NATIONAL

સૂચનાને તેના પતિ અને તેના બાળકની મુલાકાત ગમતી ન હતી

બેંગલુરુની મહિલા સીઇઓએ તેના ચાર વર્ષના પુત્રની હત્યા સાથે જોડાયેલી કેટલીક બાબતો પોલીસ સાથે શેર કરી છે. તેણે ખુદ પોલીસને જણાવ્યું હતું કે તેનો પુત્ર ગોવામાં હોટલના રૂમમાં ક્યાં સૂતો હતો, તેની સૂટકેસ ક્યાં રાખવામાં આવી હતી અને તેણે તેના પુત્રની લાશને સૂટકેસમાં કેવી રીતે રાખી હતી.

ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, સૂચના સેઠના નિવેદનના આધારે શુક્રવારે (12 જાન્યુઆરી)ના રોજ દોઢ કલાક માટે ક્રાઇમ સીન રિક્રિએટ કરવામાં આવ્યો હતો. પોલીસ હોટલના રૂમમાં ગઈ, જ્યાં તે તેના પુત્ર સાથે રોકાઈ હતી. ક્રાઇમ સીન રિક્રિએશન દરમિયાન સૂચનાએ જણાવ્યું હતું કે તેણે એક ચાકુ લઈને પોતાનું કાંડું કાપ્યું અને સુસાઇડ કરવાની કોશિશ કરી. પોલીસે જણાવ્યું હતું કે સૂચનાએ બેંગલુરુથી ગોવાની વન-વે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી હતી, કારણ કે તે પહેલાંથી જ રોડ માર્ગે પરત ફરવાનો ઇરાદો ધરાવતી હતી.

આ દરમિયાન શનિવારે સૂચનાના પતિ વેંકટરમન પોતાનું નિવેદન નોંધવા વકીલ સાથે કાલંગુટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પુત્રની હત્યા સમયે તે ઈન્ડોનેશિયામાં હતો. પોલીસ પાસેથી માહિતી મેળવ્યા પછી તે 9 જાન્યુઆરીએ ભારત આવ્યો અને 10 જાન્યુઆરીએ બેંગલુરુમાં તેના પુત્રના અંતિમસંસ્કાર કર્યા.

સૂચનાની બેગમાંથી એક ચિઠ્ઠી મળી આવી, જેમાં લખેલું હતું- મારું બાળક મારી સાથે જ રહેશે
પોલીસને સૂચનાની બેગમાંથી ટિસ્યૂ પેપર પર લખેલી એક નોટ પણ મળી આવી હતી. એમાં લખ્યું છે – કોર્ટ અને મારા પતિ મારા બાળકની કસ્ટડીને લઈને મારા પર દબાણ લાવી રહ્યા છે. મારા પતિ હિંસક છે. હું તેને એક દિવસ માટે પણ મારું બાળક આપી શકતી નથી. મારું બાળક મારી પાસે જ રહેશે.

પોલીસે જણાવ્યું હતું કે આ નોટ ટિસ્યૂ પેપર પર આઇલાઇનર અથવા કાજલ પેન્સિલથી લખવામાં આવી હતી. તેણે આ ચિઠ્ઠી લખીને ફાડી નાખી હતી. પોલીસે ટિસ્યૂ પેપરનો ટુકડો ફોલ્ડ કર્યો અને એમાં લખેલો મેસેજ વાંચ્યો. પોલીસનું માનવું છે કે તે સુસાઈડ નોટ હોઈ શકે છે, કારણ કે સૂચનાએ પુત્રની હત્યા કર્યા બાદ તેના હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હોટલના રૂમમાંથી છરી, ટુવાલ, ઓશીકું અને લાલ રંગની બેગ જપ્ત કરી છે.

6 જાન્યુઆરીએ સૂચનાએ તેના પતિને મેસેજ કરીને તેના પુત્રને મળવાનું કહ્યું હતું
સૂચના તેના પતિ વેંકટરમનથી અલગ રહેતી હતી. બંનેના છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી. બાળકની કસ્ટડી સૂચના પાસે હતી અને કોર્ટે વેંકટને દર રવિવારે તેના બાળકને મળવાની મંજૂરી આપી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સૂચનાએ 6 જાન્યુઆરીએ તેના પતિને મેસેજ કર્યો હતો કે તે બીજા દિવસે તેના પુત્રને મળી શકે છે. જોકે જ્યારે તે 7 જાન્યુઆરીએ તેના પુત્રને મળવા ગયો ત્યારે તેને ખબર પડી કે માતા અને પુત્ર બેંગલુરુમાં નથી. આ પછી વેંકટરમન એ જ દિવસે ઈન્ડોનેશિયા જવા રવાના થઈ ગયો.

ગોવાના હોટલના મેનેજરે જણાવ્યું કે સૂચનાએ 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી અગાઉથી રૂમ બુક કરાવ્યો હતો, પરંતુ 7 અને 8 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે તેણે 12:30 વાગ્યે અચાનક ચેકઆઉટ કર્યું. અગાઉના દિવસે તેણે રિસેપ્શનમાંથી તેના પુત્ર માટે કફ સિરપની બે બોટલ પણ મગાવી હતી.

ટેક્સીચાલકની સૂઝબૂઝથી પકડાઇ ગઈ સૂચના
ગોવાથી બેંગલુરુ જવા માટે તેણે બુક કરેલી ટેક્સીના ડ્રાઈવરને કારણે સૂચનાને પકડવામાં આવી હતી. ટેક્સી-ડ્રાઈવરની ઓળખ ઉત્તર ગોવાના રહેવાસી રોય જોન ડિસોઝા તરીકે થઈ હતી. તેણે મીડિયાને જણાવ્યું હતું કે હોટલના રિસેપ્શનિસ્ટના કોલ પર તે તેના એક સાથી સાથે હોટલ પહોંચી હતી.

સૂચનાને બેંગલુરુ લઈ જવા માટે 30,000 રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. સૂચના રાત્રે જ એ ટેક્સીમાં બેંગલુરુ જવા રવાના થઈ. 8 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ ડ્રાઇવરને ગોવાના કલંગુટ પોલીસ-ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો. ઈન્સ્પેક્ટરે તેને પૂછ્યું કે સૂચના એકલી છે કે તેની સાથે કોઈ બાળક છે. ડ્રાઈવરે કહ્યું હતું કે સૂચના એકલી છે. ઈન્સ્પેક્ટર અને ટેક્સી-ડ્રાઈવર કોંકણી ભાષામાં વાત કરી રહ્યા હતા. તેથી સૂચના તેમની વાતચીતને સમજી શકી ન હતી. પોલીસે સમગ્ર ઘટના ડ્રાઈવરને જણાવી હતી.

આ પછી પોલીસે ટેક્સી-ડ્રાઈવરને ફોન કરીને સૂચનાને આપવા કહ્યું. ત્યાર પછી પોલીસે પૂછપરછ કરીને સૂચનાની મેળવી હતી. સૂચનાએ પોલીસને જણાવ્યું કે તેનો પુત્ર ગોવામાં એક સંબંધી સાથે હતો. સૂચનાએ એક સરનામું આપ્યું હતું, જે નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ પછી ઈન્સ્પેક્ટરે ટેક્સી- ડ્રાઈવરને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન જવા સૂચના આપી.

ડ્રાઇવરે ગૂગલ મેપ પર પોલીસ સ્ટેશનનું લોકેશન શોધી કાઢ્યું
ડ્રાઈવરે જણાવ્યું હતું કે એ સમયે તેઓ એક્સપ્રેસ વે પર હતાં. ત્યાંના તમામ સાઈનબોર્ડ કન્નડમાં હતાં, તેથી તેને ક્યાં જવું એ સમજાતું ન હતું. તેણે ગૂગલ મેપ્સ પર પોલીસ સ્ટેશન સર્ચ કર્યું, જેમાં તે 150 કિમી દૂર હોવાનું દર્શાવ્યું.

ડ્રાઈવરે સૂચનાને કહ્યું હતું કે તે અને તેના સાથી ટોઇલેટ જવાનું છે. ત્યાર બાદ તે કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં હતા. ટેક્સી-ડ્રાઈવરે રસ્તામાં એક રેસ્ટોરન્ટમાં કાર રોકી અને ત્યાંના ચોકીદાર સાથે વાત કરી. ચોકીદારે તેમને કહ્યું હતું કે આયમંગલા પોલીસ સ્ટેશન 500 મીટરના અંતરે છે. આ પછી ટેક્સી-ડ્રાઈવર સૂચના માટે આયમંગલા પોલીસ સ્ટેશન ગયો. પોલીસ સ્ટેશન જોતાં જ સૂચનાએ ટેક્સી-ડ્રાઇવરને પૂછ્યું કે તેણે અહીં કાર કેમ રોકી છે. આ દરમિયાન ડ્રાઈવરે ફોન આઈમંગલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને આપ્યો હતો. આઇમંગલા પોલીસે ગોવા પોલીસ સાથે વાત કરી અને સૂચનાના સામાનની તપાસ કરી. સૂચનાના પુત્રનો મૃતદેહ ત્યાંથી મળી આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા થયાની વાત કરવામાં આવી
બાળકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બુધવારે (10 જાન્યુઆરી) સામે આવ્યો હતો. ડોક્ટરે કહ્યું હતું કે બાળકની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. એવું લાગે છે કે જાણે ઓશીકું કે ટુવાલ વડે ગળું દબાવવામાં આવ્યું હોય. હાથનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. બાળકના ચહેરા અને છાતી પર સોજો આવી ગયો હતો. તેના નાકમાંથી પણ લોહી વહી રહ્યું હતું.

સૂચનાએ લગ્નનાં 12 વર્ષ બાદ તેના પતિને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, સૂચના મૂળ પશ્ચિમ બંગાળની રહેવાસી છે. તે બેંગલુરુમાં રહેતી હતી. 2010માં સૂચનાના લગ્ન કેરળના રહેવાસી વેંકટરમન સાથે થયા હતા. વેંકટરમન એઆઈ ડેવલપર છે. 2019માં સૂચનાએ પુત્રને જન્મ આપ્યો હતો. જોકે 2020થી સૂચના અને તેના પતિ વચ્ચે વિવાદ શરૂ થયો. 2021થી બંને અલગ રહેવા લાગ્યાં. પછી 2022માં છૂટાછેડા માટે અરજી કરી. કોર્ટે આદેશ આપ્યો હતો કે સૂચનાના પતિ દર રવિવારે તેમના બાળકને મળી શકે છે.

સૂચનાને તેના પતિ અને તેના બાળકની મુલાકાત ગમતી ન હતી
સૂચના નહોતી ઈચ્છતી કે તેનો પતિ તેના પુત્રને મળે. સૂચનાએ ઓગસ્ટ 2022માં તેના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે કહ્યું- મારા પતિ મારું અને મારા પુત્રનું શારીરિક શોષણ કરે છે. સૂચનાએ દાવો કર્યો હતો કે તેના પતિની વાર્ષિક આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે. તેણે તેના પતિ પાસેથી ભરણપોષણ ભથ્થા તરીકે દર મહિને 2.5 લાખ રૂપિયાની માગણી કરી હતી. ઘટના સમયે સૂચનાના પતિ વેંકટરમન જકાર્તા (ઇન્ડોનેશિયા)માં હતા. ગોવા પોલીસની સૂચના પર તે 9 જાન્યુઆરીએ કર્ણાટકના ચિત્રદુર્ગ આવ્યો હતો. વેંકટે બુધવારે (10 જાન્યુઆરી) બેંગલુરુમાં તેના પુત્રના અંતિમસંસ્કાર કર્યા.

AI એથિક્સ લિસ્ટમાં 100 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ સૂચના
સૂચના સેઠની LinkedIn પ્રોફાઇલ મુજબ, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે. તેમને ડેટા સાયન્સ અને એઆઈમાં કામ કરવાનો 12 વર્ષનો અનુભવ છે. સૂચનાને વર્ષ 2021માં AI એથિક્સ લિસ્ટમાં 100 પ્રતિભાશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. આ સિવાય તે ડેટા એન્ડ સોસાયટીમાં મોઝિલા ફેલો, હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લેઈન સેન્ટરમાં ફેલો અને રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ ફેલો રહી ચૂકી છે.

Advertisement