GUJARAT

કબૂતરના ચરકથી સાવધાન, જિંદગી ખતરામાં આવી જશે, ખાસ વાંચો

42 વર્ષીય ડિમ્પલબેન વડોદરાના જરોદ ગામનાં વતની છે. ડિમ્પલબેનનું જીવન એકદમ બરોબર ચાલતું હતું. તેમના પતિ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હતા, બે દીકરી હતી, જેમાં મોટી દીકરી MBBS ડૉક્ટર હતી અને પોતે ઘરમાં આજુબાજુના 10-15 છોકરાનાં ટ્યૂશન ક્લાસીસ ચલાવતાં હતાં. બધું બરોબર ચાલતું હતું, ત્યાં અચાનક મુશ્કેલીઓએ માથું ઊંચકવાનું શરૂ કર્યું. 2018માં એક દિવસ ડિમ્પલબેનને ઉધરસ આવવાની ચાલુ થઈ. સાધારણ દવા લીધી, પણ કોઈ ફરક ન પડ્યો, ઊલટાની ઉધરસ તો વધતી જ જતી હતી. ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે ફેફસાંમાં થોડો પ્રોબ્લેમ છે. ડિમ્પલબેનને તરત જ હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં. ડિમ્પલબેન કહે છે, ‘એ સમયે પ્રોબ્લેમ બહુ મોટો નહોતો કે ડૉક્ટરના ધ્યાનમાં ન આવ્યું એ ખબર નથી, પણ 4-5 દિવસમાં તો હું બરોબર થઈ ગઈ અને મને હૉસ્પિટલથી રજા પણ આપી દેવામાં આવી.’

વાતને આગળ વધારતાં ડિમ્પલબેન કહે, ‘1 વર્ષ સુધી બધું બરોબર ચાલ્યું, પણ 2019માં ફરીવાર ઑક્સિજન લેવલ ઘટી ગયું અને ફેફસાંમાં દુ:ખાવો શરૂ થયો. ડૉક્ટરને બતાવ્યું તો રિપોર્ટ કરવા કહ્યું, રિપોર્ટ કરાવ્યા પણ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. પરંતુ એક ડૉક્ટરે એવું કહ્યું કે ‘તમને કદાચ કબૂતરથી એલર્જી હોઈ શકે.’ બસ, મારા જીવનમાં કબૂતરની એન્ટ્રી થઈ ચૂકી હતી. ખરેખર કબૂતરની ‘ચરક’ જ મારા જીવનમાં દુ:ખોની ત્સુનામી લઈને આવવાની હતી. ઉધરસની તીવ્રતા વધતી જતી હતી એટલે વધારે રિપોર્ટ માટે અમે મુંબઈ ગયા. મુંબઈથી રિપોર્ટ આવ્યો અને ખબર પડી કે મને કબૂતરની ચરકની જ એલર્જી હતી. કબૂતરની ચરકથી મારાં બંને ફેફસાંમાં પ્રોબ્લેમ થઈ ચૂક્યો હતો.’

‘જો થોડું પણ ચાલુ તો ઑક્સિજન ઘટીને 60થી 65% થઈ જાય’
ડિમ્પલબેનને ફેફસાંનો પ્રોબ્લેમ શરૂ થઈ ચૂક્યો હતો, પણ તેમને એવું કે આ તો ફક્ત એલર્જી છે, સરખું જઈ જશે (પણ થયું નહીં) તેઓ આગળ જણાવે છે, ‘આ બધા રિપોર્ટ કરાવવાનું શરૂ હતું ત્યાં કોરોના આવ્યો અને ફેફસાં વધારે ડેમેજ થયાં. અચાનક મારા ઑક્સિજન લેવલમાં ફરક પડવા માંડ્યો, જો હું બેસી રહું તો 89થી 91 રહે, પણ જો થોડી પણ ચાલુ તો ઑક્સિજન લેવલ સીધું જ 65 સુધી પહોંચી જાય. 2 વર્ષ સુધી હું ઘરની બહાર પણ નથી નીકળી. ડૉક્ટરોએ કહી દીધું હતું કે ‘તમે રોજ આખી રાત ઑક્સિજન લેવાનું શરૂ કરી દો.’ 2020 સુધી તો હું ફક્ત રાતે જ ઑક્સિજન લેતી, પણ 2021 પછી તો દિવસે પણ ઑક્સિજન લેવાની શરૂઆત કરવી પડી. પ્રોબ્લેમ સતત વધતો જતો હતો. હું તો ઘરની બહાર નીકળી શકું એમ પણ નહોતી, પરંતુ મારા પતિએ બહાર બધે ફરી રિપોર્ટ કરાવવાનું શરૂ કર્યું. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ બધે ફર્યા. દિલ્હી મારી દવા 6 મહિના ચાલી, ચેન્નઈ મારી દવા 6 મહિના ચાલી, એ દવાથી થોડું સારું લાગતું હતું.’

‘સર્જરી માટે છેક ચેન્નઈ જવું પડ્યું’
ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે ડિમ્પલબેનને છેક ચેન્નઈ જવું પડ્યું હતું. પણ કેમ? કેમ ત્યાં છેક? ગુજરાતમાં શક્ય નહોતું? એ વિશે વાત કરતાં ડિમ્પલબેન કહે, ‘2023માં અમે ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નઈ ગયાં, ત્યાં સુધીમાં ગુજરાતમાં ફક્ત 2 જ ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં, જેમાંથી 1 જ સક્સેસ થયું હતું. આટલા ઓછા ટ્રાન્સપ્લાન્ટનું કારણ હતું કે ગુજરાતમાં કોઈ અંગદાન કરતું જ નથી. જો ડોનેશન જ નહીં આવે તો ટ્રાન્સપ્લાન્ટ કેવી રીતે થઈ શકશે. સામે ચેન્નઈમાં સૌથી વધુ ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ થયેલાં છે અને સક્સેસ રેશિયો પણ વધારે હતો. એટલે અમે ચેન્નઈ જવાનું નક્કી કર્યું હતું.’ ગુજરાતના લોકોએ આ બાબતે ખાસ જાગ્રત થવાની જરૂર છે. મૃત્યુ બાદ તમારા અંગદાનથી બીજા ઘણા લોકોનો જીવ બચી શકે છે. તો શક્ય હોય ત્યાં સુધી અંગદાન કરવાનું રાખો….

’40-50 લાખના ખર્ચે ઑપરેશન થશે’
ડિમ્પલબેને વાત આગળ વધારી, ‘2022માં બધા જ ડૉક્ટરોએ કહી દીધું કે ‘હવે તમારે ફેફસાં બદલાવવાં સિવાય કોઈ જ રસ્તો નથી.’ અહીં વડોદરા, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ બધા ડૉક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હતા. હવે ફેફસાં બદલવાં સિવાય કોઈ રસ્તો નહોતો. એટલે અમે ચેન્નઈની રેલા હૉસ્પિટલમાં ડિસેમ્બર-2022માં ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટે એપ્લાય કર્યું. અમે ચેન્નઈ ત્યાં એ હૉસ્પિટલમાં પહોંચ્યાં અને ડોક્ટરે ટ્રાન્સપ્લાન્ટ માટે તપાસ કરી. તો ખબર પડી કે બાકી બધાં ઓર્ગન બરોબર હતાં એટલે કશો પ્રૉબ્લેમ થાય એવું નહોતું, પરંતુ સૌથી મોટો પ્રોબ્લેમ હતો પૈસાનો. સર્જરી માટે ચાર્જ કહ્યો, 40થી 50 લાખ અને એ પછી દવાઓ શરૂ રાખવાની એ અલગ. હવે એ સમયે મારા પતિની સેલરી હતી ફક્ત 17 હજાર. એ સિવાય અમારી પાસે બધું જ મેળવીને 3 લાખથી વધારે સેવિંગ પણ નહોતું. મોટી મૂંઝવણ જ એ હતી કે આટલા બધા પૈસા ભેગા કેમ કરવા?’

‘ઘરેણાં સહિત બધું મળીને 20% પૈસા પણ નહોતા અમારી પાસે’
સ્વાભાવિક રીતે જ ડિમ્પલબેનને સૌથી મોટો પ્રોબ્લેમ હતો સારવારના પૈસાનો, 40થી 50 લાખનો ખર્ચો કરવો એક મિડલ ક્લાસ ફેમિલી માટે અઘરું થઈ પડે એમ હતું. તો પછી આટલી મોટી રકમનો બંદોબસ્ત તેમણે કઈ રીતે કર્યો? એ વિશે ડિમ્પલબેન જણાવે છે, ‘ડોક્ટરે 40-50 લાખનો ખર્ચો કહ્યો, પરંતુ એ સમયે મારા પતિની સેલરી માંડ 17 હજાર હતી, અમારી પાસે સેવિંગ 3 લાખ જેવું અને ઘરેણાં સહિત બધું વેચી દઈએ તો પણ 6થી 7 લાખ માંડ માંડ થાય એવું હતું. એટલે એ પછી અમે સમાજમાં બધાને વાત કરી, સગાં- વહાલાંને, મિત્રોને બધાને વાત કરી તો બધાએ થોડી થોડી સહાય કરી, એ સાથે સરકારે પણ અમને 7.5 લાખ રૂપિયાની મદદ કરી હતી, થોડી સંસ્થાઓ અને NGOવાળાઓએ પણ ઘણી મદદ કરી હતી.’ ‘એ સમયે સર્જરીનો ખર્ચો 45 લાખ જેવો થયો હતો અને અત્યારે પણ દવાઓ અને ટ્રીટમેન્ટ મળી રોજના 10 હજાર જેટલો ખર્ચો થઈ જાય છે.’

‘6 મહિના સુધી ફેફસાં માટે રાહ જોવી પડી’
ફેબ્રુઆરીમાં અમે ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ માટે એપ્લાય કર્યું, ત્યારે એ સમયે મારી પહેલા બીજા 3 વ્યક્તિઓએ પણ એપ્લાય કરેલું હતું. એના 6 મહિના બાદ 5મી સપ્ટેમ્બરે મને ફોન આવ્યો કે ‘તમારી સાથે મેચ થતાં ફેફસાં મળી ગયાં છે.’ એ પહેલાં પણ ઘણાં ડોનેશન આવ્યાં હતાં, પણ થતું એવું કે એ ફેફસાં મારા શરીર સાથે મેચ નહોતાં થતાં. એકવાર એક વૃદ્ધ મહિલાનાં ફેફસાં આવ્યાં તો ઉંમરના તફાવતના કારણે એ મારી સાથે મેચ નહોતાં થતાં. કોઈવાર મારી બોડી ફેફસાંને સ્વીકારે નહીં તો કોઈ વાર એ ફેફસાં જ યોગ્ય ન હોય. મેં અગાઉ કહ્યું એમ મારી પહેલાં બીજી 3 વ્યક્તિ હતી. તો ડોનેશનમાં આવેલાં ફેફસાં જો તેમને મેચ થઈ જાય તો પહેલાં એ લોકોને લગાવી દેવામાં આવે અને જો તેમનામાં મેચ ન થાય તો મારી સાથે મેચ કરવાની ટ્રાય કરવામાં આવે.’

‘ખબર પણ નથી પડતી કે મારી અંદર બીજાં કોઈનાં ફેફસાં છે’
આખરે ઘણી મહેનત અને રાહ જોયા બાદ ડિમ્પલબેનને ફેફસાં મળી ગયાં, એ દિવસ વિશે તેઓ વાત કરે છે, ‘5મી સપ્ટેમ્બરે મને ફોન આવ્યો કે ‘તમારી સાથે મેચ થાય એ ફેફસાં મળી ગયાં છે. તમે આવી જાઓ.’ એ ફેફસાં હતાં 19 વર્ષની એક યુવતીનાં. એ યુવતી એક લગ્નપ્રસંગમાં જઈ રહી હતી અને તેનો એક્સિડેન્ટ થયો, હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવી, પણ થોડા સમયમાં જ તે મૃત્યુ પામી. તેના પરિવારે તેનાં ફેફસાં ડોનેટ કર્યાં અને એ મારી સાથે મેચ થઈ ગયાં. એ છોકરીએ તો તેના શરીરનાં બધાં જ અંગો ડોનેટ કર્યાં હતાં. તેના એકના શરીરથી 7 લોકોને જીવનદાન મળ્યું હતું. એ છોકરીનાં ફેફસાં મારામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં અને થોડા સમયમાં તો હું રિકવર પણ થવા માંડી. 1 મહિના બાદ હું ઘરે પણ આવી ગઈ. અત્યારે દવાઓ ચાલુ છે, આમ બધું નોર્મલ છે. ખબર પણ નથી પડતી કે મારી અંદર બીજા કોઈનાં ફેફસાં છે.’

‘સ્મોકિંગ ન કરતા લોકોને ફેફસાંની બીમારીનો ખતરો વધુ’
ડિમ્પલબેનને કબૂતરોની ચરકથી ફેફસાંનો પ્રોબ્લેમ શરૂ થયો હતો, પરંતુ આવું કોને કોને થઈ શકે? એ વિશે વિગતે માહિતી મેળવવા ‘દિવ્ય ભાસ્કર’ એપ દ્વારા ડિમ્પલબેનની વડોદરામાં સારવાર કરતા ડૉક્ટર તેજસ કક્કડ સાથે વાતચીત કરવામાં આવી. તેઓ જણાવે છે, ‘અમુક લોકોનાં ફેફસાં કેટલાંક પરિબળોથી સેન્સિટિવ હોય છે, જેને હાઇપર સેન્સિટિવિટી કહેવામાં આવે છે, જેમાં ઘણા લોકોને કબૂતરની ચરકથી પણ એલર્જી હોય છે. ખાસ કરીને નોન-સ્મોકર લોકોને આ બીમારી વધુ થઈ શકે છે, કેમ કે જે લોકો સ્મોકિંગ નથી કરતા તેમના ફેફસાં વધુ સેન્સિટિવ હોય છે અને તેમને જલદી એલર્જી લાગી જાય છે, એટલે કે મહિલાઓને વધારે થઈ શકે છે.’

ફેફસાં ફેઇલ થવાનાં શરૂઆતનાં લક્ષણો કયાં?
કોઈ બીમારીનો ખ્યાલ જો શરૂઆતથી જ આવી જાય તો એનો ઈલાજ કરવો સરળ બની રહે છે. આવી ગંભીર બીમારી જો કોઈને થાય તો એનાં લક્ષણો કેવાં હોય? એ વિશે ડૉ. તેજસ કહે છે, ‘ગમે તેટલી વધારે ઉધરસ હોય તોપણ 15 દિવસમાં એ મટી જવી જોઈએ, જો 15 દિવસ કરતાં વધારે ઉધરસ આવે તો તમારે ચોક્કસ ડૉક્ટરને બતાવવું જોઈએ. ઉધરસ સિવાય બીજું લક્ષણ છે, શ્વાસ ચડવો. સાધારણ લોકોને થોડા દાદર ચડતાં શ્વાસ નથી ચડતો, પણ જો તમને 2-3 દાદરા ચડતાં જ શ્વાસ ચડી જાય તો મોડું કર્યા વિના તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ અને જો થોડી પણ શંકા જાય કે કબૂતરના કારણે આવું થયું છે તો તરત જ કબૂતરની ‘ચરક’નો ટેસ્ટ કરાવી લેવો જોઈએ, જેને પિજન ડ્રોપિંગ ટેસ્ટ કહે છે.’

‘હું તો કબૂતરોથી દૂર જ રહેતી, હાથ પણ નહોતી અડાડતી, તોપણ…’
ફક્ત કબૂતરની ચરકને કારણે તમને આટલું બધું થયું, તો શું વધારેપડતાં કબૂતરો તમારા વિસ્તારમાં હતાં? ડિમ્પલબેન કહે, ‘ગામડામાં હોઈએ એટલે કબૂતરો તો ઘણાં હતાં. હું નાની હતી ત્યારે પણ અને મારા સાસરે પણ… બંને ગામડાં જ હતાં, તો ઘણાં કબૂતરો હતાં અમારી આજુબાજુ, કેમ કે લોકો છાપરાં પર ચણ નાખતા તો અમારા ઘર પાસે ઘણાં કબૂતરો ભેગાં થઈ જતાં, પણ હું પહેલેથી જ પ્રાણીઓથી દૂર રહેતી. કોઈ કબૂતર કે ગલૂડિયાં રમાડવાં પણ મને નહોતાં ગમતાં તોપણ આવું થઈ ગયું. એ ઉપરાંત મારા ઘર પાસે પણ એક ચબૂતરો હતો, એટલે ઘણાં કબૂતરો રહેતાં.’

‘જો ઘર પાસે કબૂતરો વધારે હોય તો ઘર બદલી નાખજો’
આપણી હૅલ્થ માટે કબૂતરો પણ આટલાં નુકસાનકારક હોય એ બાબત થોડી અજુગતી લાગે. ત્યારે એ વિશે વધુ માહિતી આપતાં ડૉ. તેજસ જણાવે છે, ‘બધાને કબૂતરોથી એલર્જી નથી હોતી. 1000 લોકોની આસપાસ કબૂતરો છે તો એમાંથી 10 લોકોને કબૂતરના ચરકની એલર્જી થઈ શકે છે, પરંતુ સાવચેત રહેવું આવશ્યક છે, કેમ કે કયા 10 લોકોને એ થશે એ આપણને ખબર નથી. જો તમારા ઘર પાસે વધારે સંખ્યામાં કબૂતરો હોય તો નેટ બાંધીને રાખો, ઘરમાં એર પ્યુરિફાયર રાખો. જે લોકોને ફેફસાંની એલર્જી હોય તેમના ઘર પાસે જો કબૂતર હોય તો ચોક્કસપણે તેમણે પોતાનું ઘર બદલી નાખવું જોઈએ, જેથી ફેફસાંમાં વધારે ડેમેજ અટકાવી શકાય.’

Advertisement