NATIONAL

‘મમ્મી-પપ્પા, સોરી, આઇ એમ લૂઝર, આ છેલ્લો વિકલ્પ છે ‘

30 જાન્યુઆરીએ યોજાનારી JEE મેઇન્સ પહેલાં સોમવારે કોટામાં એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. તેના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે લખ્યું છે કે ‘મમ્મી-પપ્પા, સોરી, આઇ એમ લૂઝર, હું JEE ન કરી શકી, તેથી હું આત્મહત્યા કરી રહી છું. આ છેલ્લો વિકલ્પ છે.

12મા ધોરણની વિદ્યાર્થિની નિહારિકા JEEની તૈયારી કરી રહી હતી.
કોટાના બોરખેડા વિસ્તારમાં 120 ફૂટ રોડ પર રહેતા વિજય સિંહની પુત્રી નિહારિકા (18)ને પરિવારજનો એમબીએસ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પરિવારજનોએ જણાવ્યું કે નિહારિકાએ અભ્યાસમાં તણાવને કારણે આત્મહત્યા કરી છે.

નિહારિકા ત્રણ બહેનમાં સૌથી મોટી હતી
પિતરાઈ ભાઈ વિક્રમે જણાવ્યું હતું કે નિહારિકા ત્રણ બહેનમાં સૌથી મોટી હતી. તેના પિતા વિજય બેંકમાં ગનમેન છે. વિજય સોમવારે સવારે ડ્યૂટી પર ગયા હતા. નિહારિકા બીજા માળે તેના રૂમમાં અભ્યાસ કરતી હતી. પરિવારના અન્ય સભ્યો નીચે હતા. સવારે 10 વાગ્યાની આસપાસ દાદીએ રૂમનો દરવાજો ખખડાવ્યો. નિહારિકાએ દરવાજો ન ખોલ્યો. આના પર દાદીએ બૂમો પાડીને બધાને બોલાવ્યાં. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો જોયું કે નિહારિકા લટકતી હતી.

વિક્રમે જણાવ્યું હતું કે નિહારિકા અભ્યાસમાં સારી હતી. ગયા વર્ષે ધોરણ 12માં તેના માર્ક્સ ઓછા હતા, તેથી તે ફરીથી 12મું કરી રહી હતી અને JEEની તૈયારી પણ કરી રહી હતી. તેની JEE મેઇનની પરીક્ષા 30મી જાન્યુઆરીએ હતી. પરીક્ષાને લઈને તે ખૂબ જ તણાવમાં હતી. તે દરરોજ 6-7 કલાક અભ્યાસ કરતી હતી.

અઠવાડિયામાં બીજી આત્મહત્યા
કોટામાં એક સપ્તાહમાં વિદ્યાર્થીની આત્મહત્યાની આ બીજી ઘટના છે. આ પહેલાં NEETની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ 23 જાન્યુઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. મોહમ્મદ ઝૈદ (19) ઉત્તરપ્રદેશના મુરાદાબાદનો રહેવાસી હતો. તે કોટાના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ રાજીવ ગાંધીનગર વિસ્તારમાં એક હોસ્ટેલમાં રહેતો હતો. તેણે હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના 24 જાન્યુઆરીએ બહાર આવી હતી. વર્ષ 2024માં વિદ્યાર્થીની આત્મહત્યાની આ બીજી ઘટના છે.

ગયા વર્ષે 26 આત્મહત્યા થઈ હતી: કમિટીએ આપઘાતનાં કારણો આપ્યાં હતાં

રાજસ્થાન સરકારે 20 ઓક્ટોબર 2023ના રોજ કોચિંગ વિદ્યાર્થીઓના આત્મહત્યાના મામલાઓને લઈને એક સમિતિની રચના કરી હતી. કમિટીએ વિદ્યાર્થીઓના આત્મહત્યાનાં મુખ્ય કારણો આપ્યાં હતાં.

  • સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એકબીજાને પાછળ છોડવાની દોડ અને સારો રેન્ક મેળવવાનું દબાણ.
  • કોચિંગ પ્રેક્ટિસ ટેસ્ટમાં સારું પ્રદર્શન ન કરવાને કારણે નિરાશા.
  • અભ્યાસનો બોજ બાળકોની ક્ષમતા, રસ અને માતા-પિતાની અપેક્ષાઓ પ્રમાણે જીવવાનું દબાણ કરતાં વધી જાય છે.
  • કિશોરાવસ્થામાં થતા માનસિક અને શારીરિક ફેરફારો, પરિવારથી દૂર રહેવું, કાઉન્સેલિંગ અને સપોર્ટ સિસ્ટમનો અભાવ.
  • વારંવાર મૂલ્યાંકન પરીક્ષણો અને પરિણામો વિશે ચિંતા, ઓછા સ્કોર કરવા પર ઠપકો કે ટિપ્પણી કરવી, પરિણામોના આધારે બેચ બદલવાનો ડર.

 

Advertisement