GUJARAT

બાળકને એકાએક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાલીઓ માટે ચેતવણી સમાન વધુ બે કિસ્સો સામે આવ્યા છે. પ્રથમ કિસ્સો અરવલ્લી જિલ્લાનો છે. જેમાં પરિવારનું એક માત્ર 10 મહિનાનું બાળક સોયાબીનનો દાણો ગળી ગયું હતું. જે બાદ તેને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતાં માતા-પિતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઈને દોડી આવ્યાં હતાં. જ્યાં તેની સર્જરી કરી સોયાબીનના દાણાને બહાર કાઢવામાં આવ્યો હતો. તો બીજા કિસ્સો અમદાવાદનો જ છે. જેમાં દરજીકામ કરનારનો 2 વર્ષીય પુત્ર ધારદાર ટાંકણી ગળી ગયો હતો. જેને પણ અમદાવાદની સિવિલમાં લઈ જવાતા તબીબોએ સફળતાપૂર્વક ટાંકણીને મળમાર્ગે બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું હતું.

10 મહિનાનું બાળક સોયાબીનનો દાણો ગળી ગયું
અરવલ્લી જિલ્લાના ગોરવાડા ગામમાં રહેતા શંભુ ખાંટને એકમાત્ર 10 મહિનાનું બાળક છે, જેનું નામ પ્રિન્સ છે. થોડા દિવસ પહેલાં પ્રિન્સ સોયાબીનનો દાણો ગળી ગયો હતો. જેના પરિણામે 28 ડિસેમ્બરના રોજ તેને એકાએક શ્વાસ લેવામાં ખૂબ જ સમસ્યા ઊભી થવા લાગી હતી. જેથી માતા-પિતાને આ સમસ્યા વધુ ગંભીર લાગતા તેઓ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકને લઈને દોડી ગયા હતા.

બાળકને એકાએક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી
જ્યાં બાળકની બાળરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવતા સમસ્યા અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. જેમાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલના તબીબોને બાળકની સર્જરી કરવી પડશે તેવું જણાઈ આવ્યું હતું. જેથી તેઓએ બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા જણાવ્યું હતું. જેથી માતા-પિતા 29મી ડિસેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે પ્રિન્સને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં.

બે કલાકમાં જ તબીબોએ બાળકની સર્જરી કરી
હોસ્પિટલમાં પહોંચ્યાના માત્ર બે કલાકની અંદર જ તેના એક્સ-રેના આધારે ઇમર્જન્સી બ્રોન્કોસ્કોપી કરીને ડાબા ફેફસામાં ફસાયેલા સોયાબીનના દાણાને દૂર કરવામાં આવ્યો હતો. સર્જરી અત્યંત જટીલ હતી, પરંતુ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષી અને તેમની ટીમે છેલ્લાં બે વર્ષમાં અંદાજિત 51 જેટલાં આવાં બાળકોની બાહ્ય પદાર્થ ગળી જવાની સર્જરી કરી છે. આ બહોળા અનુભવના પરિણામે અને પ્રિન્સનાં માતા-પિતાની સતર્કતાથી માત્ર બે કલાકમાં જ આ બાળકની સર્જરી કરીને સોયાબીનનો દાણો કાઢવામાં સફળતા મળી હતી. હવે બાળક પુન: પહેલાંની માફક જ શ્વાસ લઈ શકે છે.

2 વર્ષનું બાળક ટાંકણી ગળી ગયું
આવો જ બીજો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો હતો. જેમાં બાપુનગર વિસ્તારમાં રહેતા અને દરજીનો વ્યવસાય કરતા મોહંમદ કૌસર શેખનો 2 વર્ષનો પુત્ર યુસુફ ડિસેમ્બર મહિનામાં ધારદાર ટાંકણી ગળી ગયો હતો. એક દિવસ યુસુફ ઇશારા કરીને તેની માતાને કહી રહ્યો હતો કે, તે કંઇક ગળી ગયો છે. જે બાદ તેને શરીરમાં સમસ્યાઓ ઊભી થતાં માતા-પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈને દોડી ગયાં હતાં. જ્યારે સી.ટી. સ્કેન કરવામાં આવ્યું, ત્યારે કોઇ બાહ્ય પદાર્થ બાળક ગળી ગયું છે, જે મેટલનું છે તેવું સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું હતું.

સમસ્યા થતા પુત્રને લઈ માતા-પિતા હોસ્પિટલ પહોંચ્યાં
આ કિસ્સામાં મહત્ત્વની બાબત એ બની હતી કે, તબીબોના અનુભવના પરિણામે જ્યારે આ બાહ્ય પદાર્થના ચોક્કસ સ્થાનની ખબર પડી, ત્યારે તબીબોના મોનટરિંગ હેઠળ તેને મળમાર્ગે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. માતા-પિતાની ધીરજ, બાળકના સહકાર અને તબીબોના અનુભવના લાભથી યુસુફને કોઈપણ જાતની સર્જરી કર્યા વિના જ આ મોટા આકારની ટાંકણી મળમાર્ગે કાઢવામાં સફળતા મળી હતી.

માતા-પિતાએ ચેતવાની જરૂર છેઃ સુપ્રિન્ટેન્ડન્ટ
આ બન્ને ઘટના અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ બંને કિસ્સા જોઇને માતા-પિતાએ ચેતવાની જરૂર છે. બાહ્ય પદાર્થ ગળી જતા ઘણા કિસ્સામાં સર્જરી વિના પણ અનુભવ અને ધીરજના પરિણામે તબીબોના સતત મોનિટરિંગ દ્વારા પણ બાહ્ય પદાર્થ મળમાર્ગે અથવા મોંના માધ્યમથી દૂર કરી શકાય છે. જો આવો પદાર્થ ગળી ગયા બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ જણાય અને એ પદાર્થ નળીમાં ફસાઇ ગયો હોય તો ચોક્કસ પણે સર્જરી કરીને જ આ સમસ્યા દૂર કરી શકાય છે, જે પ્રિન્સના કિસ્સામાં બન્યું હતું. બાળરોગ સર્જરી વિભાગના તબીબો અને ક્રિટિકલ એનેસ્થેટિસ્ટ ડૉ. ભાવના રાવલ અને ડૉ. નમ્રતાની કોઠાસૂઝથી આ સર્જરી સફળતાપૂર્વક પાર પડી હતી.

Advertisement