિપ, લવ અને મર્ડર એમ ત્રણેયનું ગજબનું કોમ્બિનેશન છે. શું છે આ કેસ? અમદાવાદના બાપુનગરમાં રહેતો યુવક થોડા દિવસ અગાઉ ગુમ થયો હતો, જેની પોલીસ તપાસ કરી રહી હતી. તાજેતરમાં જ આ ગુમ યુવકની આડાસંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મિત્રની પત્નીને છેડતી કરી એકતરફી પ્રેમ કરતો હોવાથી મિત્રએ પત્ની સાથે મળી સરપ્રાઇઝ આપવાનું કહી ઘરે બોલાવી હત્યા કરી હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે આવ્યું હતું.

પાંચ વર્ષ પહેલાં નશાના બંધાણીઓની મિત્રતા
આ કેસ સમજવા માટે આપણે પાંચ વર્ષ પહેલાંના સમયમાં જવું અત્યંત જરૂરી છે અને આ પાંચ વર્ષ પહેલાં બનેલી એક ઘટનાએ આ હત્યાનાં બીજ રોપ્યાં હતાં. વર્ષ 2018માં અમદાવાદના બાપુનગરમાં રહેતા મોહમંદ ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદનાં લગ્ન વટવાની 18 વર્ષીય રિઝવાના ઉર્ફે નેહા સૈયદ સાથે થયાં. રિઝવાનાનો પતિ ઇમરાન લગ્ન બાદ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. ઇમરાન પત્ની રિઝવાના સાથે બાપુનગરના સુંદરમનગરની ગુલબાઈની ચાલીમાં મકાન ભાડે રાખી રહેવા લાગ્યો હતો. આ ભાડાના મકાનમાં રહેતા ઇમરાનને ગાંજાની લત લાગેલી હતી. ગાંજાનું વ્યસન હોવાથી ઇમરાન તેની ચાલીની નજીકમાં જ રહેતા મેરાજ ઉર્ફે માઈકલ પઠાણના સંપર્કમાં આવ્યો અને બંને સાથે નશો કરવા લાગ્યા. આ નશાની લતના કારણે જ ઇમરાનની ઉંમરથી 12 વર્ષથી મોટા મેરાજ મિત્રતા બંધાઈ.

પતિ નશાનો સામાન લેવા જાયને પત્ની મિત્ર સાથે એકાંત માણતી
સાડા છ ફૂટ હાઇટ ધરાવતા મેરાજની માથાભારે શખસોમાં ગણતરી થતી હતી. તે જે વિસ્તારમાં રહેતો હતો, ત્યાં તેનો ખૌફ હતો. ઇમરાન મેરાજને શરૂઆતમાં ચાચા કહીને સંબોધતો હતો. બંને વચ્ચેની મિત્રતા વધતા ઇમરાને મેરાજને ભાઈ બોલાવવાનું શરૂ કર્યું. આ સંબંધ વધુ અંગત બન્યા અને મેરાજ ઇમરાનના ઘરે જવા લાગ્યો. ઇમરાનની પત્ની રિઝવાના ઘરે હોય તો પણ ઇમરાન અને મેરાજ ઘરે જ નશો કરવા લાગ્યા. આ દરમિયાન (2018-2019 આસપાસ) 18-19 વર્ષની રિઝવાનાની પતિ ઇમરાનના મિત્ર એવા 35 વર્ષના મેરાજ સાથે આંખ મળી ગઈ. ત્યાર બાદ તો મેરાજ નિયમિત ઇમરાનના ઘરે આવવા અને જવા લાગ્યો. સમય જતા બંને વચ્ચેના સંબંધ વધુ ગાઢ થયા. મેરાજ જ્યારે ઇમરાનના ઘરે જતો ત્યારે તે ઇમરાનને નશાનો સમાન લેવા મોકલતો અને આ દરમિયાન મેરાજ અને રિઝવાના ભરપૂર એકાંત માણી લેતાં હતાં.

મેરાજને તેની માતાએ લાફો માર્યો, ઈમરાનનું ઘર ખાલી કરાવ્યું
મેરાજ અને રિઝવાનાના આ પ્રેમસંબંધોની મેરાજની માતાને જાણ થતાં તે એક દિવસ મેરાજ ઇમરાનના ઘરે હતો ત્યારે ઇમરાનના ઘરે પહોંચી. જ્યાં પોતાના જ દીકરા મેરાજને લાફો મારી દીધો. માત્ર એટલું જ નહીં, ઇમરાનના મકાન માલિકને કહીને ઇમરાનનું ઘર ખાલી કરાવી દીધું. જેથી ઇમરાન પત્ની રિઝવાનાને લઈને થોડે દૂર બાપુનગરમાં ચુનીલાલની ચાલીમાં રહેવા જતો રહ્યો હતો. જો કે, મેરાજે ઇમરાનના નવા ઘરે પણ જવાનું શરૂ કરી દીધું. માતાએ લાફો મારી દીધો હોવા છતાં ન સુધરેલો મેરાજ કામ પતાવીને રોજ ઇમરાનના ઘરે જતો હતો. એક દિવસ બંને વચ્ચેના સંબંધની ઇમરાનને જાણ થઈ ગઈ. પરંતુ ઇમરાન આંખ આડા કાન કરી રહ્યો હતો. ઇમરાનને ત્યાં દીકરીનો પણ જન્મ થયો હોવા છતાં મેરાજ નિયમિત ઘરે તો આવતો જ હતો.

પત્નીએ ઈમરાનને બંગડી પહેરવાનું કહેતાં ઉશ્કેરાયો
આ સંબંધ ખૂબ લાંબા સમય સુધી ચાલ્યો હતો. આ દરમિયાન રિઝવાનાએ ઇમરાનને એવા શબ્દો કહ્યા જે સીધા તેના દિલ પર લાગી આવ્યા. રિઝવાનાએ ઇમરાનને કહ્યું કે ‘તારા કરતાં તો મેરાજ મને ખુશ રાખે છે, તું બંગડીઓ પહેરી લે. મેરાજ જેવું સુખ તારી સાથે નથી મળતું’. આ વાત થતાં જ ઇમરાનને મનમાં ને મનમાં ગુસ્સો આવવા લાગ્યો. મેરાજ નિયમિત નશો કરીને રિઝવાનાના ઘરે આવતો હતો. નશાની હાલતમાં જ ઇમરાનની સામે જ તેની પત્ની રિઝવાના સાથે શારીરિક સંબંધ પણ બાંધતો હતો. કેટલીક વખત મેરાજ ઇમરાનને નશાનો સમાન લેવા મોકલી દેતો હતો. આ સ્થિતિ જોઇને ઇમરાન મનમાં ને મનમાં ઘૂંટાતો રહેતો હતો.

જેવો મેરાજ જાય કે તરત ઈમરાન પત્ની પર ગુસ્સો ઉતારતો
મેરાજ ઘરેથી જાય ત્યારબાદ ઇમરાન તેની પત્ની રિઝવાના પર ગુસ્સો કરવા લાગતો અને કહેતો કે, ‘હું મેરાજને મારી નાંખીશ’. દિવસે ને દિવસે ઇમરાનનો ગુસ્સો વધવા લાગ્યો અને આ ગુસ્સો પત્ની રિઝવાના પર ઉતારવા લાગ્યો. મેરાજના ડરના કારણે ઇમરાન મેરાજને કંઈ પણ કહી શકતો નહતો. રિઝવાના પર વારંવાર ગુસ્સો કરવાના કારણે રિઝવાના પણ હવે આ બધી બાબતોથી અકળાઈને કહેવા લાગી કે ‘મારી દે મેરાજને’. આમ રિઝવાનાએ પણ ઇમરાનના ગુસ્સા સામે હવે મેરાજને મારી દે તેવો જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું.

પતિ-પત્નીએ મેરાજને પતાવવાનો પ્લાન ઘડ્યો
પતિ ઇમરાન અને પત્ની રિઝવાનાએ મેરાજને મારવા પ્લાન બનાવી દીધો. પરંતુ સાડા છ ફૂટ હાઇટ ધરાવતો મેરાજ હંમેશાં સાથે છરી રાખતો હોવાથી તેને મારવો સહેલો નહતો. મેરાજની હત્યાના પ્લાન મુજબ 21 જાન્યુઆરી, 2023ના રોજ ઇમરાન ઘરેથી નીકળીને મેરાજને શોધવા લાગ્યો. મેરાજ મળતાં તેની સાથે જઈને ગાંજો પીવડાવ્યો. ત્યારબાદ મેરાજને કોરો દારૂ પીવડાવી દીધો. જેથી મેરાજ નશામાં હતો. નશાની હાલતમાં ઇમરાન મેરાજને ઘરે સરપ્રાઈઝનું કહીને લઈ ગયો.

ઇમરાને કહ્યું- રિઝવાના સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માગે છે
ઘરે ગયા બાદ અંદર જઈને ઇમરાને મેરાજને કહ્યું કે, ‘રિઝવાના તને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માગે છે’. મેરાજે કહ્યું ‘આપી દો’ તો ઇમરાને કહ્યું- આ રીતે નહીં રિઝવાના તને આંખે પટ્ટી બાંધશે, જેથી મેરાજ તૈયાર થતાં રિઝવાનાએ પાછળથી કાળા કલરનો દુપટ્ટો બાંધ્યો. આ દરમિયાન મેરાજની આંખો અંજાતા ઇમરાને તલવાર લઈને મેરાજના પેટમાં ઘુસાડી દીધી. તલવારના એક બાદ એક અનેક ઘા કર્યા અને મેરાજને મોતને ઘાટ ઉતારી દીધો. મેરાજને માર્યા બાદ ગળું કાપીને તે જ દિવસે રાત્રે કચરાના ઢગલામાં નાખી દીધું. જ્યારે શરીરના 22 ટુકડા કરીને બીજા દિવસે ઓઢવ કેનાલમાં ફેંકી દીધા હતા.

હત્યા બાદ પતિ-પત્ની ઘટનાથી અજાણ બની ગયાં
આ બનાવ બાદ દંપતી જાણે કંઈ જ બન્યું હોય તે રીતે નિયમિત જીવન જીવવા લાગ્યું. તો બીજી તરફ મેરાજ પોતાના ઘરે ના પહોંચતા ઘરના લોકો ચિંતામાં આવી ગયા હતા. તમામ લોકો જાણતા હતા કે મેરાજ ઇમરાનના ઘરે જ જાય છે. ઘરમાં ઘરડી માતા, ચાર ભાઈ, બે ભાભી, ચાર ભત્રીજા, પત્ની અને પોતાનાં ચાર બાળક હતાં. જે તમામ મેરાજની રાહ જોઈ રહ્યાં હતાં. બે દિવસ સુધી મેરાજ ઘરે ના આવતા પરિવારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી. જેમાં ઇમરાન અને તેની પત્નીના નામનો ઉલ્લેખ કરી શંકા દર્શાવી હતી.

બાપુનગર પોલીસે અરજી મળતાં તપાસ કરી
બાપુનગર પોલીસે મેરાજના પરિવારની અરજીના આધારે તપાસ કરી. પરંતુ કોઈ ભાળ મળી નહોતી. પોલીસે ઇમરાન અને તેની પત્ની રિઝવાનાને 3 દિવસ સુધી બોલાવી કડક રીતે પૂછપરછ કરી છતાં કોઈ કડી ના મળતાં પોલીસે ઢીલ મૂકી દીધી. આ તરફ 15 દિવસ કરતાં વધુ સમય થયો હોવાથી ક્રાઈમ બ્રાન્ચે પણ પેરેલલ તપાસ શરૂ કરી દીધી. શરૂઆતમાં ક્રાઈમ બ્રાન્ચ માટે પણ આ કેસ ઉકેલવો મુશ્કેલ હતો.

ક્રાઈમ બ્રાન્ચે પતિ-પત્નીને પૂછપરછ માટે બોલાવ્યાં
આ કેસની ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ પરમાર અને PSI પી.એચ.જાડેજા દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ વાઘેલાને બાતમી મળી હતી કે, ‘આ ગુમ થનાર કેસમાં મેરાજની ઇમરાન અને રિઝવાનાએ સાથે મળીને હત્યા કરી દીધી છે’. ક્રાઈમ બ્રાન્ચ પાસે વિગત તો આવી ગઈ. પરંતુ કોઈ પુરાવા હાથ લાગતા નહોતા. જેથી એક બાદ એક કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં કંઈ જ લાગ્યું નહીં. જેથી ઇમરાન અને રિઝવાનાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં.

હત્યા થઈ પણ પોલીસને પુરાવા નહોતા મળતા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જાણવા મળેલી વિગત મુજબ, પતિ-પત્નીની અગાઉ બાપુનગર પોલીસે કડકાઇથી પૂછપરછ કરી હતી. પરંતુ તેમાં પણ તેઓ કંઈ બોલ્યાં નહોતાં, તે જ પ્રકારે ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં પણ કંઈ બોલ્યાં નહીં. પૂછપરછ બાદ પતિ-પત્નીને જવા દેવામાં આવ્યાં, હત્યા થઈ હોવાની જાણ હતી, પરંતુ લાશ જ નહોતી તો આરોપીને પકડવા કેમ? તે સવા લાખનો સવાલ હતો. જેથી આરોપી સાથે જોડાયેલા લોકોની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી ત્યારે ઇમરાનના નજીકના વ્યક્તિ કે જેણે લાશને જોઈ હતી, તેના સુધી ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ગઈ અને તે વ્યક્તિએ જવાબ આપતા ક્રાઈમ બ્રાન્ચને વધુ એક કડી હાથ લાગી ગઈ.

લાશના ટુકડા ન મળતાં પોલીસ ગોથે ચડી
ક્રાઈમ બ્રાન્ચે ફરીથી ઇમરાનની બોલાવી સવાલ પૂછતાં કોઈ જવાબ ન આપ્યો તો, ક્રાઈમ બ્રાન્ચે તે વ્યક્તિને ઇમરાનની સામે લાવીને ઊભો કરી દીધો. જેથી ઇમરાન તૂટ્યો અને આખરે તેણે કરેલી હત્યા અંગે ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું. ઇમરાનની પત્ની રિઝવાનાની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી હતી. આરોપીએ ક્રાઈમ બ્રાન્ચને જ્યાં મેરાજની લાશના ટુકડા નાખ્યા હતા, તે ઓઢવની કેનાલ પાસે લઈ ગયો હતો. પરંતુ ત્યાં લાશના ટુકડા નહોતા. જેથી ફરીથી ક્રાઈમ બ્રાન્ચ માટે લાશ શોધવી મુશ્કેલ બની હતી.

ઓઢવ કેનાલમાં એક થેલામાંથી કંકાલ મળ્યું
આરોપીએ બતાવેલી કેનાલમાં જ ક્રાઈમ બ્રાન્ચની તપાસ કરતી ટીમ લાશના ટુકડા શોધી રહી હતી. આરોપીએ બતાવેલી જગ્યા સિવાય અન્ય જગ્યાએ સ્વિપર સાથે મળીને લાશની શોધખોળ ચાલુ કરી. સતત ચાર દિવસ શોધખોળ કરવા છતાં કંઈ ના લાગ્યું. કૂતરા કે અન્ય પશુનાં હાડકાં જ મળતાં હતાં. પરંતુ સાથે રહેલા સ્વિપર પશુઓનાં હાડકાંથી વાકેફ હતો. જેથી તે કહેતો રહેતો હતો. પાંચમા દિવસે ક્રાઈમ બ્રાન્ચને ઓઢવ ફાયર સ્ટેશન નજીક કેનાલમાંથી એક થેલો મળ્યો જે થેલો ખોલતા જ સ્વિપરને ઊલટી થવા લાગી અને તે કેનાલમાંથી બહાર નીકળી ગયો. પોલીસને એક કંકાલ મળ્યું હતું. જેમાં માત્ર ધડ જ હતું. પોલીસે તેને પોસ્ટમોર્ટમમાં મોકલીને મેરાજના પરિવારને જાણ કરી હતી.

ગ્રાઈન્ડરથી તલવારની ધાર તેજ કરી
મેરાજની હત્યાના પ્લાન મુજબ, 7 દિવસ અગાઉ ઇમરાને ઘરે ગ્રાઈન્ડર લાવીને તલવારની ધાર કાઢી રાખી હતી. આ હત્યા દરમિયાન તલવારનો હાથો તૂટી જતા ઇમરાનને પણ હાથમાં તલવાર વાગી હતી. હત્યા કર્યા બાદ ધારદાર હથિયારથી ઇમરાનનું ગળું કાપી નાખ્યું હતું. હત્યા કર્યાની રાતે જ ઘરથી 200 મીટર દૂર કચરાના ઢગલામાં ગળું ફેંકી દીધું હતું. જે જગ્યાએ મેરાજનું ગળું ફેંક્યું ત્યાં રોજ કચરો સળગાવવામાં આવતો હતો તથા બચેલો કચરો ડમ્પિંગમાં લઈ જવામાં આવતો હતો. જેથી કાપેલું ગળું પોલીસને મળ્યું જ નહોતું. શરીરના હાથ અને પગના પણ 9 ટુકડા કર્યા હતા. હત્યાના બીજા દિવસે સવારે 10 વાગે ટુકડા કરવામાં આવ્યા હતા.

લાશને સગેવગે કરવા બીજા મિત્રનું સ્કૂટી વાપર્યું
બીજા દિવસે સવારે લાશના ટુકડા કરીને અલગ અલગ થેલામાં ભરી ઇમરાન કોઈ મિત્રનું સ્કૂટી લાવીને ફેંકવા જતો હતો, ત્યારે તેમને ત્યાં રહેતી મહિલાએ પૂછ્યું પણ ખરું કે ‘બેગમાં પોચું શું છે’? ત્યારે રિઝવાનાએ જવાબ આપ્યો કે સમાન છે, જે પિતાના ઘરે આપવા જઈએ છીએ. ઇમરાન આ બેગ ઓઢવ કેનાલ પાસે જઈને ફેંકી આવ્યો હતો. ઘરમાં જે ડાઘા પડ્યા તે એસિડથી ધોઈ નાંખ્યા. ઇમરાને હત્યા અંગે તેના પિતા અને એક પરિચિત વ્યક્તિને પણ જણાવ્યું હતું. પરિચિત વ્યક્તિ જ્યારે માન્યો નહીં તો ઇમરાને ઘરે લાશ જોવા બોલાવ્યો હતો, ત્યારે પરિચિત વ્યક્તિએ ઘરમાં લાશ પણ જોઈ હતી. હત્યા કર્યા બાદ રિઝવાના પોતે જે મોબાઈલ વાપરતી હતી, તે પણ પિયરમાં આપી આવી હતી. ઠંડા કલેજે ક્રૂરતાભરી હત્યા કરીને પતિ-પત્ની રાબેતા મુજબ જીવન જીવવા લાગ્યાં હતાં. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને હત્યાનો પર્દાફાશ કરીને આરોપીઓને જેલના હવાલે કર્યા હતા.

7 ફૂટના હટ્ટાકટ્ટા ભાઈને એક પોટલામાં પોલીસે સોંપ્યો-મૃતકનો ભાઈ
મૃતક મેરાજના ભાઈ ઇમરાન પઠાણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો ભાઈ જ્યારે ઇમરાનના ઘરે ના જતો, ત્યારે ઇમરાન તેની પત્ની રિઝવાના પાસે ફોન કરાવીને મારા ભાઈને તેના ઘરે બોલાવતો હતો. સવારે નાસ્તો તૈયાર રાખ કહીને આવું છું કહીને ગયેલો મારો ભાઈ ક્યારેય પરત નહીં આવે. મારો ભાઈ ગુમ થતાં મેં ઇમરાનના પિતા પાસેથી નંબર મેળવી ઇમરાનને તેના ઘર પાસે મળવા ગયો હતો. પરંતુ ઇમરાન મને ઘરની બહાર જ મળ્યો હતો. અમે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ લખાવી ત્યારે પોલીસ કહેતી કે તપાસ કરીએ છીએ.15 દિવસ સુધી કોઈ સમાચાર ના મળતા અમે પોલીસ કમિશનર કચેરીએ ગયા ત્યાંથી બાપુનગર પોલીસને જાણ કરતા પોલીસે અમને ફરીથી બોલાવી વિગત માંગી હતી. અમને હતું કે ઇમરાન અને રિઝવાનાએ મારા ભાઈને ગુમ કરી દીધો છે. મારો ભાઈ એક દિવસ પાછો આવશે તેવી આશા હતી, 7 ફૂટના હટ્ટાકટ્ટા મારો ભાઈને એક પોટલામાં પોલીસે અમને સોંપી દીધો. મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હજુ માનવામાં નથી આવતું કે મારા ભાઈની હત્યા થઈ ગઈ છે. અમે પાંચ ભાઈઓ છીએ, જેમાં મેરાજ બીજા નંબરનો ભાઈ છે. મારા ભાઈને ચાર બાળક છે, જે 14, 10, 8 અને 5 વર્ષનાં છે. મારા ભાઈની હત્યા કરનાર જિંદગીભર જેલમાં રહેવા જોઈએ. જે લોકોને ખબર હતી કે મારા ભાઈની હત્યા થઈ છે તે છુપાવનારા ઇમરાનના પિતા અને તેના મિત્રને પણ સજા થવી જોઈએ.

મૃતક મર્ડર કેસમાં જેલમાં ગયો હતો
પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ મૃતક મેરાજ ઉર્ફ માઈકલ મર્ડર કેસમાં જેલમાં ગયો હોવાથી દંપતી તેનાથી ડરતું હતું. માઈકલને સીધેસીધો મારવો શક્ય ન હોવાથી તેને છેતરીને મારવાની યોજના બનાવવામાં આવી હતી. જે મુજબ રિઝવાના ઉર્ફ નેહાએ માઈકલને ગિફ્ટના બહાને બોલાવતા તે લલચાયો અને દંપતીની ટ્રેપમાં આવી ગયો હતો.

આડાસંબંધમાં હત્યાનો ભેદ બાતમીથી ઉકેલાયો
આમ જાન્યુઆરી, 2023માં ગુમ થયેલો મેરાજ ઉર્ફે માઇકલ બે મહિના સુધી ગુમ રહ્યો હતો. જેની હકીકતમાં હત્યા થઈ હતી. આ ગુમ થવા બાબતે પોલીસ તપાસ કરી રહી હતી, ત્યારે બાતમી મળતાં આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હતા અને આરોપીએ હત્યા કર્યાની કબૂલાત કરીને પોલીસને લાશનો નિકાલ કરેલી જગ્યાએ લઈ ગયા હતા. જોકે, લાશ શોધવામાં પોલીસે ખાસ્સી એવી મહેનત કરી હતી. લાશના ટુકડા મળતાં પોલીસે એક બાદ એક કડી જોડી અને લગ્ન બાદના આડસબંધમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી પતિ-પત્નીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

Advertisement