GUJARAT

199 સોનાના સિક્કા મળ્યા અને પછી જે થયું તેના પર કોઈને વિશ્વાસ ન આવ્યો

નવસારીના બીલીમોરામાં આવેલા NRIના એક મકાનના નવ મહિના પૂર્વે ડિમોલિશન સમયે સોનાના સિક્કા મળ્યા બાદ તેની ચોરી થતાં નવસારી અને મધ્યપ્રદેશ પોલીસ દોડતી થઈ હતી. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવા આ બનાવમાં અંતે નવસારી પોલીસને સિક્કાઓ શોધવામાં સફળતા હાથ લાગી છે. નવસારી પોલીસે મધ્યપ્રદેશમાં રહેતા મજૂરોના ઝૂંપડામાંથી અંદાજે એક કરોડની કિંમતના 199 સોનાના સિક્કાઓ કબજે કર્યા છે. પોલીસે સિક્કાઓની સાથે પાંચ આરોપીને પણ દબોચી લીધા છે. જોકે હવે સિક્કા મળ્યા બાદ સવાલ એ ઊભો થયો છે કે આ પૌરાણિક સિક્કાઓની માલિકી કોની? નવસારીમાંથી આ સિક્કાઓની ચોરી કઈ રીતે થઈ, જેનું મકાન છે એ NRIને તેના ઘરમાં સોનાના સિક્કા હતા એની કઈ રીતે ખબર પડી? અને પોલીસ આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી એની સિલસિલાબંધ વિગતોની આગળ વાત કરીએ…

શું છે સમગ્ર મામલો?
હવાબેન ઈમ્તિયાઝભાઈ બલિયા છેલ્લાં 20 વર્ષથી લંડનમાં વસવાટ કરી રહ્યા છે. તેમનું આશરે 100 વર્ષ જૂનું મકાન બીલીમોરાની જુમ્મા મસ્જિદ નજીક આવેલું હતું. આ મકાન અતિજર્જરિત હોઈ, તોડવા માટે હવાબેન દ્વારા સ્થાનિક કોન્ટ્રેકટર સરફરાજ હાજી કોરડિયાને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. મકાનમાલિક મહિલા દ્વારા મકાન તોડતી વખતે જો કોઈ દસ્તાવેજ કે કિંમત સામાન મળે તો પરત કરવા માટે કોન્ટ્રેક્ટને તાકીદ કરી હતી. નવ મહિના પૂર્વે સરફરાજ હાજી કોટડિયા દ્વારા મધ્યપ્રદેશના રાજુ ભયડિયા, બંજારી ભયડિયા, રમકુબાઈ નામના મજૂરો પાસે મકાન તોડવાની શરૂઆત કરાવી હતી. મકાન તોડતી સમયે ઘરમાંથી કેટલાક સોનાના સિક્કાઓ હાથ લાગ્યા હતા, જે બાબતે મકાનમાલિક કે પોલીસને જાણ કરવાના બદલે મજૂરો અને કોન્ટ્રેકટરે સિક્કાના ભાગ પાડી લીધા હતા. મજૂરો પોતાના ભાગના સોનાના સિક્કાઓ લઈ મધ્યપ્રદેશ ચાલ્યા ગયા હતા.

ભાગબટાઈમાં વાંધો પડતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો
નવસારીમાંથી સોનાના સિક્કાઓની ચોરી કરી મધ્યપ્રદેશના મજૂરો તેમના વતન ચાલ્યા ગયા હતા, પરંતુ ત્યાં કોઈ કારણસર મજૂરોને સિક્કાઓ મામલે બબાલ થતાં અલીરાજપુર જિલ્લા પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો. જે-તે સમયે ત્યાંની સ્થાનિક પોલીસે મજૂરો પાસેથી સિક્કાઓ પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ પણ મજૂર દ્વારા નોંધાવવામાં આવી હતી. એ મામલે ચાર પોલીસકર્મી સાથે ત્યાં ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ આ ચાર પોલીસકર્મી જ્યુડિશિયલ ક્સટડીમાં છે.

MP પોલીસ તપાસ માટે ગુજરાત આવી’ને સમગ્ર મામલો બહાર આવ્યો
નવ મહિના પહેલાં નવસારીના બીલીમોરામાંથી જે સોનાના સિક્કાની ચોરી થઈ હતી એની છ મહિના સુધી મકાનમાલિક કે ગુજરાતમાં કોઈને જાણ ન હતી, પરંતુ મધ્યપ્રદેશમાં મજૂરો દ્વારા સિક્કા અંગે ફરિયાદ નોંધાવતાં એની તપાસ માટે મધ્યપ્રદેશ પોલીસ ત્રણ મહિના પહેલાં બીલીમોરા પહોંચી હતી અને તેને મકાનમાલિક હવાબેનનો સંપર્ક કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હવાબેનને જાણ થતાં જ તેમના દ્વારા બીલીમોરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં નવસારી પોલીસ એલર્ટ બની હતી અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો.

નવસારી LCBએ અલીરાજપુરમાં ધામા નાખી ગુનો ઉકેલ્યો
બીલીમોરામાં સોનાના સિક્કાની ચોરી થયાની ફરિયાદ તો નોંધવામાં આવી, પરંતુ, સિક્કાની સંખ્યા અને ચોરી અંગે અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે પોલીસે આ સમગ્ર મામલાનો ભેદ ઉકેલવા માટે નવસારી LCBએ બે મહિનાની અંદર 6 વખત મધ્યપ્રદેશના ધક્કા ખાધા હતા. મધ્યપ્રદેશમાં લોકલ બાતમીદારોનું નેટવર્ક ઊભું કરી સમગ્ર કેસની ઝીણવટભરી વિગતો એકત્ર કરી હતી અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

કબજે કરાયેલા સિક્કાઓ 102 વર્ષ જૂના
નવસારી પોલીસે મધ્યપ્રદેશમાંથી ચોરીના કામે ગયેલા એન્ટિક ગોલ્ડ કોઈન કબજે કર્યા છે, એની સંખ્યા 199 છે. એક સિક્કાનું વજન અંદાજે 8 ગ્રામ છે. સિક્કા પર કિંગ જ્યોર્જનો સિમ્બોલ છે અને આ સિક્કાઓ 1922ની સાલમાં બનેલા છે. હાલની સોનાની કિંમત મુજબ આ સિક્કાની બજાર કિંમત અંદાજે 92 લાખ રૂપિયા જેટલી થાય છે.

સિક્કાના મૂલ્યે અંગે મજૂરો અજાણ!
નવસારી પોલીસે સોનાના સિક્કા સાથે જે પાંચ મજૂરને ઝડપી પાડ્યા છે. તેઓ સોનાના એન્ટિક કોઈનના મૂલ્યે અંગે અજાણ હોવાનું જાણવા મળ્યું છે. મજૂરોએ આ સિક્કાઓ તેમનાં ઝૂંપડાંમાં અને ઝૂંપડા બહાર જમીનમાં દાટીને રાખી દીધા હતા. આ સિક્કાઓ મેળવવાથી તેમને લાભ થશે એટલું તેઓ જાણતા હતા.

 (તસવીર- ફરિયાદી હવાબેન)

સિક્કાઓની માલિકી કોની? સિક્કા ફરિયાદી હવાબેન ઈમ્તિયાઝ બલિયાના ઘરમાંથી મળ્યા છે એટલે તેમણે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં પોતાના સિક્કા મેળવવા માટે ફરિયાદ કરી છે. આ મામલે નવસારી એસપીએ કહ્યું હતું કે આ સિક્કાની માલિકી બાબતે અમે ગુજરાત સરકાર અને આર્કિયોલોજી વિભાગને જાણ કરીશું. જો આની માલિકી સરકારની થશે તો સરકાર હસ્તક જમા કરાવવામાં આવશે અને જો મકાનમાલિકની થશે તો એને કોર્ટ દ્વારા સુપરત કરવામાં આવશે.

આ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી
(1) રમકુ W/O બંશી બંગાલ ભયડિયા જાતે ભીલાલા, ઉં.વ. 47, ધંધો- મજૂરી, (2) રાજુ ઉર્ફે રાજલા ગેન્તી ભયડિયા, જાતે ભીલાલા, ઉં.વ. 28, ધંધો- મજૂરી, (3) બંજારી W/O રાજુ ઉર્ફે રાજલા ગેન્તી ભયડિયા, જાતે ભીલાલા, ઉં.વ. 26, ધંધો- મજૂરી, (4) કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તમામ રહે. બેજડાગામ, ઉબલા-દગડા ફળિયા, થાના-સોન્ડવા, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ રાજ્ય તથા (5) સરફરાઝ હાજી કોરડિયા, ઉં.વ.44, ધંધો- જૂના કાટમાળનો વેપાર રહે.વલસાડ.

Advertisement